વિલંબ:મહુવામાં રૂ.38 કરોડના ખર્ચે સાકાર થનારી ગટર યોજનાનું કામ અધ્ધરતાલ

મહુવા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 પમ્પીંગ સ્ટેશન બંધ હોવાથી શહેરમાં ઠેર ઠેર ગટર ઉભરાવાના પ્રશ્નો
  • 2014માં ગટર યોજનાનું​​​​​​​ કામ શરૂ કરાયુ પણ કામમાં આવતા અનેક અવરોધો

મહુવા શહેરમાં માર્ગો પર વહેતી ગટરની સમસ્યા નિવારવા મહુવા શહેરના વિકાસ પામી રહેલ વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનામાં જોડવા સરકાર દ્વારા રૂ. 38 કરોડની યોજના 2014માં શરૂ કરવામાં આવેલ. આ યોજના હજુ આગામી કેટલા વર્ષે પૂર્ણ થશે તેની કોઇ શક્યતા નથી પરંતુ ગટર લાઇન જયાજયાથી પસાર થઇ ત્યાં ત્યાં નગરજનોએ ગેરકાયદેસર જોડાણ કરી દેતા અને ગટર યોજના ચલાવવા મુકવામાં આવેલ 4 પમ્પીંગ સ્ટેશન પૈકી 1 જુની ગટર યોજનાનું પમ્પીંગ સ્ટેશન શરૂ હોય અને 3 પમ્પીંગ સ્ટેશન બંધ હોય શહેરભરમાં ઠેર ઠેર ગટર ઉભરાવાના પ્રશ્નો ચોમાસાથી શરૂ થયા છે જે હજુ સુધી શરૂ જ છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર ગંગા વહેતી રહી છે.

આજથી 7 વર્ષ પૂર્વે આગામી વિકાસ પામનાર વિસ્તારને ભુગર્ભ ગટર યોજનામાં સમાવવા સરકારે રૂ.38 કરોડ મંજુર કર્યા અને કામગીરી શરૂ થઇ, કામના ઠેકેદાર પી.સી.સ્નેહલ કંપની અમદાવાદ દ્વારા પ્રથમ તબક્કામાં મંજુર થયેલ 22 કરોડ પૈકી રૂ 16 થી રૂ 17 કરોડનો ખર્ચ આ યોજના પાછળ કરી નાખેલ છે.યોજના સાથે સંલગ્ન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ રૂ.22 કરોડ રૂપિયામાં જે ઠેકેદારને આપવામાં આવ્યું છે તે ઠેકેદાર કંપનીએ જમીનના વાંધા કાઢેલ હોય આ 22 કરોડનું કામ અટવાય ચુકયુ છે વળી જે જમીનમાં આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવાનો છે તે જગ્યા ઉપર બાળમજુરો પાસે દોરડા બનાવતા કારખાનાના સંચાલકોએ દબાણ કરેલ છે. આ દબાણ નગર પાલિકા દ્વારા 2 -3 વખત હટાવેલ છે.

નવી યોજનાને સંલગ્ન 2 પમ્પીંગ સ્ટેશન બંધ હાલતમાં છે અને જુની યોજનાના બે પમ્પીંગ સ્ટેશન પૈકી 1 જ શરૂ છે. પરિણામે શહેરની ગટરનું પાણી ખેચાતુ નથી અને ઉભરાયને મેઇન હોલના ઢાંકણા ઉચકાયને પાણી રોડ ઉપર વહેતુ થઇ રહ્યું છે તેમજ હવે તો સોસાયટી વિસ્તારમાં ખાસ કરીને વોર્ડ નં.6માં ઘરે ઘરે ઘરની અંદર ગટર ઉભરાવાનું શરૂ થતા લોકોએ સ્વયંભુ ખેડુત આંદોલન જેવુ ત્રીજુ નેત્ર ખોલવાનુ રહેશે તેમ નગરજનો જણાવી રહ્યાં છે.ગટર યોજના નીચે મહુવામાં અંદાજે કુલ 128 કિલોમીટરની પાઇપ લાઇન નાખવાનું મોટાભાગનું કામ પૂર્ણ થયેલ છે. માત્ર અમુક કી.મી.ની મોટી લાઇન અને નાની લાઇન સાથે તેનું જોડાણ કરવાનું કામ પણ પૂર્ણ થવામાં છે.

ગટરની કામગીરી ઝડપી પુરી થાય તેવા નગર પાલિકાના પ્રયત્ન શરૂ જ છે
નવી ગટર યોજનામાં ગેરકાયદેસર લીધેલા જોડાણોના કારણે અને 4 પૈકી 3 પમ્પીંગ સ્ટેશન બંધ હોવાના કારણે ગટરનો પ્રશ્ન ઉભો થયો છે. જી.યુ.ડી.સી.ગાંધીનગર દ્વારા ગટર યોજનાની કામગીરી વહેલીતકે પુર્ણ કરવા અનેકોવખત રજુઆત કરવામાં આવી છે.સંકલનમાં અને કમિશ્નરમાં પણ મહુવા નગરપાલિકા દ્વારા રજુઆતો કરવામાં આવી છે. > સંજયભાઇ પટેલ, ચીફ ઓફિસર, મહુવા નગરપાલિકા

....તો સરકારનો કરોડોનો ખર્ચ એળે જશે
ભાવનગર-વેરાવળ એન.એચ.-51 મહુવા બાયપાસ રોડ ઉપર નવી ગટર લાઇન જમીનમાં પાથરવામાં આવી છે. એન.એચ.-51 રાજુલાથી ભાવનગર સીક્સલેન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આથી મહુવા બાયપાસ રોડ ઉપર આ ગટર લાઇન એન.એચ.-51ની વચ્ચે આવતી હોય તેને ફેરવવી પડશે આથી જ્યા સુધી આ ગટર લાઇન ફરે નહી અને ગાયત્રી મંદિર રોડ આસપાસ બીજા પમ્પીંગ સ્ટેશનની કામગીરી પૂર્ણ નહી થાય ત્યાં સુધી આ ગટર લાઇન શરૂ થવાની કોઇ શક્યતા નથી.

નગર પાલિકા દ્વારા અગાઉ જાહેરાત કરવામાં આવી છે કે આ નવી ગટર લાઇનમાં કોઇએ જોડાણ કરવું નહિ તેમ છતા આવા જોડાણો કઇ રીતે થયા ? કોની સુચનાથી થયા ? તેની તપાસ કરી જોડાણો દુર કરવામાં આવે તો જ વહેતી ગટર ગંગાનો પ્રશ્ન હલ થશે.અન્યથા ચોકઅપ થવાના કારણે સરકારના રૂ.38 કરોડ એળે જશે.

અન્ય સમાચારો પણ છે...