મેહુલ સોની
કોઈપણ ગામ કે નગરને સાફ સુથરૂ રાખવું એ જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નગરપાલિકાની હોય છે પરંતુ પાલીતાણા શહેરની મધ્યમાંથી પસાર થતી ખારો નદીના દુર્ગંધ યુક્ત પાણીથી આ નદીના આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ પ્રસરતા નગરજનોમાં તંત્ર વિરુદ્ધ વ્યાપક રોષ જોવા મળે છે. આજુબાજુની સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવના પગલે રોગચાળો ફેલાવવાની દહેશત ઊભી થવા પામી છે. નગરપાલિકાનું અને સિંચાઈ વિભાગ બંને ખારો નદીની સફાઈ કરી જનતાને રોગચાળામાંથી બચાવે.
સ્વચ્છતાની જવાબદારી પાલિકાની છે
અમારે ડેમના સ્ત્રાવ વિસ્તારમાં સફાઈ કરવાનું કામ હોય છે આ ખારો નદી શહેર વિસ્તારમાં આવે છે. ખારો નદીને સ્વચ્છ રાખવાની જવાબદારી નગરપાલિકાની છે ગટરનું પ્રદૂષિત પાણી નગરપાલિકા ખારો નદીમાં છોડે છે તેથી આ પાણી ખારો ડેમમાં આવી પાણી પ્રદૂષિત કરે છે.
અમે સમયે સમયે આ અંગે નગરપાલિકાના પત્ર લખેલ છે પરંતુ નગરપાલિકા તરફથી પત્રનો જવાબ પણ આપવામાં આવતો નથી. > આશિષભાઈ બાંધ્યા, ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર, શેત્રુંજી ડેમ જળ સિચાઈ યોજના
નદીમાં પાણી હોવાથી સફાઇ થઇ શકતી નથી
નગરપાલિકા દ્વારા ખારા નદીના કિનારા સાફ કરવામાં આવે છે પરંતુ બે વર્ષથી પાણી ઉતરેલ નથી આથી સાફ-સફાઈ થયેલ નથી આઠ દિવસમાં ખારો નદી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે.> આર. પી. સોલંકી, ચીફ ઓફિસર,પાલીતાણા નગર પાલીકા
શહેરની સુંદરતા માટે સફાઇ અભિયાન આરંભી તંત્રએ પગલાં લેવા જરૂરી છે
પવિત્ર યાત્રાધામ પાલીતાણામાંથી પસાર થતી ખારો નદી અતિશય પ્રદૂષિત બની ગઈ છે જે આપણા સૌ માટે શરમજનક છે આ ગંદકી મચ્છરજન્ય રોગો તથા અન્ય અનેક રોગોનું ઉદ્ભવ કેન્દ્ર બનેલ છે. નાગરિક આરોગ્ય સુખાકારી અને શહેરની સુંદરતા માટે તંત્રએ તાત્કાલિક ધોરણે પગલાં લેવા અત્યંત જરૂરી છે.-નરેન્દ્રભાઈ ત્રિવેદી, સામાજિક કાર્યકર્તા પ્રમુખ, વિવેકાનંદ કેન્દ્ર ગુજરાત રાજ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.