વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી:ભાવનગર મનપાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા અનેકવિધ કાર્યક્રમ યોજાયા

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પર્યાવરણ દિવસ નિમિત્તે વોલ વોલ પેઇન્ટિંગ, સફાઈ અભિયાન, પ્લાસ્ટિક બેગ ની જગ્યાએ કાપડની થેલી વાપરવી તથા પ્લાસ્ટિક ડ્રાઈવ યોજાઈ

ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજરોજ પર્યાવરણ દિવસ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં પર્યાવરણ બચાવો અને સ્વચ્છતાની થીમ પર વોલ પેઇન્ટિંગનું આયોજન, જોગસ પાર્ક ખાતે સફાઈ અભિયાન તથા પ્લાસ્ટિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભાવનગર મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના મસ્તરામ બાપાના મંદિર પાસેની દીવાલો પર "પર્યાવરણ બચાવો અને સ્વચ્છતા" થીમ આધારિત વોલ પેઇન્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 35થી વધુ ચિત્રકારોએ ભાગ લીધો હતો, આ પ્રદર્શનને ભાવનગરના મેયર કીર્તિબેન દાણીધારીયાએ ચિત્રકારો અને વોલ પેઈન્ટિંગમાં ભાગ લેવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

પર્યાવરણ દિવસ નિમિત્તે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રોટરી ક્લબ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ શહેરના આતાભાઇ ચોક જોગર્સ પાર્ક ખાતે પ્લાસ્ટિક વીણવાની કામગીરી કરીને પાર્કની સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, આ અવસરે ભાવનગર મહાનગરપાલિકાના વેસ્ટ વિભાગના અધિકારીઓ અને રોટરી ક્લબ ભાવનગરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા પર્યાવરણ દિવસ નિમિત્તે ખાસ પ્લાસ્ટિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના જુદા-જુદા વિસ્તારોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક રાખનાર અને વેચનાર વેપારીઓ પાસેથી 12 આસામીઓ પાસેથી 13 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને સાથે 10,750 નો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો.

શહેરના જુદા જુદા વિસ્તારોમાં શહેરીજનોને પ્લાસ્ટિક ન વાપરવા તથા પ્લાસ્ટિકની બેગની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. તથા સાથે કાપડની થેલીનું વિતરણ કરી નાગરિકોમાં જાગૃતતા આવે તેવા ઉદ્દેશ્યથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરમાં સફાઈ કામદારો દ્વારા ઘરે ઘરે જઈ કાપડની થેલીનું વિતરણ કરાયું હતું, જાહેર માર્ગો ઉપર ઉભા રહી લોક જાગૃતિ અર્થે કાપડની થેલી નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...