તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બગોદરા ધંધુકા રોડ પર કારનું ટાયર ફાટતા એક મહિલાનું મોત

ભાવનગર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરનો પરિવાર અમદાવાદ બેસણામાં જતો હતો ત્યારે નડ્યો અકસ્માત
  • ભાવનગરના 35 વર્ષીય જ્યોત્સનાબહેનનું ફંગોળાઇ જતા મોત

ભાવનગરથી આજે અમદાવાદ તરફ જઇ રહેલી ઇનોવા કારનું ફેદરા રોડ, બાલાજી સ્પન પાઇપ નજીક એકાએક ટાયર ફાટતા ઇનોવા મોટરકાર ફુલ સ્પિડમાં હોય ચાલકે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો જેથી આ કાર પલ્ટી ખાઇને રોડની ચોકડીમાં જઇ પડી હતી. આ અકસ્માતમાં કારમાંથી ફંગોળાઇ ગયેલા જ્યોત્સનાબહેનને ગંભીર ઇજા થતા મોત થયું હતુ જ્યારે અન્ય ત્રણને ઇજા થઇ હતી.

આ અકસ્માત અંગે મળેલી માહિતી મુજબ ભાવનગરના અજય સોસાયટી, તીલકનગરમાં રહેતા અને સોલંકી ઇલે. નામે ડેકોરેશનનો ધંધો કરતા સુરેશભાઇ છગનભાઇ સોલંકી, તેમના પત્ની ગીતાબહેન તેમજ તેમની ભત્રીજી રેખાબહેન ઉપરાંત ભાવનગરમાં પાનવાડીમાં રહેતા કમલેશભાઇ સોલંકી, તેમના પત્ની જ્યોત્સનાબહેન આજે તેમના કુટુંબમાં મોત થયું હોય અમદાવાદ ખાતે બેસણામાં જવા ઇનોવા કાર નંબર-જીજે-4-બીઇ-9907માં નીકળ્યા હતા. તેમાં ડ્રાઇવર તળાજાના દીહોરના રહેવાસી કુલદીપસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ હતા. આ કાર ફેદાર રોડ નજીક પહોંચી ત્યારે બાલાજી સ્પન પાઈપની પાસે ઇનોવા કારનું ટાયર ફાટતા અને કાર ફુલ સ્પીડમાં હોય તેના ડ્રાઇવરે ગફલત કરતા કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં રેખાબહેન અને જ્યોત્સનાબહેન ફંગોળાઇ ગયા હતા.

ગંભીર ઇજા થયેલા 35 વર્ષીય જ્યોત્સનાબહેનને બગોદરાના સરકારી દવાખાને લઇ જતા ત્યાં તેઓને મૃત જાહેર કરાયા હતા. રેખાબહેનને માથાના ભાગે અને બન્ને હાથે ઇજા થયેલી, ગીતાબહેનને માથાના ભાગે તેમજ પીઠના ભાગે ઇજા થયેલી, સુરેશભાઇને ડાબા હાથે અને ખભે ઇજા થતા આ ત્રણેયને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

આ દરમિયાન ઘટનાની જાણ થતા બગોદરા 108 ના સ્ટાફ પાયલોટ કાનજીભાઈ જાની અને ઇ એમ ટી કલ્પેશ જાની દ્વારા ઇજાગ્રસ્ત ને બગોદરા સરકારી હોસ્પિટલ અને સારવાર આપયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સોલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતમાં મૃતક પરિવાર ભાજપના પૂર્વ મહામંત્રી રાજુભાઇ બાંભણીયાના કૌટુંબિક જમાઇ થાય છે. આ ઘટનાની જાણ થતાં રાજ્યમંત્રી વિભાવરી બહેન દવેએ ઘટના સ્થળે પહોંચીને શોકાતૂર પરિવારને સાંત્વના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...