છેતરપીંડીના બનાવો:પૈસા આપી અજાણી યુવતિ સાથે લગ્ન કરી છેતરાતા યુવાનો : ગેંગ કાર્યરત

ભાવનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લગ્ન બાદ ઘરમાંથી ઘરેણા રોકડની ચોરી કરી પરિણીતા ભાગી જાય છે
  • બિહાર, યુપી, ઝારખંડની યુવતિઓ સાથે લગ્ન કરાવવા એજન્ટો ફરે છે

ભાવનગરમાં લગ્ન ઈચ્છુક યુવાનોને મોટી રકમ લઈ પરપ્રાંતિય યુવતી સાથે લગ્ન કરાવી દેતી એક ગેંગ કાર્યરત થઈ છે. લગ્ન બાદ થોડા દિવસમાં લગ્ન કરનાર મહિલા ઘરમાંથી રોકડ - દાગીનાની ચોરી કરી પલાયન થઈ જાય છે. છેતરપીંડીના આવા બનાવો વધતા જાય છે. ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં આવા બનાવો અંગે કોઈ પોલીસ ફરિયાદ પણ કરતુ નથી ત્યારે તંત્ર જાગૃત બની આવી ગેંગને પકડે તે જરૂરી છે.

ઉંમર વીતી જતા અથવા અન્ય કારણોસર અનેક લોકોને સમયસર લગ્ન થતા નથી આવા લોકોની મજબુરીનો લાભ ઉઠાવી કેટલાક શખ્સો મોટી રકમ આવા લગ્ન વાંચ્છુક પાસેથી મેળવી તેના પરપ્રાંતિય યુવતિ સાથે લગ્ન કરાવી આપે છે ખાસ કરી બિહાર, યુપી, ઝારખંડ અને રાજસ્થાનના ગામડાઓની આ મહિલાઓ હોય છે જેને માટે એજન્ટો પણ ફરે છે. લગ્ન કર્યા બાદ ઘરમાંથી ઘરેણા પૈસા ચોરી આ યુવતિઓ નાસી જતી હોય છે.

પોલીસ ચોપડે ચડેલા બે નોંધપાત્ર કિસ્સાઓ
બનાવ 1 -
શહેરના રસાલા કેમ્પ વિસ્તારમાં રહેતા એક યુવકની માતાના પરિચયમાં આવેલી ભાવનગરની જ બે મહિલાઓએ પોતે મેરેજ બ્યુરો ચલાવે તેવી ઓળખ આપી તેમના દિકરાના લગ્ન કરાવી દેશે તેવું વચન આપી 1 લાખ રૂપિયા લીધાં હતા બાદમાં તેના રાજપરા ખોડિયાર મંદિરે લગ્ન કરાવ્યા હતા. લગ્નના 1 મહિના બાદ યુવકે તેની પત્નિને લગ્નના રજિસ્ટ્રેશન કરાવવાનું કહેતા યુવતી ઘરેથી રોકડ, દરદાગીના મળી કુલ રૂ. 2.20 લાખનો મુદ્દામાલ લઈ ભાગી ગઈ હતી. આ અંગે નિલમબાગ પોલીસ મથકમાં અરજી કરતા પોલીસે કંઈ કાર્યવાહી નહી કરતા ઉક્ત પાંચેય વિરૂદ્ધ કોર્ટમાં ફરિયાદ કરી હતી.

બનાવ 2 - ભાવનગરના યુવકને આણંદ જિલ્લાના બોરસદ બનેજડા ખાતે લગ્ન કરવા બોલાવી શ્રદ્ધા નામની યુવતી સાથે લગ્ન કરાવવાનું નક્કી કરી આપવાનું ષડ્યંત્ર રચી કન્યા જોવા આવ્યા તે વખતે રૂ. 5,000 તથા ઓનલાઈન 5,100 અને 5,000 મંગાવ્યા બાદ લગ્નના દિવસે લગ્ન રજિસ્ટ્રેશન અને સિકોતર માતાની માનતા પુરી કરવાના બહાને લઈ ગયા બાદ યુવકને તમાકુની પડીકી અને પાણીની બોટલ લેવા મોકલી યુવતી અને તેના સાગરીતો ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે વિરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવમાં ભાવનગરના યુવક સાથે કુલ રૂ. 1,34,850ની છેતરપિંડી થઈ હતી.

પોલીસનો સંપર્ક કરો
આવા કિસ્સો જેની સાથે બન્યો હોય તેમણે નિસંકોચ તુરંત જ નજીકના પોલીસનો સંપર્ક કરવો પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ કરી શકશે અને તપાસ બાદ સત્ય સામે લાવી ન્યાય અપાવી શકે. > ડૉ. રવિન્દ્ર પટેલ, એસપી-ભાવનગર

અન્ય સમાચારો પણ છે...