વિદ્યાદાન:ભાવનગરમાં એકાદઢબે વિરલા શિક્ષકો એવા છે જેણે પોતાના ખર્ચે ઝૂંપડપટ્ટીના બાળકોને 990 દિવસ ભણાવ્યા

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રજ્ઞાબહેન ગાંધી ઈ.સ.1999થી ઝુંપડપટ્ટીના 200 છોકરાને ભણાવે છે
  • ડો.ઓમ ત્રિવેદીએ 7 બાળકો સાથે શરૂ કરેલી અનોખી "ભાઈબંધની નિશાળ’માં હાલ 34 બાળકો ભણે છે કેળવણીના પાઠ

આવતી કાલ તા.5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણી થશે ત્યારે હજારો રૂપિયાનો પગાર લઇને તો શિક્ષકો વિદ્યાર્થીઓને પોતાની ફરજના ભાગ રૂપે ભણાવે છે પણ ભાવનગરમાં એકાદઢબે વિરલા શિક્ષકો એવા છે જે પોતાના ખર્ચે ઝુંપડપટ્ટીના બાળકોને ભણાવે છે અને માત્ર ભણાવવું જ નહીં પણ સામે શિસ્ત, સંસ્કાર અને સમજણ પણ આપે છે.

સરદાર બાગ (પિલ ગાર્ડન) ખાતે શાળા શરૂ કરી
ભાવનગર ખાતે ફૂટપાથ પર વસતા પરિવારોના બાળકોને શિક્ષણ - સંસ્કાર આપી સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાના હેતુ સાથે શરૂ કરેલી નિ:શુલ્ક નિશાળ એટલે ભાઈબંધ ની નિશાળ. તા. 2 ઓકટોબર, 2019 થી 7 વિદ્યાર્થીઓ સાથે,ભાવનગર શહેરના સરદાર બાગ (પિલ ગાર્ડન) ખાતે નિયમિત સ્વરૂપે દરરોજ સાંજે 7થી 10 દરમ્યાન શરૂ કરી.

નિશાળ સમગ્ર દેશની એક અનોખી નિશાળ
આ શાળામાં હાલ 34 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ નિશાળ સમગ્ર દેશની એક અનોખી નિશાળ છે, અહીં શિક્ષણ,સંસ્કાર,અન્ય વિષયો સાથે વ્યવહારિક તથા વ્યવસાયિક જ્ઞાન આપતી એક માત્ર નિશાળ છે. આ શાળા ચલાવતા ડો. ઓમ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે દરેક દિવસનું અલાયદું ટાઇમ ટેબલ છે જે અંતર્ગત લેખન, પઠન, ભારતીય રમતો, ચિત્ર, યોગા, ચેસ, ડાન્સ, ગીત સંગીત વિગેરે જેવા અનેક વિષયોનું જ્ઞાન આપવાનો પ્રયાસ કરતો રહું છું,આવશ્યકતા અનુસાર વિવિધ વિષયોના તજજ્ઞો ની પણ સેવા લેવામાં આવે છે.

શિક્ષણ સાથે જ્ઞાન આપવાનો સંનિષ્ઠ પ્રયાસ
આજ દિન સુધીમાં કુલ 990 દિવસ દરમ્યાન 2970 કલાકનું વિદ્યાદાન આપી વિવિધ આવશ્યક વિષયોનું શિક્ષણ સાથે જ્ઞાન આપવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. આજ દિન સુધીમાં (ભાઈબંધો) વિદ્યાર્થીઓ 100 એકડા,કક્કો,Q સુધી ABCD,20 સુધી ઘડિયા અને 8 જેટલા સંસ્કૃત મંત્રો સાથે લખતા-વાંચતા શીખી ચૂક્યા છે. આવા જ એક અન્ય નિ:સ્વાર્થભાવે શિક્ષક સેવા આપતા શિક્ષક છે પ્રજ્ઞાબહેન ગાંધી. તેઅદ 1999થી જવાહર મેદાનના ઝૂંપપટ્ટીઓના બાળકોને ભણાવી રહ્યા છે.

હાલ શહેરમાં 200 જેટલા બાળકોને ભણાવે છે
તેઓએ જણાવ્યું હતુ કે ઝૂંપડપટ્ટી વિસ્તારના તદ્દન ગરીબ બાળકોને માત્ર એકાડા લખતા વાંચતા કર્યા નથી પણ એકને તો ડોકટર અને 21ને ઇજનેર બનાવ્યા છે જ્યારે બે દીકરી અને એક દીકરાને સરકારી નોકરી મળી છે. હાલમાં એક દીકરીએ એમએસસીમાં એડમિશન લીધું છે. હાલ શહેરમાં ટોપ થ્રી સર્કલ 150 ફૂટ રિંગ રોડ પર ધારેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં 200 જેટલા બાળકોને ભણાવે છે. તેઓ બાળકોને રંગોલી, નૃત્ય, ચિત્ર, રમતો વિગેરે પણ શિખવે છે. સ્વચ્છતાના પાઠ પણ શિખવે છે. જેનાથી બાળકોનો સર્વાંગી વિકાસ થાય છે. આ પ્રકારના અનેક શિક્ષકો છે, જેઓ અલગ અલગ પ્રકારે સમાજનું ઘડતર કરી રહ્યા છે.

બાળકોને માટે સ્કૂલ રીક્ષાની પણ સુવિધા
ભાઈબંધોને લાવવા લઈ જવા માટે સ્કૂલ રિક્ષાની વ્યવસ્થા સાથે દરેક વિદ્યાર્થીને યુનિફોર્મ, સ્કુલબેગ અને વોટરબોટલ આવશ્યક અભ્યાસ સામગ્રી તેમજ 1 જોડી પસંદગીના પગરખાં અપાય છે

અન્ય સમાચારો પણ છે...