અર્જુન ડાંગર , તારક શાહ
જૈનોના પવિત્ર ધર્મસ્થાન એવા પાલીતાણામાં ખુલ્લેઆમ માંસ, મટન અને મદિરા મળી રહ્યા છે. શેત્રુંજય તળેટીથી માત્ર 3 કિલોમીટર દૂર જેલ રોડ પાસે બકરા, પાડાનું મટન, મચ્છી, ચિકન તો ગરાજીયા રોડ પર દેશીદારૂની રેલમછેલ થતી હોવાનું દિવ્ય ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે. વાત અહીંથી અટકતી નથી, જીવાપુર અને ડુંગરપુર પાસે ગોચરની જમીન ખનન માફિયા કોતરી રહ્યા છે. રોડ પર નંબર પ્લેટ વગરના દોડી રહેલા ટ્રક અને ટ્રેક્ટરમાં અહીંથી પથ્થરો ભરાઈને આસપાસના ભરડિયામાં પહોંચે છે.
પર્વત પાસે પાર્કિંગ અને બાજુની ગલીઓમાં દેશીદારૂની ખાલી કોથળીઓ આ બદીઓની ચાડી ખાઈ રહી હતી અને તંત્રના દાવાઓ સામે પડકાર ફેંકી રહ્યા છે. અમને શેત્રુંજ્ય તળેટીની પાસે પાર્કિંગમાં જ દેશીદારૂની ખાલી કોથળીઓ જોવા મળી.ત્યાંથી 500 મીટર દૂરની ગલીમાં જઈને પૂછ્યું તો લગભગ પાંચેક ઘરમાંથી જવાબ મળ્યો કે હમણાં બંધ છે આગળ મળી જશે પણ ત્યાં નીચે નજર કરી તો કોઈ એ થોડા સમય પહેલા જ પીને ફેંકી દીધેલી ખાલી કોથળીઓ પડી હતી. ત્યાંના લોકોએ કહ્યું ગરાજીયા રોડ પર જે જોઈએ તે મળી જશે. અમે ત્યાં પહોંચ્યા અને જાહેરમાં મચ્છી કાપી રહેલા વ્યક્તિએ કહ્યું 200 રૂપિયાની કિલો મચ્છી મળશે પછી ગર્વથી કહે છે આ શેત્રુંજ્ય નદીની છે. અમે પૂછ્યું દારૂ મળશે? તુરંત કહ્યું જો સામે કાંઠે મળશે, ત્યાં જઈને જોયું તો દેશીદારૂની કોથળીઓ ખુલ્લેઆમ લઇને લોકો જઈ રહ્યા હતા.
પાલીતાણા મુદ્દે ટાસ્ક ફોર્સની રચના
ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે પાલીતાણાના પ્રશ્નો અંગે જૈન સમાજની રજૂઆતો બાદ ભાવનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના વડપણ આઠ સભ્યોની ટાસ્ક ફોર્સની રચના કરી છે.
તળેટીમાં દેશી દારૂની રેલમછેલ
દારૂ આસાનીથી મળશે? જવાબ મળ્યો, ગમે ત્યારે મળી જશે
રિપોર્ટર: દેશી દારૂ મળી જશે? વ્યક્તિ: સામે ઘરમાં જ મળે છે કહો તો લઇ આવી આપું રિપોર્ટર: આસાનીથી મળશે? વ્યક્તિ: ગમે ત્યારે મળી જાય અમે એ ઘર પાસે પહોંચ્યા અને જોયું તો ખુલ્લેઆમ દારૂની કોથળીઓ મળી રહી હતી. અમે પૂછ્યું તો કહ્યું 20 અને 50 રૂપિયા ભાવ છે કેટલી જોઈએ પછી આવીશું તેમ કહી જાહેર માં વેચાઈ રહેલા દારૂનું વીડિયો રેકોર્ડિંગ કર્યું.
તળેટીથી ત્રણ કિમી દૂર માંસ-મચ્છીની હાટડી, વેચનારે કહ્યું, બકરો-પાડો જે જોઈએ કહો...
રિપોર્ટર: આ મચ્છી ક્યાંની છે? વેચનાર: શેત્રુંજય ડેમની જ છે, 200ની કિલો રિપોર્ટર: બીજી કોઈ છે? વેચનાર: અહીં આવીને જોઈ લો (અંદર થર્મોકોલના એક એક બોક્સ ખોલીને બતાવે)
સાંજે આવી ને લઇ જઈશું તેમ કહી અમે ત્યાંથી આગળ ગયા ત્યાં પણ ખુલ્લે આમ મચ્છી કપાઈ રહી હતી.
રિપોર્ટર: મટન મળશે? વેચનાર: હા બકરો -પાડો જે જોઈએ તે બોલો રિપોર્ટર: બકરાનું તાજું મળી જાય? વેચનાર: હા 500 નું કિલો, બોલો કાપી દઉં રિપોર્ટર: કાપેલું છે? વેચનાર: લઈ જવું હોય ત્યારે કાપી દઈશ.
ગેરકાયદે ખોદકામ પણ જારી
ખનીજ માફિયા નંબર વગરના વાહનોમાં બેફામ હેરાફેરી કરે છે
પાલીતાણાના જીવાપુર અને ડુંગરપુર પાસેના ગોચરના ડુંગર રીતસર કપાઈ રહ્યા છે. આ જગ્યામાંથી બેફામ ખનન થઇ રહ્યું છે. નંબર પ્લેટ વગરના ટ્રક અને ટ્રેક્ટર માટી,પથ્થરો ભરીને રોડ પર દોડી રહ્યાં છે. માલ ભરવા માટે ટ્રેક્ટરો કતારમાં પણ દેખાયા હતા. કેટલીક જગ્યાએ તો ડુંગરનો મોટાભાગનો ભાગ અદૃશ્ય થઈ ગયેલો જણાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.