વાત બેધડક:ચૂંટણીમાં કઈ જ્ઞાતિને મત આપશો? બેધડક કહેજો, ભાવનગર સમાજને

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • જ્ઞાતિના વાડામાંથી બહાર નીકળી દિર્ઘદ્રષ્ટા નેતા શોધો
  • વિકાસના અસવારો અને વિરોધના ચોકીદારો નાપાસ સ્થાનિક પ્રશ્નો અંગે પ્રજાનો અવાજ પ્રચારમાં રૂંધાયો

તારક શાહ, એડિટર : ભાવનગર સહિત રાજ્યભરમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. વોર્ડ કાર્યાલયો, ભજીયા પાર્ટી, રસોડા શરૂ થઈ ગયા છે. ભાવનગર જિલ્લાની સાત બેઠકો પર કુલ 66 ઉમેદવારોએ ઝુકાવ્યુ છે. પ્રચારના પડઘમમાં ભાજપના ‘અમે ગુજરાત બનાવ્યું’ અને ડબલ એન્જિનની સરકાર સામે કોંગ્રેસનું ‘અમારૂ કામ બોલે છે’ અભિયાન છેડાયુ છે, રેવડી બજાર અને મફતની લ્હાણીઓની બોલબાલા વધી છે. પણ આ બધા વચ્ચે પ્રજાનો અવાજ ગુંગળાયો છે, દબાયો છે.

વિધાનસભાની ચૂંટણીનો જંગ
તમે વિકાસ કર્યો કે નહીં કે તમે વિરોધ કરી શકયા કે નહીં ? એ બાબત વિચાર માંગી લે તેવી છે પણ તમે પ્રજાને કે એમના પ્રશ્નોને સમજી શકયા કે નહીં ? તેનો ઉકેલ લાવી શકયા કે નહીં ? તે બાબત મહત્વની છે. ભાવનગરને લાગે વળગે છે ત્યાં સુધી પ્રજાની પરીક્ષામાં વિકાસના અસ્વારો અને વિરોધના ચોકીદારો બધા નાપાસ છે. વિધાનસભાની ચૂંટણીમાં તમે રાજ્યનો કેટલો વિકાસ કર્યો, કેટલા પુલ બાંધ્યા, રસ્તા બાંધ્યા એ બધાની સાથે જ તમે તમારા શહેર, ગામ કે મહોલ્લા માટે શું કર્યું ? એ પણ મહત્વનું છે.

ચૂંટણી પ્રચારમાં લોકોને મુંઝવતા કોઈ પ્રશ્નોની વાત થતી જ નથી
ભાવનગરમાં બેરોજગારી, નવા ઉદ્યોગો, ગુંડાગીરી, સ્થાનિક કક્ષાએ વ્યાપેલો ભ્રષ્ટાચાર, સહિતના મુદ્દે લોકો અકળાયા છે. શાસકો આ મામલે ખાસ કશુ ઉકાળી નથી શકયા એ જ રીતે વિરોધપક્ષ પણ નિષ્ક્રીય રહ્યાનો લોકોને રંજ છે. ચૂંટણી પ્રચારમાં લોકોને મુંઝવતા કોઈ પ્રશ્નોની વાત થતી જ નથી. ભાવનગરના વિકાસ માટે કોઈ વિઝન, આયોજન છે એની પણ ચર્ચા થતી નથી.

દિર્ઘદ્રષ્ટા નેતા કોણ છે એવુ વિચારવાનો સમય પાકી ગયો ​​​​​​​
કઈ જ્ઞાતિના કેટલા મત છે ? અને કોણ ઉમેદવાર ક્યાં પક્ષમાંથી ઊભો છે એની જ ચર્ચા છે. જાહેર જીવનના લોકો અને પ્રજા જ્યારે પટેલ, કોળી, ક્ષત્રિય, બ્રાહ્મણ કે વણિક એવા બધા વાડામાંથી બહાર આવી અમારી જ્ઞાતિ ભાવનગરની છે. ભાવનગર માટે કાંઈક કરી શકે એવો દિર્ઘદ્રષ્ટા નેતા કોણ છે એવુ વિચારવાનો સમય પાકી ગયો છે.

ભાવનગરનો કોણ ઉદ્ધાર કરશે
કારણ કે વર્ષોથી જ્ઞાતિના વાડાના ચક્કરમાં ફસાયા બાદ ભાવનગરની ઘોર ખોદાઈ ગઈ છે. અન્ય મહાનગરોની સરખામણીએ ભાવનગર પાછુ ધકેલાતુ જાય છે ત્યારે હવે એક નવી જ્ઞાતિનો ઉદય કરો. એ જ્ઞાતિનું નામ છે ભાવનગર. આપસી મતભેદો ભૂલીને પણ ભાવનગર સમાજ માટે કટ્ટર બનો, મારા ભાવનગરનો કોણ ઉદ્ધાર કરશે, ભાવનગરને કોણ બચાવશે ? એ ધ્યાનમાં રાખી મતદાન કરો.

ભાવનગર સમાજને મત આપશું
​​​​​​​ભાવનગરના ચૂંટણી જંગમાં પ્રજાને દાવા-પ્રતિદાવા નથી જોઈતા. પ્રજાને તો તમે ભાવનગર માટે શું કર્યું ? શું કરવાના છો ? આ માટે જરૂર પડે તમે તમારા આકાઓ સામે પણ અવાજ ઊઠાવી ભાવનગરને અન્યાય નહીં થવા દયો એવું ખરા દિલથી વચન આપો ભાવનગર સમાજ તમારી સાથે છે અને રહેશે. કઈ જ્ઞાતિના ઉમેદવારોને મત આપશો એવું કોઈ પૂછે તો બેધડક કહેજો ભાવનગર સમાજને મત આપશું. પ્રજા જાગૃત બની કટ્ટર ભાવનગરી બનશે તો નેતાઓને જખ મારીને પણ ભાવનગર માટે કામ કરવું પડશે.

અન્ય સમાચારો પણ છે...