પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામના વતની અને હાલ સુરત હીરા ઘસવાનું કામ કરતા પ્રકાશભાઈ મનજીભાઈ મકવાણા (ઉ.વ. 42) ગત શનિવારે સુરતથી નિકળ્યા પછી ગુમ થયાં હતા જે અંગે કામરેજ પોલીસમાં ગુમ થયાં અંગેની નોંધ થઈ હતી. મોટી રાજસ્થળી ગામના આ યુવકનો મૃતદેહ આજે સાંજના સમયે વાડી વિસ્તારમાં ઝાડ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
માલપરા ગામના ખેડુત વાડીમાંથી નિલગાયોને ભગાડી રહ્યાં હતા ત્યારે તેણે ઝાડ સાથે લટકી રહેલો એક મૃતદેહ જેના પગ જંગલી પશુ ખાઈ ગયા હતા તેવી કોહવાયેલી સ્થિતિમાં મૃતદેહ જોતા તુરંત આજુબાજુના લોકો અને પોલીસને જાણ કરી હતી. સ્થાનિક લોકો એકઠાં થઈ જતાં આ મૃતદેહ પ્રકાશ મકવાણાનો હોવાનું સામે આવતા તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
મળતી વિગતો પ્રમાણે મૃતક પ્રકાશભાઈ છેલ્લા એક વર્ષથી સુરત રહી હીરા ઘસવાનું કામ કરતા હતા. તેમના માતા-પિતા છેલ્લા બે-ત્રણ વર્ષ પહેલા જ અવસાન પામ્યા હતા અને એક વર્ષથી તે પત્નિ તથા ત્રણ દિકરાઓ સાથે સુરત રહેવા જતાં રહ્યાં હતા જ્યાં મોટો દિકરો પણ હિરા ઘસવાનું કામ કરતો હતો. એ સિવાય બીજા બે દિકરાઓ ભણતા હતા.
તેમના પરિવારજનોના પ્રાથમિક અનુમાન પ્રમાણે પ્રકાશભાઈએ આર્થિક સંકડામણના લીધે આ પગલું ભર્યું છે. ગત શનિવારે સુરત થી નીકળ્યા બાદ તને કોઈ ભાળ નહી મળતા કામરેજ પોલીસમાં પણ ગુમ થયાંની ફરિયાદ નોંધાવી હતી. તપાસમાં છેલ્લે તેમનું લોકેશન મોખડકા સુધી મળ્યું હતું તેની વિપરિત દિશામાંથી ગળાફાંસો ખાધેલી હાલતે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઉલ્લેખનિય છે કે મોટી રાજસ્થળી ગામનો એક યુવક ગુમ થયા બાદ તેનો ઝેરી દવા પી જઈને આત્મહત્યા કરેલી હાલતે મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ ફરી ગામના બીજા યુવાનની આ પ્રકારે આત્મહત્યાથી ગામમાં શોક ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.