પાલિતાણાના તળાવ વિસ્તારમાં આવેલ ઘાંચી જમાતની વાડીમાં લગ્નપ્રસંગે જમણવારમાં ફુડ પોઇઝનીંગની 700 જેટલા લોકોને અસર થતા મોડી રાત્રીના સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી દવાખાનામાં દાખલ કરવા પડેલ.આ બનાવ બનતા આરોગ્ય તંત્ર દોડતુ થયુ હતુ.જો કે સારવાર બાદ તમામની તબિયત સુધરતા દવાખાનામાંથી રજા આપી દેવામાં આવી હતી.
તળાવ વિસ્તારમાં રહેતા ઇસુબભાઇ મમુભાઇ મકવાણાના દિકરા શાહિનની શાદી હોય તેમના પરિવાર દ્વારા તળાવમાં આવેલ ઘાંચી જમાતની વાડીમાં અંદાજે 1500 માણસોનો જમણવાર રાખવામાં આવેલો હતો. રવિવારે રાત્રિના 9.30 પછી જમ્યા બાદ રાત્રિના 11 વાગ્યે 700 જેટલા બાળકો, ભાઇઓ તથા બહેનોને ફુડપોઇઝનીંગની અસર થતા પાલિતાણાના સરકારી દવાખાને તેમજ પાંચ જેટલા પ્રાઇવેટ દવાખામાં લોકોને દાખલ કરવા પડેલ હતા.
પાલિતાણા તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર ડો. દિપક મકવાણાએ જણાવ્યુ હતું કે કે આ બનાવની જાણ થતા તરત જ અર્બન હેલ્થ સેન્ટર તેમજ તાલુકા હેલ્થ સેનટરના ગ્રામ્ય વર્કરો સહિતની ટોટલ 18 ટીમો સારવારમાં જોડાયેલ હતી. રાત્રીના 2 વાગ્યે ઘાંચી જમાતની વાડી પાસે તળાવમાં ઓપીડી સેન્ટર પણ શરૂ કરવામાં આવ્યું હતું.
જમણવારમાં જેમણે ભાગ લીધો હતો તેમને તમામ લોકોને ORSના પેકેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. માનસિંહજી હોસ્પિટલમાં 223 દર્દીઓ હતા અને ખાનગી હોસ્પિટલો સહિત કુલ 569 દર્દીઓને ફુડપોઇઝનીંગની અસર થયેલ હતી. તમામની તબિયત સુધરતા દવાખાનામાંથી રજા આપી દેવામાં આવેલ છે.
બનાવની જાણ થતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી પાલિતાણા આવી પહોંચ્યા હતા. જમણવારમાં આવેલ મોટાભાગના મુસ્લિમ વિસ્તારો જેવા કે તળાવ વિસ્તાર, પરિમલ વિસ્તાર, 50 વારિયા વિસ્તારમાં સર્વેની કામગીરી ઘરે ઘરે જઇને શરૂ કરવામાં આવેલ છે.
રવિવારે મોડીરાત્રિના આ બનાવ બનતા પાલિતાણા શહેરની નાગરીક મંડળીની, સરદાર પટેલ ગૃપની તેમજ નગરપાલિકા સહિતની એમ્બ્યુલન્સો દર્દીઓને દવાખાને લઇ જવા સતત આવન-જાવન શરૂ કરેલ હતી. માજી નગરપતિ પ્રવિણભાઇ ગઢવીને રાત્રિના સમયે બનાવની જાણ થતા તાત્કાલીક સરકારી દવાખાને પહોંચી અને તમામ દર્દીઓને સારવાર મળી રહે તેવા પ્રયાસો કર્યા હતા. સરકારી હોસ્પિટલની ટીમ તેમજ બ્લોક હેલ્થ, અર્બન હોસ્પિટલ સહિતનાએ સરાહનીય કામગીરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.