જહાજનો પ્રવાહ પુન: વધવા લાગ્યો:વિક્રમ સંવત 2078 શિપબ્રેકિંગના વ્યવસાયની માટે ઝળહળતુ રહેશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવેમ્બરમાં 22 જહાજ આવશે
  • ગળાકાપ હરિફાઇ વચ્ચે પણ અલંગમાં જહાજ ખરીદવાનું વેગમાં

અલંગ શિપબ્રેકિંગ યાર્ડની શરૂઆત 1983માં થઇ હતી અને ત્યારથી લઇ અત્યારસુધી શિપબ્રેકિંગ વ્યવસાય સતત તડકા-છાંયડાનો સામનો કરતુ આવ્યુ છે. વર્ષ-2021માં અલંગમાં આવતા જહાજોનો પ્રવાહ અગાઉના વર્ષોની સરખામણીએ મંદ હતો, પરંતુ વિક્રમ સંવત 2078 અલંગ માટે ઝળહળતુ રહેવાની સંભાવના છે, અને નવેમ્બર માસમાં 22 જહાજો અલંગના કાંઠે ભંગાણાર્થે આવી પહોંચશે.

અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે વર્ષ-2021માં જાન્યુઆરીમાં 28, ફેબ્રુઆરીમાં-12, માર્ચમાં-10, એપ્રિલમાં-16, મેમાં-19, જૂનમાં-25, જુલાઇમાં-15, ઓગસ્ટમાં-16, સપ્ટેમ્બરમાં-13, ઓક્ટોબરમાં-21 જહાજ ભાંગા માટે આવ્યા હતા. અને નવેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં 22 જહાજ અલંગમાં આવવા માટે કતારબધ્ધ થયા છે, અને ત્રીજા સપ્તાહમાં આ સંખ્યામાં હજુ વધારો પણ થઇ શકે છે.

શિન્જ્હાન શિપિંગના નિકોલસ વ્હાઇટના જણાવ્યા પ્રમાણે અલંગમાં શિપબ્રેકિંગ માટેના જહાજોનો પ્રવાહ હવે વધવા લાગશે. અગાઉ પાકિસ્તાન અને બાંગ્લાદેશના શિપબ્રેકરો ભારતના અલંગ શિપબ્રેકિંગ યાર્ડના શિપબ્રેકરોથી વધુ ભાવ આપી જહાજો આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદી કરી રહ્યા હતા, પરંતુ નવેમ્બર માસથી અલંગમાં પણ જહાજોનો પ્રવાહ વધવાની શક્યતા છે.

બીજી તરફ અલંગને આનુષંગિક રી-રોલિંગ મિલ વ્યવસાયમાં પણ સળવળાટ છે, તેથી જહાજમાંથી નીકળતા સ્ક્રેપ, મેટલના ભાવ પણ અગાઉની સરખામણીએ સુધર્યા છે. હાલ અલંગમાં સળવળાટ જોવા મળી રહ્યો છે. શિપબ્રેકિંગમાંથી 90 ટકા લોખંડ અને મેટલ નીકળે છે, અને તેના ઉપયોગ માટેની ઇન્ડસ્ટ્રીઝમાં માંગ વધી રહી છે. બીજી તરફ સરકારી પ્રોજેક્ટ અને બાંધકામ ઉદ્યોગમાં પણ હવે ગતિ પ્રદાન થઇ રહી છે, તેથી રી-રોલિંગ મિલોના તૈયાર માલની ખપત પણ સારી રીતે થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...