તપાસ:વાને 684 નમુના લીધા તેમાં બધુ OK.. લેબમાં 30 નમુનામાં ગેરરીતિ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉત્પાદક અને વેપારીને 60 હજારનો દંડ ફટકારાયો

ફુડ સેફ્ટી લેબોરેટરી વાન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં લેવાયેલા ખાદ્ય પદાર્થ અને ઠંડા પીણા સહિતના 684 નમૂનાઓ પૈકી એક પણમાં ભેળસેળ કે અન્ય બેદરકારી દેખાઈ નહીં જ્યારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા ફરસાણ,દુધ,કેરીનો રસ, તેલ સહિતના 30 નમુના લીધા તેમાં સીંગતેલ અને ચીલી સંભાર પાઉડરનો નમુનો સબસ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ થતાં વેપારીઓને 60 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેથી લેબોરેટરી વાનની તપાસ પધ્ધતિની તપાસ જરૂરી છે.

મહાનગરપાલિકાને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ફુડ સેફ્ટી લેબોરેટરી વાન દ્વારા છેલ્લા બે મહિના દરમિયાન જુદાજુદા વિસ્તારમાંથી 120 પીવાના પાણીના નમૂના, 510 ઠંડા પીણાના નમુના, 13 દૂધ તથા દૂધની બનાવટના નમુના, 41 ખાદ્ય તેલના નમૂના લેવામાં આવ્યા હતા. જે નમૂનાઓમાં કોઈ ભેળસેળ જોવા મળી ન હતી.

તેમજ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા રૂટિન કાયદેસરના ફરસાણના 2 નમૂના, દૂધનો એક નમૂનો, કેરીના રસના બે નમૂના, ઘી ના 11 નમુના, મીઠાઈના 11 નમુના, બિસ્કીટનો એક નમૂનો, ખાદ્યતેલનો એક નમૂનો, પીવાના પાણીનો એક નમૂનો લેવામાં આવ્યો હતો અને તે નમૂના સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જે પૈકી ખાદ્ય સીંગતેલનો એક નમૂનો સબસ્ટાન્ડર્ડ થતા 15 હજાર રૂપિયાનો દંડ તેમજ સ્વસ્તિક છાપ ચીલી સંભાર પાઉડરનો નમુનો મિસ બ્રાન્ડ જાહેર થતા ઉત્પાદક પેઢીને 45 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. જ્યારે અન્ય નમૂનાઓના રિપોર્ટ હજુ બાકી છે.

અન્ય સમાચારો પણ છે...