સંસદનું બજેટ સત્ર:ઘોઘાથી હજીરા બાદ મુંબઇની રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરવા સંસદમાં ગુંજ્યો અવાજ

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આલ્કોક એશડાઉન શરૂ કરાવવા માટે સંસદમાં રજૂઆત
  • નવા બંદરના ડ્રેજીંગ, લોકગેટ અંગે પણ સંસદમાં સાંસદે કરેલી ટકોર

સંસદના બજેટ સત્ર દરમિયાન ભાવનગરના દરિયાકાંઠા, બંદર, રો-પેક્સ ફેરી, આલ્કોક એશડાઉન અંગેના અનેક પ્રશ્નો સાંસદ ડૉ.ભારતીબેન શિયાળે ઉઠાવ્યા છે. સંસદમાં મહાપતન પ્રાધિકરણ વિધેયક-2020ના સમર્થન અંગે પોતાનું વકતવ્ય રજૂ કરી રહેલા ડૉ.ભારતીબેને જણાવ્યુ હતુકે, મારો સંસદીય વિસ્તાર દરિયાકાંઠાના ક્ષેત્રમાં આવેલો છે. સંસદમાં હોંગકોંગ કન્વેન્શન અંગેનું બિલ પસાર થઇ ગયા બાદ હવે અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જહાજોની સંખ્યા આગામી 5 વર્ષમાં બમણી થઇ જશે.

ભાવનગર નવા બંદર ખાતે 2000 કરોડનું સીએનજી ટર્મિનલ આવવાનું છે, અને તેના અંગેની કામગીરી ટુંક સમયમાં શરૂ થવાની છે. આ પ્રોજેક્ટ થકી ભાવનગરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો રોજગારીનું નિર્માણ થશે. ભાવનગર નવા બંદર પર બેસિન અને ચેનલમાં ડ્રેજીંગની ભારે સમસ્યા છે, અને તેના અંગે કાંઇક કરવા માટે સાંસદે માંગ કરી છે. ઉપરાંત રજવાડાના સમયમાં ભાવનગરને ભેટ આપવામાં આવેલો લોકગેટનું નવિનીકરણ પણ કરવું આવશ્યક હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.

ઘોઘા-દહેજ વચ્ચેની ફેરી સર્વિસમાં આવી રહેલી યાંત્રિક ખામી અંગે સાંસદે ટકોર કરી અને ઘોઘાથી મુંબઇ વચ્ચે રો-પેક્સ ફેરી સેવા શરૂ કરવા માટે પ્રસ્તાવ મુક્યો હતો. જૂની કહેવત હતીકે, લંકાની લાડી અને ઘોઘાનો વર, સાંસદે કહ્યુ હતુકે, ઘોઘા બંદરની સમૃધ્ધી અંગે જૂની અનેક લોકવાયકા છે, હજુપણ આ ઘોઘા બંદરને કાર્યાન્વિત કરવા માટે માંગ ઉઠાવી છે. ઉપરાંત તળાજા તાલુકાના સરતાનપર ખાતે પણ બંદર અંગેનો વિકાસ કરવા માટે મીઠી ટકોર કરી હતી.

ભાવનગરમાં આવેલા જહાજ બનાવવાના અને રિપેરિંગના આલ્કોક એશડાઉન અંગે ડૉ.ભારતીબેને સંસદને જણાવ્યુ હતુકે, આ યુનિટ કેન્દ્ર સરકાર હસ્તક છે અને હાલ ઘણા સમયથી બંધ પડ્યુ છે, અહીં નેવીના જહાજો બનાવવામાં આવતા હતા. ભાવનગરના જૂના બંદર પર આવેલું આલ્કોક એશડાઉન પુન: શરૂ કરવા માટે પણ તેઓએ માંગણી સંસદમાં ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...