તંત્ર નિરસ:પાલિતાણામાં ટ્રાફીકની સમસ્યાથી તોબા

પાલિતાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૈરવનાથ ચોકથી માંડવી ચોક એક માર્ગીય જરૂરી
  • વારંવાર ચક્કાજામ અને નાના મોટા અકસ્માતના બનતા બનાવો: ઉપાય જરૂરી

પાલિતાણા શહેરની ટ્રાફીક સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ભૈરવનાથ ચોકથી માંડવીચોક સુધીનો માર્ગ અગાઉ એક માર્ગીય હતો જે અકળ કારણોસર દ્વિમાર્ગી કરતા આ રોડ ઉપર ચક્કાજામ, અકસ્માતના બનાવો વારંવાર બનતા હોય છે. રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

આ રોડ ઉપર શાકમાર્કેટ, ભૈરવનાથ મંદિર, હવેલી, કન્યાશાળા, જુમ્મા મસ્જિદ, સ્ટેટ બેંક, લાઈબ્રેરી, સોની બજાર, સુખડીયા બજાર આવેલ છે. આ વિસ્તારોમાં આવવા-જવા માટે આ રોડ ઉપર સતત ટ્રાફિક રહે છે. ભૈરવનાથ ચોકથી માંડવી ચોક સુધીનો માર્ગ એકદમ સાંકડો હોય આ રોડ ઉપર લારીઓ, ભારે વાહનો, થ્રીવ્હીલ ટેમ્પાઓ પ્રવેશ થાય છે. એટલે ટ્રાફિક જામ થાય છે.

આ રોડ ઉપર ટ્રાફિક સૌથી વધુ સવારે 9થી12 અને સાંજે 4થી7 સુધી રહેતો હોય છે. ભૈરવનાથ ચોકથી માંડવી ચોકના માર્ગને સવારના અને સાંજના અમુક સમય માટે એક માર્ગીય જાહેર કરવાની જરૂર છે.પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં ટ્રાફિક વ્યવસ્થા ખાડે ગઈ છે. જેથી વાહન ચાલકો તોબા પોકારી ગયા છે.

પાલિતાણાના મુખ્ય જાહેર રાજમાર્ગ અને આંતરિક માર્ગો પર આસામીઓ દ્વારા બેરોકટોક રીતે દબાણો કરવામાં આવતા રોડ સાંકડા થઈ રહ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા આ ગંભીર મામલે પણ આંખ આડા કાન થઈ રહ્યા છે.

પાલિતાણાના મુખ્ય માર્ગો ઉપર રોડ રોકી ઊભા રહેતા લારી-ગલ્લાવાળા તેમજ પાથરણા પાથરી વેપલો કરતા લોકો જ્યાં ત્યાં આડેધડ ટ્રેકટર, રીક્ષા, ટેમ્પાઓ, ભાર ખટારા, ટુવ્હીલર વાહનો પાર્ક કરી દેવામાં આવે છે તેમજ દુકાનદારો તથા તેના ગ્રાહકો દ્વારા રોડની બન્ને બાજુ ટુવ્હીલર્સ વાહનોનો કરાતો ખડકલો રોડને સાંકડો કરી દે છે.

પાર્કિંગની વ્યવસ્થા નથી
પવિત્ર તીર્થનગરી પાલિતાણામાં દરરોજ મોટી સંખ્યામાં યાત્રિકો વાહનો લઈને આવે છે. તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોના વાહનો પાર્ક કરવા શહેરમાં એકપણ જગ્યાએ પાર્કિંગ વ્યવસ્થા નથી પાલિકાને પાર્કિંગની વ્યવસ્થા કરવી જરૂરી છે.

કલેકટરની શિખામણ ઝાંપા સુધી
તાજેતરમાં ભાવનગર જિલ્લા કલેકટર પાલિતાણા આવેલ ત્યારે મીટીંગમાં અધિકારીઓને ટ્રાફીક વ્યવસ્થા સુધારવા, રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા તાકીદે પગલા લેવા જણાવેલ છતાં કોઈ સુધારો થયેલ નથી.

કામગીરી હાથ ધરાશે
ટ્રાફીકને અડચણરૂપ બાબતો સામે ખાસ કામગીરી હાથ ધરવામાં આવશે. ટ્રાફિકની કામગીરી ટ્રાફીક બ્રિગેડના જવાનો સંભાળી રહ્યા છે. વાહન પાર્કિંગની વ્યવસ્થા ન હોય પાર્કિંગની વ્યવસ્થા કરવી જરૂરી છે.> કે.એસ. પટેલ, પી.આઈ. પાલિતાણા ટાઉન પો.સ્ટે.

અન્ય સમાચારો પણ છે...