તંત્ર નિદ્રાંધિન:વગર કોરોનાએ સિંચોડા લોકડાઉન ગરમી શરૂ પરંતુ કોર્પોરેશન દ્વારા મંજુરીની પ્રક્રિયા બંધ

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમીનો પારો પણ ચઢતો જાય છે. છતાં ભાવનગર મહાનગરપાલિકાને શેરડીના સિંચોડાની મંજૂરી માટે ગરમી ચડતી નથી. કોર્પોરેશન દ્વારા આ વર્ષે સિંચાડાની મંજૂરી માટેની પ્રક્રિયા જ શરૂ કરી નથી જેથી લોકો અને સિંચાડાના સંચાલકો રાહ જોઈ બેઠા છે. પરંતુ તેની સામે મંજુરી વગર ગેરકાયદેસર સિંચોડા શરૂ પણ થઈ ગયાં છતાં તેને નજરઅંદાજ કરી તંત્ર પોતાની મીઠી નજર હોવાની સાબિતી આપે છે.

આ વર્ષે તો કોરોના વગર જ લોકડાઉન છે. સામાન્યતઃ ઉનાળાની શરૂઆત પૂર્વે જ કોર્પોરેશન દ્વારા શહેરની જુદી જુદી જગ્યાએ સિંચોડા ચલાવવા માટે અરજી મંગાવતા હોય છે. અને તે પ્રમાણે એક મહિનાની ભાડાની રકમ ડિપોઝીટ લઇ સાડા ત્રણ ચાર મહિના માટે મંજુરી આપવામાં આવે છે. જેમાં જગ્યા પ્રમાણે નિયત દર વસુલ કરવામાં આવે છે.

કોર્પોરેશન દ્વારા સિંચોડાને મંજૂરી માટેની કોઈ કાર્યવાહી શરૂ કરી નથી. જેથી સિંચોડાવાળાને પણ માલસામાન લઈ આવેલો પડ્યો હોવા છતાં શરૂ નહીં કરાતા મુશ્કેલી પડી રહી છે. પરંતુ શહેરમાં ઘણી જગ્યાએ તો તંત્રની મંજુરીની એૈસી તેસી કરી સિંચોડા ધમધમવા પણ લાગ્યા છે. છતાં તેની સામે કોઈ કાર્યવાહી પણ થતી નથી.

મંજુરી વગર વીજ જોડાણ પણ અટક્યું
શેરડીના સિંચોડા માટે વીજ જોડાણ ફરજીયાત હોય છે. પરંતુ તેની માટે કોર્પોરેશનનો મંજૂરીનો પત્ર જરૂરી હોય છે. કોર્પોરેશન દ્વારા મંજૂરી આપ્યા બાદ વીજ જોડાણ માટે એપ્લાઇ થવાનું અને તેની કાર્યવાહી બાદ મીટર ફાળવવાથી સિંચોડો શરૂ કરી શકાય. પરંતુ કોર્પોરેશન દ્વારા જ તમામ પ્રક્રિયા બાકી છે તેથી હજુ સિંચોડા ક્યારે શરૂ કરાશે તે ખબર નહીં અથવા તો આ વર્ષે શરૂ થતાં થતાં જ બંધ કરવાનો સમય આવી જશે.

કમિશનરની મંજૂરી બાકી, ઈન્ચાર્જને કારણે ટલ્લે
ભાવનગર કોર્પોરેશનમાં હાલમાં કમિશનરનો ચાર્જ કલેક્ટરને સોંપાયો છે. જેથી બન્ને મોટા તંત્રની જવાબદારીની દોડધામ વચ્ચે શેરડીના સિંચોડાની મંજૂરી પ્રક્રિયા ટલ્લે ચડી ગઈ છે. કમિશનરની મંજુરી બાદ સિંચોડા માટે અરજી મંગાવવામાં આવે અને સ્થળ નિયત કરી ભાડુ વસુલી મંજૂરી આપવામાં આવે. પરંતુ કમિશનર મંજૂરીની મહોર ના લગાવે ત્યાં સુધી પ્રક્રિયા પણ અટકીને ઉભી રહેશે.

અન્ય સમાચારો પણ છે...