આઝાદીના 75મા વર્ષના ઉપલક્ષ્યમાં ભારતના વડાપ્રધાનએ દરેક જિલ્લામાં 75 સરોવર નિર્માણ માટે કરેલાં આહ્વાનને પગલે ભાવનગર જિલ્લામાં 75 સરોવરની સામે 100 સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે અને હજુ તેમાં વધારો થવાની શક્યતા છે. કલેક્ટરેએ એક બેઠકને સંબોધતાં જણાવ્યું કે નવા તૈયાર થનાર સરોવર ઓછામાં ઓછા એક એકરના બનશે.
આ સરોવરોના નિર્માણથી પાણીનું સ્તર ઉંચું આવશે તેમ જણાવી તેમણે આ સરોવરની આસપાસ પ્રકૃતિના જતન માટે ભારતીય મૂળ અને કૂળના વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવશે. જેથી આ ધરાને ફરીથી નવપલ્લવિત કરી શકાશે. આ સરોવરોનું નિર્માણ લોકભાગીદારીથી એટલે કે, સેવાભાવી સંસ્થાઓ તથા ગામલોકોની આર્થિક સાથે શ્રમદાનના યોગદાનથી થવાનું છે.
ભાવનગરની જાણીતી કંપનીઓ પણ તેઓના સી.એસ.આર. પ્રવૃત્તિના ભાગરૂપે જોડાવાની છે. ત્યારે આ બધા સહયોગીઓ વચ્ચે સંકલન માટે એક બેઠકનું આયોજન કલેક્ટર કચેરી ખાતે કરાયું જેમાં આ માટે 15મા નાણાં પંચ તથા મનરેગા સહિતના ગ્રામ વિકાસના નાણાનો ઉપયોગ કરવામાં આવશે. દાતા દ્વારા આપવામાં આવનાર નાનામાં નાના દાનની પણ તકતી લગાવવામાં આવશે.
આ નવી તૈયાર થનાર સાઇટ ખાતે 15મી ઓગષ્ટની ઉજવણી પણ કરવામાં આવનાર હોવાનું તેમણે જણાવ્યું હતું. આ અંગેના વિગતવાર પ્રેઝન્ટેશનની રજૂઆત પંચાયત સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ડી. આર. પટેલે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.