તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘનિષ્ઠ કામગીરી:સ્ટેટ GSTની 132 પેઢીમાં ચકાસણી 92ના દસ્તાવેજ, માલીક નકલી મળ્યા

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાવનગર SGSTએ ડેટા એનાલિસીસથી 300 પેઢીઓ અલગ તારવી
  • અમદાવાદ-સુરતના 30 ઇન્સ્પેક્ટરોની શહેરમાં ઘનિષ્ઠ કામગીરી

ગત જુલાઇ માસથી ભાવનગરમાં જીએસટી ચોરીના અવનવા નુસ્ખા વડે સરકારી તિજોરીને પહોંચાડવામાં આવી રહેલા નુકસાનને અટકાવવા માટે કરવામાં આવી રહેલી કામગીરી પૈકી સ્થાનિક જીએસટી કચેરી દ્વારા ડેટા એનલાલીસીસના આધારે શંકાસ્પદ પેઢીઓ શોધી કાઢવામાં આવી હતી અને આવી પેઢીઓના રી-વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે તેમાં 70 ટકા કંપનીઓ બોગસ મળી આવી રહી છે અને હજુ કામગીરી ચાલુ છે.

ભાવનગરનું નામ બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ લેવી જેવી અનિષ્ઠ કામગીરીઓમાં વધુ સંકળાવા લાગ્યુ હતુ, અને તેના કારણે સમગ્ર રાજ્યની નજર ભાવનગર પર સ્થિર થઇ રહી હતી. તાજેતરમાં ભાવનગર ખાતે સ્ટેટ જીએસટી અને સીજીએસટીમાં ચુનંદા અધિકારીઓની બદલી ભાવનગર ખાતે કરવામાં આવેલી છે, અને જીએસટી ચોરીના દૂષણને નાથવાનું અભિયાન હાથ ધરવામાં આવેલું છે.

સ્ટેટ જીએસટીના સ્થાનિક અધિકારીઓ, અમદાવાદ-સુરતના 30 ઇન્સપેક્ટરોની મદદથી ભાવનગરમાં શોધી કાઢવામાં આવેલી 300 પેઢીઓ પૈકી 132ની ચકાસણી કરાઇ છે અને તેમાંથી 92 પેઢીઓમાં રજીસ્ટ્રેશન દસ્તાવેજોમાં દર્શાવ્યા મુજબના માલીક નહીં હોવા, સરનામાના સ્થળે પેઢીનું કોઇ અસ્તિત્વ ન હોવુ, ખોટા દસ્તાવેજ હોવા સહિતની બાબતો પ્રકાશમાં આવેલી છે. હજુ આ કામગીરી શહેરમાં શનિવાર સુધી ચાલવાની છે. શહેરમાં ચલાવવામાં આવી રહેલી ડ્રાઇવને કારણે ખોટા રજીસ્ટ્રેશન ધરાવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે, અને સ્થળ છોડી અન્યત્ર ભાગી ગયા છે.

ખોટા રજીસ્ટ્રેશન ધરાવતી પેઢીઓને સરકારી પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ ટુંક સમયમાં જીએસટી રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવશે અને ભવિષ્યમાં પણ આવા દસ્તાવેજોના ઉપયોગથી ખોલવામાં આવેલી પેઢીઓનું રીવોકેશન ન થાય તેના માટે કામગીરી થઇ રહી છે. ભાવનગરમાં ચાલી રહેલી ડ્રાઇવ દરમિયાન કોઇ જેન્યુઅન વેપારીઓને તકલીફ ન નડે તેના માટે ખાસ તકેદારી રાખવાની સ્ટેટ જીએસટી તરફથી ટુકડીઓને સુચના આપવામાં આવેલી છે.

હાલ ભાવનગર સ્ટેટ જીએસટી કચેરીમાં હજુ જૂના રજીસ્ટ્રેશન, ઇ-વે બિલની કોમ્પ્યુટરમાં ચકાસણીઓ કરવામાં આવી રહી છે, અને તેમાંથી શંકાસ્પદ જણાઇ આવતી પેઢીઓના રી-વેરિફિકેશનની કામગીરી ટુકડીઓને સુપરત કરવામાં આવી રહી છે. ભાવનગરમાં ચાલી રહેલી કામગીરીના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે, અને બુધવારથી શરૂ થયેલી કામગીરીના બીજા દિવસે મોટાભાગના કૌભાંડકારીઓ શહેર છોડી જતા રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...