તીર્થનગરી પાલીતાણામાં તંત્રની મીઠી નજર તળે ખુલ્લેઆમ વાહનો પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. આવા વાહનોના પ્રદૂષણથી લોકોને આંખોમાં બળતરા થતી હોવાની અને લોકોનું આરોગ્ય કથળતું હોવાની વ્યાપક ફરિયાદ ઊઠવા પામી છે. લોકોના આરોગ્ય સામે ખતરા રૂપ આવા ધુમાડા ઓકતા વાહનો સામે પગલા ભરવામાં તંત્ર નિષ્ક્રિય બની રહી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
પાલીતાણામાં વાહનોથી નીકળતો ધુમાડો કાળુ વાદળ બનીને છવાઈ જાય છે તથા પ્રદુષણની આડ અસરો પણ વર્તાઈ રહી છે. જેની સામે તંત્ર વાહકો ચુપકેદી સેવી રહ્યા છે. છેલ્લા કેટલાય દિવસોથી વિશ્વાસનળી અને ફેફસાઓના રોગોના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. સાંજના સમયે અનેક લોકો આંખોમાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
વહેલી સવારે ચાલવા જતા લોકોપ્રાણ વાયુના બદલે કાર્બન મોનોક્સાઈડ મેળવીને જ પાછા આવે છે. પાલીતાણામાં પ્રદૂષણ વધવાનું એક કારણ એ પણ છે કે વાહનો સંખ્યા વધી રહી છે. શહેરના મુખ્ય માર્ગો પર વારંવાર ટ્રાફિકજામ થઈ જાય છે. મોટાભાગની રીક્ષાઓ કેરોસીન પર જ ચાલે છે. શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કાળો ધુમાડો ઓકતા છકડાઓ ખાનગી ટ્રાન્સપોર્ટ સર્વિસ ધરાવે છે.
પરંતુ તંત્ર ધુમાડિયા વાહનોને રોકતું નથી અને તંત્ર ગમે તે કારણોસર ચૂપકેદી સેવી રહ્યું છે. પ્રદૂષણ નિયંત્રણના નામે અનેક યોજનાઓ થાય છે. પરંતુ પ્રદૂષણ ઘટવાના બદલે વધતું જાય છે. આ અંગે તંત્ર નક્કર કામગીરી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.