તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:GPCL પાવર પ્લાન્ટનું પાણી ગૌચર જમીનમાં ખુલ્લેઆમ છોડાય રહ્યું છે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોલો લ્યો, ખુદ સરકારનું એકમ જ સરકારી કાયદાને ખુલ્લેઆમ ઠેબે ચડાવે છે
  • 3 વર્ષથી સુએઝ, એફ્યુઅલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાઇ રહ્યા નથી

સરકાર દ્વારા પ્રદૂષણ, ઉદ્યોગો અંગેના ઘડવામાં આવેલા નિયમોનું સતત ત્રણ વર્ષથી સરકારનું જ એકમ ખુલ્લેઆમ ભંગ કરી રહ્યું હોય તો સામાન્ય જનતા, ખાનગી ઉદ્યોગોને ટપારવાનો અધિકાર સરકારી વિભાગોને પણ નથી, આ શબ્દો છે બાડી-પડવા ખેડૂત સંઘર્ષ સમિતીના.

ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાના બાડી ગામે જી.પી.સી.એલ. કંપની દ્વારા ત્રણ વર્ષથી માઈનિંગ કામ ચાલુ છે અને આજ સુધીમાં ઈ.ટી.પી. કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ નથી કર્યો અને તેની ગટરનું ગંદુ પાણી ગૌચરમાં છુટ્ટું છોડવામાં આવે છે તેના કારણે ગામના પશુ ધન અને ગોવાળને પણ નુકસાન કરે છે. અને ગંભીર રોગો થવાની ભીતી ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા સેવવામાં આવી રહી છે.

આજથી છ સાત મહિના પહેલા પણ આવી જ રીતે ગટરનું છુટ્ટું પાણી છોડવામાં આવતું અને ગ્રામજનો દ્વારા ઉચ્ચકક્ષાએ પુરાવા સાથે રજૂઆતો કરવામાં આવતા થોડા સમય માટે પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યુ હતુ. પરંતુ બધુ વિસરાય ગયુ હોય તે રીત પુન: પ્રદૂષિત પાણી ખુલ્લામાં છોડવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટના ઓર્ડર પ્રમાણે જો એફ્યુઅલ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પહેલા ચાલુ કરવામાં ન આવતો હોય તો આવી કંપની બંધ કરવી જોઈએ, એવું સુપ્રીમનો ચુકાદો છે. આં કંપની પોતાની મનમાની કરીને ગૌચરની જમીનને ખરાબ કરી રહી છે અને સંબંધિત સરકારી તંત્ર મૂક પ્રેક્ષક બની તમાશો જોઇ રહ્યું છે. ખાનગી ઉદ્યોગો કે નાગરિકો દ્વારા કોઇ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે તો કાયદાનો દંડૂકો ઉગામી અને મોટી રકમના દંડ ફટકારવામાં આવે છે, ત્યારે ખુદ સરકારી એકમ દ્વારા જ ભાવનગર જિલ્લામાં કાયદાની ખુલ્લેઆમ મજાક બનાવવામાં આવી રહી છે.

ગૌચરની જમીનમાં જીપીસીએલ દ્વારા છોડવામાં આવી રહેલા પાણીને કારણે માલઢોર ત્યાં ચરવા માટે જાય છે ત્યારે પ્રદૂષિત પાણી પી જાય તો મરી જવાનો પણ ડર રહે છે. ઉપરાંત ખુલ્લામાં પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી ગ્રામ્યજનોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...