રોષ:કોંગ્રેસની બેઠકમાં મહિલા કાર્યકરોનો નારાજગીનો સૂર

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા પ્રમુખ સાથે ગરમા ગરમી થઇ
  • પશ્ચિમ મતવિસ્તારની બેઠક દરમ્યાન કાર્યકરોનો દબાયેલો રોષ બેઠક બાદ બહાર આવ્યો

આગામી વિધાનસભાની ચૂંટણી અને આવતીકાલે ગુજરાત બંધ સંદર્ભે પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારની શહેર કોંગ્રેસની યોજાયેલી બેઠકમાં મહિલા કાર્યકરોની થતી અવગણના સંદર્ભે બેઠક દરમિયાન દબાયેલો રોષ બેઠક બાદ બહાર આવ્યો હતો અને મહિલા કોંગ્રેસના પ્રમુખ તેમજ કાર્યકર બહેનો વચ્ચે શાબ્દિક રકઝક થઈ હતી.

વિધાનસભાની ચૂંટણીમાં બુથ લેવલ સુધી સંગઠન મજબૂત બનાવવા તેમજ કામગીરી કરવા અને આગામી કાર્યક્રમોના આયોજન સંદર્ભે પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારની શહેર કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન જ સંગઠન અને અસંકલન સંદર્ભે કાર્યકરોમાં નારાજગી વ્યક્ત કરવાની હતી પરંતુ એનકેન પ્રકારે તત્કાલીન સમયે ઉકળતો ચરૂ ડામી દેવાયો હતો.

પરંતુ બેઠક બાદ નારાજ મહિલા કાર્યકરો દ્વારા પોતાના પ્રશ્નો રજુ કરવા જતા મહિલા કોંગ્રેસ પ્રમુખ દ્વારા પોતાની ઓફિસે આવવા અને બેઠકના સ્થળે ચર્ચા કરવાની સ્પષ્ટ ના પાડી દેતા મહિલા કાર્યકરો વધુ રોષે ભરાયા હતા. જેથી મહિલા પ્રમુખ અને કાર્યકરો વચ્ચે શાબ્દિક ગરમાગરમી થઈ હતી.

જોકે, શહેર કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ મહિલા પ્રમુખે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો. વિધાનસભાની ચૂંટણીપૂર્વે કોંગ્રેસના સંગઠનમાં સંકલનના અભાવની નારાજગી બહાર આવતા રાજકીય વર્તુંળોમાં પણ ચર્ચા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...