હિન્દુ સંતોની બેઠક મળી:કોઈ રાગદ્વેષ વગર બેઠક યોજી સમસ્યાનું નિરાકરણ લાવવા સંતોની બેઠકમાં નિર્ણય

પાલિતાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિતાણાના મામલે જૈનાચાર્યો અને હિન્દુ સંતોની બેઠક મળી

પાલિતાણા શેત્રુંજ્ય તીર્થ અંગે વિવાદ શરૂ થયા બાદ આ તીર્થ જૈનોની આસ્થાનું કેન્દ્ર હોવાથી તેના દેશભરમાં પડઘા પડયા હતા. આ પ્રશ્ને આજે જૈન આચાર્ય ભગવંતો, જૈન મુનીઓ અને હિન્દુ સંતોની એક બેઠક સકારાત્મક વિચારણા હાથ ધરવા આજે બપોરના કચ્છવાગડ જૈન ધર્મશાળામાં મળી હતી. આ બેઠકમાં રાગદ્વેષ વગર બેઠક યોજી સમસ્યાનું નિરાકરણ લાવવા સંતોની બેઠકમાં નિર્ણય કરાયો હતો તેમજ બન્ને પક્ષોએ આસ્થા જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરીને ધર્મની અેકતા જળવાઈ રહે તેવા પ્રયાસ કરવા અનુરોધ કર્યો હતો.

આ મહત્વની મીટિંગમાં વિમલ ગચ્છાધિપતિ પ્રધ્યુમન વિમલસૂરિ મા.સા. (ભાઈ મા.સા.), રાષ્ટ્રસંત પ.પૂ.આચાર્ય ચંદ્રાનનસાગર સૂરિશ્વરજી મા.સા. તેમજ મુની ભગવંતો હાજર રહ્યા હતા જ્યારે હિન્દુ સંતોમાં મહામંડલેશ્વર 1008 હરીહરાનંદબાપુ ભારતીઆશ્રમ, જુનાગઢ, થાનાપતિ મહંત મહાદેવગીરીબાપુ, અવધુત આશ્રમ જુનાગઢ, સેક્રેટરી મહંત કનૈયાગીરીબાપુ ધારેશ્વર મહાદેવ આશ્રમ, સેક્રેટરી મહંત અમૃતગીરીબાપુ, થાનાપતિ મહંત લહેરગીરીબાપુ, મહામંડલેશ્વર 1008 રમજુબાપુ, થાનાપતિ મહંત વિક્રમગીરીબાપુ, મહંત ધરમદાસબાપુ, મહંત શિવચેતનગીરીબાપુ, મહંત ભક્તિગીરીજી, સ્વામી શરણાનંદબાપુ, પી.પી.સ્વામી સહિતના હાજર રહ્યા હતા.

સમસ્યાનું નિરાકરણ આવશે
શેત્રુંજ્ય પર્વતનો પ્રશ્ન ઊભો થયો છે અને જે સમસ્યાઓ ઊભી થઈ છે તે સમસ્યાનું સમાધાન થાય તે માટે આ બેઠક કરાઈ છે. સમસ્યાનું નિરાકરણ આવશે. > પ.પૂ.આચાર્ય ચન્દ્રાનનસાગર સૂરીશ્વરજી મ.સા., રાષ્ટ્રીય સંત

તમામનું નિરાકરણ કરવા પ્રયાસ કરાયો
બન્ને પક્ષો વચ્ચે સકારાત્મક વાતો કરવામાં આવેલ. સનાતન ધર્મના જે પ્રશ્નો છે તે તમામ પ્રશ્નો તપાગચ્છ સમિતિ, આચાર્ય ભગવંતો અને આ.ક.પેઢી અને જૈન શ્રેષ્ઠીઓ સમક્ષ મુકી સમસ્યાનું નિરાકરણ કરવા પ્રયાસ હાથ ધરવામાં આવશે. > ગચ્છાધિપતિ પ.પૂ.આચાર્ય પ્રધ્યુમ્નસૂરિ વિમલસૂરીશ્વરજી મ.સા., ભાઈ મહારાજ

જૈનોની જરાપણ લાગણી દુભાય તેવું કામ કરાયું નથી
જૈનોની જરા પણ લાગણીઓ દુભાય તેવંુ એકપણ કામ અમોએ કરેલ નથી તેમજ કરીશું પણ નહિ બન્ને પક્ષોએ સાથે મળીને સકારાત્મક વિચારો સાથે સમસ્યાનું નિરાકરણ કરવાના પ્રયાસો કરવામાં આવશે. અને બન્ને પક્ષોની આસ્થા જળવાઈ રહેવી જોઈએ તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે. > થાનાપતિ મહંત મહાદેવગિરિબાપુ , અવધુત આશ્રમ-જુનાગઢ.

અન્ય સમાચારો પણ છે...