સમગ્ર ગુજરાતના મહાનગરોમાં એક માત્ર ભાવનગર એવું ભાગ્યશાળી મહાનગર છે કે જ્યાં શહેરની વચ્ચે જંગલ વિસ્તાર આવેલો છે. તે છે વિક્ટોરિયા પાર્ક. ભાવનગરનો વિકટોરિયા પાર્ક અનેક આયુર્વેદિક ઔષધિનું ઉદ્દગમસ્થાન છે તો પક્ષીઓની પણ અનેક વિવિધતા છે. ભૌગોલિકતાની દ્રષ્ટિએ અને કુદરતી સૌંદર્યમાં આ પાર્ક બેજોડ છે.
અંદાજિત 202 હેકટર જમીનમાં પથરાયેલા આ પાર્કથી શહેરીજનોને સ્વચ્છ ઓક્સિજન મળે છે. આ પાર્કની સ્થાપના ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ 24મી મે, 1888ના રોજ કરી હતી. રાજયના મુખ્ય ઈજનેર પ્રોકટર સીમ્સની દેખરેખ હેઠળ આ પાર્કમાં અનેકવિધ જાતના વૃક્ષો રોપવામાં આવ્યા હતા. તો સાથો સાથ જુદા-જુદા પ્રકારના વન્ય પ્રાણીઓને પણ છૂટા મુકવામાં આવ્યાં હતાં. પેલ્ટોફોરમ, કાસીદ, રૂખડો, વાસ તેમજ ચોમાસા દરમિયાન અનેક વિધ વેલાઓ ઉગે છે. નીલગાય, ઝરખ, શિયાળ, સસલા, જેવા પ્રાણીઓ પણ છે.
અફાટ કુદરતી સૌંદર્ય અને ભૌગોલિક વિશેષતાની દ્રષ્ટિએ વિક્ટોરિયા પાર્ક બેજોડ : ઇ.સ. 1888માં સ્થપાયેલો આ પાર્ક નેશનલ પાર્ક બની શકે તેવી આંતર માળખાગત સુવિધાથી સભર છે. વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને વેલાઓ આ પાર્કનું આકર્ષણ...
વિક્ટોરિયા પાર્કમાં આર્ટ વર્ક સાથેના બાંકડા આકર્ષણનું કેન્દ્ર
વિકટોરિયા પાર્કને રૂા.10 કરોડની ગ્રાન્ટથી વિકસવાવવામાં આવ્યો છે. દિવસ-રાત રોકાણ કરી શકે તે માટે શિબિરો યોજાશે. તો ઠેર-ઠેર આર્ટ વર્ક સાથેના બાંકડા મુકાયા છે. જેની ડિઝાઇન ઉત્કૃષ્ટ છે. તો વન પરિચય ખંડ બનાવાયો છે. કેકટેસ હાઉસ એક આકર્ષણ છે જેમાં 60થી 70 જાતના થોરની જાત જોવા મળે છે. લાઇબ્રેરીની સુવિધા છે.
વન્ય પ્રાણીઓ માટે ચાર વોટર પોઇન્ટની સુવિધા ઉપલબ્ધ
વન્ય પ્રાણીઓ માટે ચાર વોટર પોઇન્ટ છે. તો ડ્રાઇમોટ ચેનલનું નિર્માણ કરી તેમાં પાણી ભરી બાળકોને આકર્ષવા માટે 200 મીટરના વિસ્તારમાં બોટીંગની સુવિધાનું આયોજન છે. તો સર્પ રેસ્ક્યુ સેન્ટરમાં અત્યાધુનિક સવિધા ખડી કરાશે. જે અત્યંત જર્જરિત રૂખડાના વૃક્ષો છે તેના ફરતે કલાત્મક આર્ટ વર્ક કરવામાં આવ્યું છે.
133 વર્ષ પૂર્વે દરબારી લશ્કરી કવાયત સાથે પાર્ક ખુલ્લો મુકાયેલો
મહારાજા તખ્તસિંહજીના સમયમાં ભારતમાં ઇંગ્લેન્ડના મહારાણી એલેકઝાન્ડ્રીયા વિક્ટોરિયાનું શાસન હતું અને તેમના જન્મોત્સવ 24 મેએ હતો આથી ભાવનગરના રાજવીએ 24 મે,1888ના રોજ સાંજના આ પાર્કને વિક્ટોરિયા પાર્ક નામકરણ કરી ખુલ્લો મુક્યો હતો. 101 અશ્વસવારો અને દરબારી લશ્કરની કવાયતો યોજાઇ હતી.
આૈષધિઓ ક્ષેત્રે આ પાર્ક સમૃદ્ધ
ભાવનગરના વિક્ટોરિયા પાર્કમાં પથરાળ અને મુરમવાળી જમીનમાં ખાસ કરીને ગોરડ, ઈગોરિયા, દેશીબાબલ વધુ જોવા મળે છે. ઉપરાંત વિકળો, અરડુસો, લીમડો જેવા આયુ. ઔષધિયો માટે ઉપયોગી વૃક્ષો પણ પણ છે. દેશી બાવળ અને ગોરડ બાવળ વિપુલ માત્રામાં મળી આવે છે. ગોરડ બાવળમાંથી મળતો ગુંદર ઉપયોગી પેદાશ છે. આ ઉપરાંત ભાગ્યે જ જોવા મળતા વૃક્ષો જેવા કે ખેર, ઘાવડો, મહુડો, ખજૂરી, રંગતા રોહિડી, પારસ પીપળો, અર્જૂન વિ. વૃક્ષો મળી આવે છે.
166 પક્ષીઓની પ્રજાતિ
વિકટોરિયા પાર્કમાં પક્ષી સૃષ્ટિ વિપુલ પ્રમાણમાં વિચરે છે. આ પાર્કમાં 166 પ્રકારના પક્ષીઓની પ્રજાતિ નોંધાઈ ચૂકી છે. બુલબુલ્સ, ગ્રીન બી-ઈટર્સ, રોબિન્સ, મોર, સનબર્ડ્સ, જેવા પક્ષીઓ છે. આ પાર્કમાં અનેક પ્રકારના બગલા, ચમચા અને જળકાગડા પ્રકારના પક્ષીઓના માળાની વસાહત પણ છે.
17 પ્રકારના સાપ
વિક્ટોરિયા પાર્કમાં કુલ 17 પ્રકારના સાપ જોવા મળે છે. માણસોને સાપનો ડર વધુ હોય છે. પણ આમ તો મોટા ભાગના સાપ બિનઝેરી હોય છે. આ પાર્કમાં જે સાપ જોવા મળે છે તેમાં 14 પ્રકારના સાપ બિનઝેરી છે જ્યારે 3 પ્રકારના સાપ ઝેરી છે. આ પાર્કમાં અન્ય સરિસૃપ પ્રકારના પ્રાણી પણ જોવા મળે છે.
241 હર્બલ વનસ્પતિ
વિક્ટોરિયા પાર્કમાં માનવ સ્વાસ્થ્યને અત્યંત ઉપયોગી એવી હર્બલ વનસ્પતિ મળી આવે છે. તુલસી, કુંવારપાઠું, અરડુસો, ગળો, અર્જુન જેવી અનેક વનસ્પતિઓ આ પાર્કમાં થાય છે. કુલ 241 જાતની હર્બલ વનસ્પતિ થાય છે. જેમાંથી મોટાભાગની વનસ્પતિઓનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થતો હોય છે.
69 પ્રકારના વૃક્ષો
પાર્કમાં 69 પ્રકારનાં વૃક્ષો જોવા મળે છે. જેમાં આંબો, કરંજ, ખીજડો, ગરમાળો, જાંબુડો, પીપળો, લીમડો, બદામ, ગાંડો બાવળ, દેશી બાવળ, બોરડી, બોરસલી, મહુડો, રૂખડો, લીમડો, સરગવો જેવા વૃક્ષો આ જમીનમાં થાય છે. વિક્ટોરિયા પાર્કમાં અલગ જમીન હોવાને લીધે અમુક પ્રકારનાં વૃક્ષો ફક્ત આ પાર્કમાં જ જોવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.