ભાવનગર જિલ્લાના બે શિક્ષકો શૈલેન્દ્રસિંહ ગોહિલ (ધ્રુપકા શાળા) અને મિલનભાઇ કે. રાવલ (તણસા રાજપરા શાળા) દ્વારા વેકેશન દરમ્યાન ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારાની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાઇકલ યાત્રા તારીખ 14 મેના રોજ કચ્છના કોટેશ્વરથી શરૂ કરવામાં આવી હતી અને 30 મેના રોજ વલસાડના ગોવાડા ખાતે પૂર્ણ કરવામાં આવી.
આ સાઇકલ યાત્રા દરમિયાન કોટેશ્વર, માંડવી, મુન્દ્રા, ગાંધીધામ, ભચાઉ, આમરણ, જામનગર, દ્વારકા, પોરબંદર, મહુવા, ભાવનગર, વટામણ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ સહિતના શહેરોમાંથી પસાર થઈ હતી. આ સાઇકલ યાત્રાનો મુખ્ય હેતુ લોકો સાઇકલનું મહત્ત્વ સમજે, પોતાના રોજિંદા જીવનમાં ટૂંકા અંતર માટે સાઇકલનો ઉપયોગ કરે, સાથે-સાથે દરિયાકિનારે કે બીચ જેવા સ્થળોએ ફરવા જાય ત્યારે પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછું કરે અને કુપોષિત બાળકો ફંડ એકત્રિત કરવાનો હતો. આ સાઇકલ યાત્રા દરમ્યાન વિવિધ ગામના લોકો, સાઇકલિંગ ક્લબ, લાયન્સ ક્લબ, પર્યાવરણ ક્લબ, રોટરી ક્લબ ભાવનગર, ભારત વિકાસ પરિષદ-પોરબંદર સહિતની સંસ્થાઓ, શિક્ષક સંઘના પ્રમુખ અને ઉચ્ચ અધિકારીઓ સાથે આ બાબતે વિચારોની આપ-લે કરવામાં આવી હતી.
ઉનાળાની કાળઝળ ગરમીમાં ભાવનગર જિલ્લાના આ બે શિક્ષકોએ વિવિધ હેતુસર ગુજરાતના કોટેશ્વરથી શરૂ કરી વલસાડ સુધીની 1600 કિલોમીટરની સાઇકલ યાત્રા કરી યુવાનો અને સમાજ માટે એક પ્રેરણાદાયી કાર્ય કરી ભાવનગર જિલ્લાનું ગૌરવ પણ વધારેલ છે.તેમની આ સરાહનીય પ્રવૃતિને લોકોએ આવકારી તેઓને અભિનંદન પાઠવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.