મેહુલ સોની
યાત્રાધામને કારણે વિશ્વ પ્રસિદ્ધ બનેલ પાલિતાણામાં ડેરી ઉદ્યોગ સહિતના ઉદ્યોગના વિકાસની ભરપુર તકો છે. આ પંથકમાં હીરાઉદ્યોગ ગૃહ ઉદ્યોગની માફક વિકસ્યો છે પણ એ સિવાય મોટી રોજગારી આપતો એકપણ ઉદ્યોગ નહીં હોવાથી સરકાર દ્વારા જીઆઈડીસી ફાળવી પાલિતાણાના ઔદ્યોગિક વિકાસ માટે નક્કર પગલા ભરવામાં આવે તેવી લોકલાગણી છે. આ ઉપરાંત વીજળી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ સુધરે તો આ પંથકમાં નવા ઉદ્યોગો આવી શકે છે. પાલિતાણામાં રોજગારલક્ષી કોઈ ઉદ્યોગ નહીં આવે તો પાલિતાણા ભાંગી અને ગામડુ બની જાય એવી ભીતિ પણ સેવાઈ રહી છે. પાલિતાણા હજુ સુધી ઔદ્યોગિક રીતે સંપૂર્ણ પછાત છે. અહીં કોઈ મોટા ઉદ્યોગો નથી. આ વિસ્તાર ખેતી, હીરા અને યાત્રાળુ ઉપર આધાર રાખતો વિસ્તાર છે. આ વિસ્તારને રોજગારલક્ષી ઉદ્યોગની ખૂબજ જરૂર છે. પાલિતાણામાં વાડીયા રોડ ઉપર એક જીઆઈડીસી છે. પરંતુ પુરતી સુવિધાઓના અભાવે અહીં વિકાસ થયો નથી. પેવરબ્લોક બનાવવાના પાંચેક જેટલા યુનિટ કાર્યરત છે. જીઆઈડીસીમાં જે પ્લોટધારક છે તે સ્થાનિક નથી મોટાભાગના રોકાણકારોએ પ્લોટ લીધેલા છે. તળાજા રોડ પર સરકારી પડતર જમીન પર નવી જીઆઈડીસી માટે ગાંધીનગરથી સર્વે પણ થયેલો છે. અગાઉ શેત્રુંજી ડેમ પાસે ડેરી બનાવવાનું આયોજન થયેલ પરંતુ પાછળથી આ વાત ખોરંભે પડતા પ્રોજેક્ટ પડતો મુકવામાં આવેલ.
પાલિતાણામાં દુધની ડેરીનો ઉદ્યોગ સ્થાપવા માટે ઉજળા સંજોગો છે. દુધની ડેરી બનાવવા માટે ત્રણ વાર પ્રયાસો થયેલ છે. પરંતુ ગમે તે કારણોસર આ વાત પડતી મુકવામાં આવેલ. પાલિતાણામાં દુધની ડેરી બને તો પશુપાલકોને પરિવહન ખર્ચ બચે, દુધના પુરતા ભાવ મળે. પાલિતાણા તાલુકામાં સર્વોતમ ડેરીનું ચીલીંગ સેન્ટર ઠાડચ ગામે આવેલ છે. અહીંથી દુધ સિહોર જાય છે. જયારે માહી દુધનું ચીલીંગ સેનટર પાલિતાણા GIDCમાં છે અહીં થી દુધ જુનાગઢ જાય છે.
મોટા ઉદ્યોગો બંધ થયા
પાલિતાણામાં સાત જેટલા રોજગારી આપતા એકમો બંધ થઈ ગયેલા છે. એક્રેલિકનું કારખાનું, સ્ટોપરનું કારખાનું, જીનીંગ ફેક્ટરી, ફુડ પ્રોસેસ એકમ, રોલીંગ મીલ, દવા બનાવવાનું કારખાનું બંધ થયેલ છે. તળાજા રોડ ઉપર મોટો સ્ટીલ પ્લાન્ટ ન નખાયેલ પરંતુ પુરતી વીજળી ન મળતા કારખાનુ બંધ થયેલ છે. પાલિતાણા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અંદાજે 500 જેટલા હીરાના કારખાના છે અંદાજે 25થી30 હજાર રત્ન કલાકારો છે.
વીજળી પુરવઠો ન મળતા કારખાનું બંધ થયું
અમોએ તળાજા રોડ ઉપર સ્ટીલ પ્લાન્ટનું કારખાનુ શરૂ કરેલ પરંતુ PGVCL દ્વારા વીજળી કનેકશન ન મળતા કારખાનું બંધ કરેલ છે. તળાજા રોડ અને વડીયા રોડ ઉપર ટેક્સના કારણે ચાર રોલીંગ મીલ બંધ થયેલ છે. વીજળી ટાઈમસર મળતી નથ, ઔદ્યોગિક માટે સરકારી જમીન મળતી નથી, ઓછા વ્યાજના દરે લોન મળતી નથી.> કિરીટભાઈ ગોહિલ,સામાજિક કાર્યકર
પાલિતાણા પંથકમાં દૂધની ડેરી શરૂ કરવાની જરૂર
પાલિતાણા તાલુકામાં 40થી45 જેટલી દૂધની મંડળીઓ છે. પાલિતાણા પંથકમાં દૂધની ડેરી શરૂ કરવાની જરૂરિયાત છે. પાલિતાણા પંથકમાં દૂધની ડેરી બને તો રોજગારીની વિપુલ તક ઊભી થાય તેમ છે. તેમજ પશુપાલકોને દૂધના પુરતા ભાવ મળી રહે. > અર્જુનભાઈ યાદવ, ખેડુત, સહકારી આગેવાન, ઉપપ્રમુખ, ભાવનગર જિલ્લા ભાજપ
નવી GIDC બનાવવા સરકારમાં રજૂઆત કરી છે
પાલિતાણામાં નવી જીઆઈડીસી બનાવવા માટે સરકારમાં રજૂઆત કરેલ છે. તળાજા રોડ ઉપર સરકારી પડતર જમીનો છે ત્યાં જીઆઈડીસી બનાવવું જોઈએ તેવી માંગણી કરતા ગાંધીનગરથી જમીનનો સર્વે કરવા ટીમ પણ આવેલ હતી. > પ્રવિણભાઈ રાઠોડ, માજી ધારાસભ્ય, પાલિતાણા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.