પારકે તાગડધીન્ના:સરકારી નાણે ભાજપની જય : ભાજપ સેલ કેમ્પ યોજે અને સરકારી દવા ખાનગી દવાખાને પહોંચાડવાની !

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના પ્રદેશ પ્રમુખની વાહ વાહ મેળવવા સરકારી મશીનરીનો ઉપયોગ
  • ભાજપ મેડિકલ સેલ વોર્ડ વાઈઝ ખાનગી દવાખાનાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજશે અને તેમાં આરોગ્ય કેન્દ્રમાંથી વિનામૂલ્યે દવા પહોંચાડવા હેલ્થ ઓફિસરનો ઓર્ડર

ભાજપ દ્વારા પક્ષની પ્રસિદ્ધિ માટે કોઈ તક ચૂકવવામાં આવતી નથી. આવતીકાલ તારીખ 3 અને 4 ના રોજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ભાવનગર આવી રહ્યા છે ત્યારે ભાજપ મેડિકલ સેલ દ્વારા રવિવારે વોર્ડ વાઈઝ જુદાજુદા 13 ખાનગી દવાખાનાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યુ છે. પરંતુ તે કેમ્પમાં દવા અને જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ કોર્પોરેશનના 14 આરોગ્ય કેન્દ્રોમાંથી વિનામૂલ્યે પહોંચાડવા ખુદ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા ઓર્ડર કરાયો છે. ભાજપના સેલ દ્વારા યોજાતા કેમ્પમાં સરકારી દવાઓ વિનામૂલ્યે પહોંચાડવાના નિર્ણયથી ભારે વિવાદ સર્જાયો છે.

ભાજપના જુદા જુદા સેલ દ્વારા કોઈને કોઈ કાર્યક્રમો થતા રહે છે. આગામી શનિ અને રવિ બે દિવસ માટે ભાજપના પ્રદેશ પ્રમુખનો ભાવનગરમાં કાર્યક્રમ છે. સ્વાભાવિક રીતે જ સ્થાનિક કક્ષાએ પ્રદેશ પ્રમુખની સારપ લેવા માટે આયોજનો કરવામાં આવતા હોય છે. પરંતુ પક્ષ દ્વારા આયોજિત કાર્યક્રમમાં સરકારી મશીનરીનો ઉપયોગ ગેર વ્યાજબી ગણાય. ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા પ્રજાના આરોગ્યની ખેવના કરી જુદી જુદી જગ્યાએ 14 યુ.પી.એચ.સી.માં આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ કરાવેલી છે.

ત્યારે ભાજપ મેડિકલ સેલ દ્વારા આગામી તારીખ 4 ને રવિવારે શહેરમાં જુદાજુદા 13 ખાનગી દવાખાનાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે પક્ષ અને પ્રજા માટે આવકારદાયક છે. પરંતુ પક્ષની પ્રસિદ્ધિ માટે સરકારી સેવાનો ઉપયોગ ગેર વ્યાજબી ગણાય.

ખાનગી દવાખાનાઓમાં યોજાનાર કેમ્પમાં જરૂરી દવાઓ અને ઇન્સ્ટ્રુમેન્ટ તથા મેડીકલ કીટ પહોંચાડવા આરોગ્ય કેન્દ્રોને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા લેખિતમાં સુચના આપવામાં આવી છે.ભાજપ સેલ દ્વારા ખાનગી દવાખાનાઓમાં યોજાનાર કેમ્પમાં વિનામૂલ્યે દવાઓ આરોગ્ય કેન્દ્ર માંથી પહોંચાડવાના કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણયથી વિવાદ સર્જાયો છે.

કઈ કઈ દવાઓ પહોંચાડવાની રહેશે ?
પીસીએમ ટેબલેટ, પીસીએમ સિરપ, એઝિથ્રોમાઇસિન ટેબ., લેવોસેટ્રિઝીન ટેબ., એન્ટી કોલ્ડ સિરપ, ઓફલોક્ષ-ઓર્ની ટેબ., સાયક્લોપમ ટેબ., રાબેપ્રઝોલ ટેબ., ક્લોરોક્વિન ટેબ., ડાઈક્લોફનાક ટેબ., ક્લોબેટા જીએમ, ઓઆરએસ સહિતની દવાઓ સરકારી દવાખાનેથી ખાનગી દવાખાને પહોંચાડવામાં આવશે.

78 લાખના દવાના બેહિસાબના વિવાદ વચ્ચે ખાનગી દવાખાનામાં દવા મોકલાશે
કોરોના કાળમાં ભાવનગર કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં છ-છ લાખ મળી કુલ રૂ.78 લાખની દવાની ખરીદીનો કોઈ હિસાબ કિતાબ નહીં હોવાથી ઓડિટ વિભાગે પણ તપાસ હાથ ધરી દવાની ખરીદીના ગોટાળા બહાર લાવ્યા હતા. હજુ દવા ખરીદીનો વિવાદ સમ્યો નથી ત્યાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ભાજપના કેમ્પમાં ખાનગી દવાખાનામાં દવા મોકલવમાં આવશે તો તેનો હિસાબ કંઈ રીતે મેળવશે ? તેવો પણ પ્રશ્ન ઉભો થયો છે.

અન્ય સમાચારો પણ છે...