વિકાસ અટક્યો:પાલિતાણામાં વધુ એક GICD ની જરૂરીયાત

પાલિતાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં વડીયા રોડ પર આવેલ જીઆઇડીસીમાં કોઇ પ્રકારની સુવિધા નથી
  • હીરા ઉદ્યોગ સિવાય પણ બીજો સારો ઉદ્યોગ હોય તો લોકોને રોજગારી મળતી થાય

પાલીતાણા શહેરમાં મુખ્યત્વે હાલમાં હીરા ઉદ્યોગ પર લોકો નભી રહ્યા છે જેમાં નાના મોટા હીરાના કારખાનાઓમાં લોકોને રોજગારી મળી રહી છે. શહેરમાં હીરા ઉદ્યોગ સિવાય કોઈપણ પ્રકારનો એક પણ ઉદ્યોગ નથી. જેથી મોટાભાગના લોકો સુરત જેવા મોટા શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે અને દિવસે દિવસે શહેરનો વિકાસ પણ રૂંધાતો જોવા મળી રહ્યો છે.

પાલીતાણા શહેરમાં નવી જીઆઇડીસી સ્થાપવામાં આવે તો અનેક લોકોને રોજગારી મળી રહે તેમ છે. શહેરમાં વડીયા રોડ પર એક જીઆઇડીસી છે પરંતુ તેનો યોગ્ય વિકાસ થયેલ નથી. ત્યાં વીજળી, રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. આથી શહેરમાં નવી જીઆઇડીસી સ્થાપવા રાજકીય આગેવાનોએ સરકારમાં અનેક વખત રજૂઆતો પણ કરેલ છે.

નવી જીઆઇડીસી આવવાથી શહેરનો વિકાસ પણ ધીમે ધીમે વધે તેવી શક્યતાઓ છે. હાલમાં લોકો હીરા ઉદ્યોગથી પોતાનું ભરણપોષણ કરી રહ્યા છે. હિરા ઉદ્યોગમાં ક્યારેક મંદી આવવાથી લોકોની સ્થિતિ દયનીય બની જાય છે. કારણ કે પાલીતાણા શહેરમાં હીરા ઉદ્યોગ સિવાય બીજો કોઈ ઉદ્યોગ જ નથી. પાલીતાણા શહેરમાં નવી જીઆઇડીસી સ્થાપવામાં આવે તો લોકોને ખૂબ જ ઉપયોગી થાય. લોકોને રોજગારી મળી રહે તેમાં શહેરનો વિકાસ પણ થાય વેપાર ધંધા પણ વધે.

હાલની જીઆઈડીસીમાં અનેક પ્રશ્નો છે
વડીયા રોડ ઉપર આવેલ GICDમાં રોડ, લાઈટ, પીવાનું પાણી, ગટર, લાઈન, બેંકલોનમાં વિલંબ તેમજ મજુરો સહિતના પ્રશ્નો છે. ટ્રાન્સપોર્ટનો અભાવ છે. આથી સરકારના લોકભાગીદારીના આયોજન મુજબ વિકાસનાં કાર્યો થઈ શકતાં નથી. . > જગદીશભાઈ રાઠોડ, ઉદ્યોગપતિ

તળાજા રોડ પર નવી જીઆઈડીસી બનાવી શકાય
પાલિતાણામાં હાલની GICDમાં માળખાગ્રસ્ત સુવિધાઓ નથી આથી કોઈ મોટા ઉદ્યોગો સ્થપાતા નથી. પાલિતાણામાં મોટી ઔદ્યોગિક વસાહત ઊભી થાય તે માટે તળાજા રોડ ઉપર નવી GICDબનાવવા તેમજ પાલિતાણા પંથકમાં નવા ઉદ્યોગો સ્થાપવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવેલ છે. > ઘનશ્યામભાઈ શિહોરા, પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ, પાલિતાણા

અન્ય સમાચારો પણ છે...