વિકાસની ઉજળી તક:પાલિતાણા તાલુકામાં મોટા ઉદ્યોગ નથી ત્યારે ડેરી ઉદ્યોગની સંભાવના

પાલિતાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તળાજા,જેસર અને પાલિતાણા મળીને પશુપાલન માટે બહોળો વિસ્તાર
  • સ્થાનિક કક્ષાએ ચિલિંગ પ્લાન્ટ ,પેકિંગ પ્લાન્ટ અને અન્ય પ્રોડક્ટ બને તો દૂધની બનાવટો તીર્થક્ષેત્ર પાલિતાણાને મળે

પાલિતાણા તાલુકો 90 જેટલા ગામોનો સમુહ ધરાવતો તાલુકો છે ઉપરાંત નજીકમાં શેત્રુંજી ડેમ હોવાથી આજુબાજુના અનેક ગામોમાં ખેતીવાડી માટે પાણીની ભરપુર સુવિધા છે જેથી ખેત ઉત્પાદન પણ સારા એવા પ્રમાણમાં થાય છે.આજુબાજુના તળાજા અને જેસર તાલુકામાં ખેતીનો વ્યાપ વધુ પ્રમાણમાં છે આ બધા ઉજળા સંજોગોને ધ્યાને લઇ પાલિતાણામાં કોઇ મોટા ઉદ્યોગ નથી આ સંજોગોમાં જો ડેરી ઉદ્યોગ સ્થપાય તો રોજગારી સાથે દુધ ઉત્પાદન પણ થઇ શકે.

પાલિતાણા બહોળો ગ્રામ્ય વિસ્તાર ધરાવતો તાલુકો છે એ ઉપરાંત તીર્થક્ષેત્ર પણ છે. શિહોર તળાજા ગારીયાધાર જેસર તાલુકાના 80 થી 100 ગામો અને પાલીતાણાના 90 ગામોનું મુખ્ય મથક છે અહીં જિલ્લાની બીજા નંબરની સિવિલ હોસ્પિટલ છે , શાળાઓ કોલેજો અને 200 થી વધુ ધર્મશાળાઓમાં કાયમ લગભગ 5000 યાત્રિકો રોજિંદી એવરેજ આવન જાવન , 25 હજાર હીરા કારીગરોનું પાલીતાણામાં રોજનું અપડાઉન છે. સામાન્ય અંદાજ મુજબ આટલી વ્યવસ્થાઓ અને જનસંખ્યા માટે રોજ હજ્જારો લીટર દૂધ , ઘી , માખણ , છાસ , પનીર , માવો , અન્ય મીઠાઈઓ મળીને દૂધની ઉત્પાદિત કેટલી ચીજ વસ્તુઓની અહીં ખપત છે.

પાલિતાણામાં એક અંદાજે પચાસ હજારથી વધુ પશુઓ અને એક હજાર જેટલા મોટા પશુ પાલકો છે. શેત્રુંજય ડેમનો સામો કાંઠો કહેવાય એવા ડેમથી જેસર પટ્ટીના ગામડાઓ કે જ્યાં માત્ર ખેતી અને પશુપાલન આ બે જ વ્યવસાય છે એક એક ગામમાં હજારથી વધુ પશુઓ છે.

70000 જેટલુ પશુધન ડેરી ઉદ્યોગ જરૂરી
પાલીતાણા તાલુકામાં 27300 ગાયો 29000 ભેંસો , 5000 ઘેટાં તથા 8500 બકરીઓ મળીને 70000 જેટલુ સરકારી ચોપડે નોંધાયેલું પશુધન છે ત્યારે પાલીતાણામાં સ્થાનિક કક્ષાએ પણ મિલ્ક પ્રોડક્ટના યુનિટ કે લોકલ ડેરી ઉદ્યોગ વિકસે તો પશુપાલકોને પ્રોત્સાહન પણ મળે અને ફાયદો પણ થઇ શકે .> ડો.પી.આઈ વાઘેલા , પશુપાલન અધિકારી -પાલીતાણા

સ્થાનિક ઉદ્યોગથી અસંખ્ય લોકોને રોજગારી મળે
પાલિતાણામાં કોઈ મોટા ઉદ્યોગ નથી અને કદાચ ટ્રાન્સપોર્ટેશન અને અન્ય અનુકૂળતા ઓછી હોય શકે પણ જો અહીં સરકાર રસ લઈને ડેરી ઉદ્યોગના સ્થાનિક યુનિટો બનાવે તો સ્થાનિક જરૂરિયાતમંદ લોકોને દૂધ અને દૂધની બનાવટના ઉત્પાદનો સસ્તા , તાજા અને ઝડપી મળી શકે , હજારો લોકોને સ્થાનિક ઉદ્યોગ હોય તો રોજી રોટી મળી શકે. પશુ પાલકોને વધુ પોષણક્ષમ ભાવો મળે તો વધુ પશુઓ રાખવા પ્રોત્સાહન મળી શકે અને પાલિતાણાનો કાંઠા વિસ્તાર કે જે ખરેખર અવિકસિત વિસ્તાર છે એ વિસ્તારનો વિસ્તારના ગામડાઓ અને લોકોનો વિકાસ આ ડેરી ઉદ્યોગથી સંભવ છે.

ડેરી ઉદ્યોગ માટે પાલિતાણા યોગ્ય છે
પાલીતાણા વિસ્તારમાં ડેરી ઉદ્યોગ માટે ખુબ સારી તકો રહેલી છે પાણી,ઘાસચારાનુ મોટા પાયે વાવેતર,સારી પશુપાલનની ઓલાદો.તાલુકામા ડેરી ઉદ્યોગ માટેની ખુબ મોટી તકો રહેલી છે. ડેરી ઉદ્યોગનુ આયોજન થાય તો પશુપાલકો,ખેડુતો અને આ વિસ્તારની પ્રજાને બહુજ મોટો ફાયદો થાય તેમ છે.> અર્જુનભાઇ યાદવ, ખાનગી ગૌશાળા સંચાલક -ખેડૂત આગેવાન

અન્ય સમાચારો પણ છે...