તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુિવધા:નારી GIDC અને પ્લાસ્ટિક પાર્કથી ખુલશે ઔદ્યોગિક વિકાસના દ્વાર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કિરીટભાઈ સોની પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ - Divya Bhaskar
કિરીટભાઈ સોની પ્રમુખ, ચેમ્બર ઓફ કોમર્સ
  • આર્થિક વિકાસ ઝડપી થતા સ્થળાંતરનું પ્રમાણ ઘટશે
  • જિલ્લામાં દરિયાઈ અને હવાઈ ક્ષેત્રે કનેક્ટિવીટીમાં વધારો થયો : રેલવે અને રોડમાં પણ સુિવધા વધશે
  • ગ્લોબલ આયુર્વેદ હબની સ્થાપનાથી વિકાસને ગતિ મળશે
  • ધોલેરાસર પ્રોજેકટ પૂર્ણ થયા બાદ મહત્તમ લાભ ભાવનગરને મળશે

ગુજરાત રાજ્યના અન્ય શહેરોની સાપેક્ષમાં ભાવનગરનો વિકાસ ઓછો થયો હોય તેમ જણાય છે પરંતુ હવે જે સંજોગો નિર્માણ થઈ રહ્યા છે તે જોતા એવું લાગે છે કે ભાવનગર પણ ગુજરાતનાં અન્ય શહેરોની માફક વિકસિત થશે. સી-કનેક્ટીવીટી અને એર-કનેક્ટીવીટીમાં વધારો થઇ રહ્યો છે તેથી કનેક્ટીવીટીનો પ્રશ્ન થોડા અંશે હલ થઇ ગયેલ છે. રેલ અને રોડ કનેક્ટીવીટી વધે તે દિશામાં સઘન પ્રયત્નો થઇ રહેલ છે.હવે વાત રહી ઔદ્યોગિક વિકાસની.

નારી જીઆઈડીસી માટે પ્લોટ એલોટમેન્ટની પ્રક્રીયા જીઆઈડીસી દ્વારા શરૂ થઇ ગયેલ છે તેથી નારી જીઆઈડીસી અને પ્લાસ્ટિક પાર્ક ટૂંક સમયમાં કાર્યરત થઇ જશે જે ભાવનગરનાં ઔદ્યોગિક વિકાસને ગતિ આપનારું પરિબળ બની રહેશે. સૌથી અગત્યની બાબત આ જીલ્લામાં મોટા ઉદ્યોગો સ્થાપાય તે છે, તેમાં પણ આ જીલ્લો આગેકુચ કરી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ વ્હીકલ સ્ક્રેપેજ પોલીસીથી ભાવનગર જીલ્લામાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ બનાવવાની તકો ઉભરી રહેલ છે.

અલંગ ખાતે શીપબ્રેકીંગ યાર્ડ પછીનો આ સૌથી મોટો ઉદ્યોગ ભાવનગર જીલ્લામાં સ્થપાવાની શક્યતા દેખાઈ રહી છે તે સૌ ભાવેણાવાસીઓ માટે ખુબ જ આનંદ અને ગૌરવની બાબત છે. મને કહેતા આનંદ થાય છે કે આ વ્હિકલ સ્ક્રેપ યાર્ડની પોલીસી જાહેર થયા પછી સ્ક્રેપ વ્હિકલ રીસાયકલ સેન્ટર માટે પ્રધાનમંત્રીની તા.13-8-2021નાં રોજ ગાંધીનગર ખાતે યોજાયેલ ઇન્વેસ્ટર સમિટમાં રાજ્ય સરકાર સાથે કુલ સાત એમ.ઓ.યુ. થયેલ છે આ સ્ક્રેપ યાર્ડની સ્થાપના માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાનાં માધ્યમથી ખુબ જ પ્રયત્નો કરેલ છે.

જેમાં સફળતા પ્રાપ્ત થયાનો આનંદ છે. વૈશ્વિક કોરોના મહામારી દરમિયાન ઉભી થયેલ કન્ટેનરની અછત અને તેના કારણે EXPORT-IMPORTનાં વ્યવસાયિકોને પડેલી મુશ્કેલીઓથી સૌ સારી રીતે પરિચિત છો જ. આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનનાં ભાગરૂપે વડાપ્રધાનનરેન્દ્રભાઈ મોદીનાં વિઝનને સાકાર કરવા માટે ભાવનગરનાં ઉદ્યોગ સાહસિકોએ બીડું ઝડપ્યું છે. આ અભિયાનનાં ભાગરૂપે ભાવનગર જીલ્લામાં કન્ટેનર મેન્યુફેક્ચરીંગ હબની સ્થાપના થાય તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનાં માધ્યમથી સતત અને સખત પ્રયત્નો થઇ રહ્યા છે.

આશા છે કે તેમાં સફળતા મળશે. આ બન્ને ઔદ્યોગિક પરિબળોને કારણે ભાવનગરનાં ઔદ્યોગિક વિકાસને ખુબ જ ગતિ મળશે, આર્થિક ઉન્નતીની સાથે સાથે બેરોજગારી અને માઈગ્રેશનનો પ્રશ્ન પણ મહદ્દ અંશે હલ થશે. ભાવનગરથી નજીકમાં ધોલેરા-સરનું નિર્માણ કાર્ય ખુબ જ તેજ ગતિથી ચાલી રહ્યું છે. આ નિર્માણ કાર્ય પૂર્ણ થયા પછી તેનો મહત્તમ લાભ ભાવનગર જિલ્લાને મળનાર છે તે હકીકત છે. આ ઉપરાંત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિશ્વનું સૌપ્રથમ સી.એન.જી. ગેસ ટર્મિનલ ભાવનગર ખાતે સ્થાપવા માટેની જાહેરાત કરેલ છે.

આ ઉપરાંત ભાવનગર જીલ્લાના વલ્લભીપુર તાલુકામાં આવેલ મોણપુર ગામ ખાતે ઉપલબ્ધ વિશાળ સરકારી ખરાબાની જમીનમા ફાર્માસ્યુટિકલ પાર્કની સ્થાપના થાય તે માટે સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા ઘણા સમય અગાઉથી રાજ્યના માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને સતત રજૂઆત કરવામાં આવેલ. સૌરાષ્ટ્ર ચેમ્બરનો આ વિચાર મૂર્તિમંત થાય તેવા સમાચાર તાજેતરમાં સૌરાષ્ટ્ર સમાચાર દૈનિકનાં માધ્યમથી મળેલ છે જેમાં મોણપુર ખાતે ગ્લોબલ આયુર્વેદ હબનું નિર્માણ થવા જઈ રહ્યું છે જે પણ એક આપણા માટે સારા સમાચાર છે.

આ ગ્લોબલ આયુર્વેદિક હબનું નિર્માણ થવાથી ભાવનગર જીલ્લાના વિકાસને ગતિ મળવાની સાથે સાથે આયુર્વેદ ક્ષેત્રે ભાવનગર જીલ્લાની એક નવી ઓળખ પણ ઉભી થશે. આ બધાજ પરિબળો ભાવનગરનાં વિકાસને ગતિ આપશે. એમ કહું તો અસ્થાને નથી કે ભાવનગરનાં વિકાસને હવે કોઈ રોકી શકશે નહીં તેમજ આવતો દશકો ભાવનગર જીલ્લાનો છે તે નિશ્ચિત બાબત છે.

‘નબળા મનનાં માનવીને રસ્તો મળતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’ તે ઉક્તિને ધ્યાનમા લઇ ચાલો, આપણે સૌ આશાવાદી બની ભાવનગરનાં વિકાસ માટે કટિબદ્ધ થઈએ. સહિયારો પુરુષાર્થ જ ભાવનગર માટે વિકાસનાં દ્વાર ખોલશે.

અન્ય સમાચારો પણ છે...