ભાવનગરના યુવકને આણંદ જિલ્લાના બોરસદ બનેજડા ખાતે લગ્ન કરવા બોલાવી મંદિરમાં ફુલહાર કરાવી સોના-ચાંદીના દાગીના મંગળસુત્ર મળી કુલ 1.34 લાખનો મુદ્દામાલ લઈને યુવતી ફરાર થયાંની ફરિયાદ વિરસદ પોલીસ મથકમાં નોંધાઈ છે. સીદસર રોડ પર રહેતા પ્રદિપ નરેન્દ્ર પરમારની દુકાનમાં વાળ કપાવવા આવતાં હિમ્મતભાઈના સાઢુ વેલજી ઉર્ફે નિખીલ કરશન પરમારે (રહે. કરજણ) ગત એપ્રિલમાં પ્રદિપના પિતરાઈ ભાઈ ભાવેશને ફોન કરીને કરજણમાં રહેતા દેવજીભાઈ ભાઈલાલ વસાવા તમને છોકરી બતાવશે તેવી વાત કરી હતી.
દરમિયાન, ભાવેશભાઈએ દેવજીભાઈને ફોન કર્યો એટલે તેમણે યુવતી માટે સલીમભાઈનો ફોન નંબર આપ્યો હતો. જેને પગલે સલીમભાઈએ ત્રણેક યુવતીના ફોટો મોકલ્યા હતા. જે પૈકી એક યુવતી પર પ્રદિપે પસંદગીનો કળશ ઢોળ્યો હતો. એ પછી સલીમભાઈએ તુરંત જ છોકરી જોવા બનેજડા આવજો એમ કહી બનેજડા બોલાવ્યા હતા ત્યાં તેમણે શ્રદ્ધા નામની એક છોકરી બતાવી હતી. જયાં તેના પરિવારના સભ્યોનો પરીચય કરાવ્યો હતો
આ લગ્ન માટે રૂપિયા 1.60 લાખ નક્કી કરાયા હતા. એ પછી ચોથી મેના રોજ ફૂલહાર કરવાનું નક્કી થતાં ભાવનગરથી વરરાજા પ્રદીપની સાથે ભાવેશભાઈ, નાનો ભાઈ પ્રકાશ, માતા-પિતા, મિત્ર હિંમતભાઈ અને વકીલ રીનાબેન રજનીભાઈ શાહ કાર ભાડે કરી તેના ગામની સીમમાં આવેલા બહુચર માતાજીના મંદિર લઈ ગયા હતા. જ્યાં યુવતી સાથે ફૂલહાર કર્યા બાદ તેમણે યુવતીને સોનાનું મંગળ સુત્ર અને ચુની તથા લગ્ન નિમિત્તે સલીમભાઈને રોકડા રૂપિયા 75 હજાર, છોકરીના મામા અરવિંદભાઈને 15 હજાર અને સલીમભાઈને 25 હજાર આપ્યા હતા.
લગ્ન પૂરા થયા બાદ વકીલ રીનાબેને લગ્ન રજિસ્ટર કરવા ખંભાત જવાનું કહેતાં જ યુવતીના મામા અરવિંદે રાલજ સિકોતર માતાના મંદિરે શ્રદ્ધાની બાધા હોય જવાનું જણાવી તેણીને કારમાં બેસાડી દીધી હતી. અને રાલજ પહોંચી મંદિરે દર્શન કર્યા હતા. જોકે, દર્શન બાદ યુવતીના કથિત મામા રાજુએે પ્રદિપને અમે બંને બાઈક પર આવીએ છીએ તેમ કહ્યું હતું. જેની સાથે પ્રદિપ પણ ગયો હતો આ લોકો બાઈક હંકારી લઈ વાસણા પહોંચ્યા હતા.
જ્યાં બાઈક ઊભું રાખી પ્રદિપને પાણીની બોટલ અને તમાકુની પડીકી લેવા મોકલી રાજુ યુવતીને લઈ ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના અંગે યુવકે તેના પરિવારજનોને કહેતાં જ તેઓ તુરંત જ કાર લઈને પહોંચી ગયા હતા અને ત્યાંથી તેઓ વિરસદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં તેમણે આ અંગે ફરિયાદ નોંધાવી હતી.
મામાની બિમારીના બહાને પૈસા પડાવ્યા
યુવક સાથે પરિચય થયા બાદ સલીમ દ્વારા અવાર-નવાર પૈસાની માંગણી કરાતી હતી. તેઓએ મામા અરવિંદ બિમાર થયા છે તેમ કહીને રૂપિયા 10 હજાર માંગ્યા હતા. જોકે, યુવકે ઓનલાઈન તેમને રૂપિયા પાંચ હજાર મોકલી આપ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.