ભાવનગર જિલ્લાના તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ રેશનીંગના જથ્થાના કાળા બજારનો ધંધો ફૂલ્યોફાલ્યો છે. મહુવા, પાલિતાણા પંથકમાં મોટા પ્રમાણમાં રેશનીંગનો જથ્થો સગેવગે કરવામાં આવે છે. પાલીતાણામાંથી સાડા નવ લાખનો જ્યારે મહુવામાંથી રૂ.19000નો બિનહિસાબી અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
પાલિતાણા વડિયા રોડ પર એક મહિના પહેલા જ 4 લાખનો રેશનીંગનો અનાજનો જથ્થો પુરવઠા વિભાગની ટીમે પકડી પાડતા ગઈકાલે વડીયા રોડ પર જીઆઇડીસી નજીક પાર્ક કરેલા ટ્રકમાં અનાજનો જથ્થો ચડાવતા હતા ત્યારે બાતમીના આધારે જિલ્લા પુરવઠા વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. પરંતુ અનાજના જથ્થાના બિલ કે કાગળો નહી હોવાથી બિનહિસાબી 7985 કિલો ઘઉં અને 27720 કિલો ચોખાનો સાડા નવ લાખની કિંમતનો જથ્થો કેટલ ફીડના કારખાનેથી પકડી પાડ્યો હતો.
રોકડ સહિત 20 લાખની મતા પુરવઠા વિભાગે સીઝ કરી સરકારી ગોડાઉન હવાલે કર્યો છે. જ્યારે મહુવા તાલુકાના ખરેડ ગામેથી રેશનીંગના ઘઉં-ચોખા ખરીદતો ફેરિયો ઝડપાયો હતો. ખરેડ ગામે રિક્ષામાં ફેરી કરી રેશનીંગના ઘઉં તથા ચોખાનો જથ્થો ખરીદતો શખ્સ આટો મારતો હોવાની માહિતી સરપંચ લાલજીભાઈ બાંભણિયાને મળતા તેમણે મહુવા મામલતદારને જાણ કરતા પુરવઠાની ટીમે ખરેડ ગામે પહોંચી ગઈ અને અમર હનીફભાઈ કાળવાતરની રીક્ષામાંથી રૂ.19 હજારની કિંમતનો 800 કિલો અનાજનો જથ્થો ઝડપી સીઝ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.