• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • Vaccination Of 15 To 18 Year Olds Started In Bhavnagar, Students Said, "Given The Current Situation, Vaccination Is The Only Solution, Everyone Must Take It"

વેક્સિનેશનના શ્રી ગણેશ:ભાવનગરમાં 15થી 18 વર્ષના કિશોરોનું વેક્સિનેશન શરૂ, વિદ્યાર્થીઓએ કહ્યું, "વર્તમાન પરિસ્થિતીને જોતાં વેક્સિનેશન જ એકમાત્ર ઉપાય, બધાએ લેવી જ જોઈએ"

ભાવનગર16 દિવસ પહેલા
  • ભાવનગર શહેરની 117 શાળાઓના 39 હજાર કિશોરોને અપાશે વેક્સિન
  • આગામી 9 જાન્યુઆરી સુધીમાં 90 ટકાથી વધુ રસીકરણ પૂરું કરવાનો તંત્રનો લક્ષ્યાંક
  • વેક્સિનેશનના પ્રારંભે વિદ્યાર્થીઓ-વાલીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ

સમગ્ર રાજ્યની સાથે સાથે ભાવનગર શહેરમાં પણ આજે સોમવારથી 15થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓને વેક્સિન આપવાનો પ્રારંભ થયો છે. જેમાં 5 દિવસમાં 39 હજાર વિદ્યાર્થીઓને વેક્સિનેશનથી સુરક્ષિત કરવાનો ટાર્ગેટ નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમાં આજે વેક્સિનેશનના પ્રારંભે વિદ્યાર્થીઓ-વાલીઓ અને શિક્ષકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

શહેરના પરા વિસ્તારમાં આવેલી સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલ ખાતેથી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણનો આરંભ કરવામાં આવ્યો છે. તંત્રએ આપેલી માહિતી મુજબ શહેરના 13 વોર્ડમાં આવેલી તમામ સરકારી/ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પાંચ દિવસમાં જ કોવિડ રસી આપી દેવામાં આવશે. 39 હજારથી વધુ વિદ્યાર્થીઓને રસીકરણના કવચથી આરક્ષિત કરી દેવાનો લક્ષ્યાંક ધરાવતું તંત્ર પ્રથમ દિવસે 7704 વિદ્યાર્થીઓને વેક્સિનનો ડોઝ આપશે. ત્યારબાદ ક્રમશઃ બાકી રહેતા 15થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓનું રસીકરણ કરવામાં આવશે.

સમગ્ર દેશની સાથે ભાવનગરમાં પણ 15થી 18 વર્ષના કિશોર માટે રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લામાં કુલ 1.30 લાખ કિશોર અને કિશોરીઓને રસી આપવામાં આવશે. જેમાં આજે પ્રથમ દિવસે ભાવનગર શહેરના 13 વોર્ડમાં આવેલી કુલ 28 શાળામાં 7700થી વધુ કિશોરોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

એક તરફ ત્રીજી લહેર શરૂ થાય તેવી સંભાવના છે અને દેશ દુનિયામાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. તેવા સમયે કિશોરો માટે આ રસીકરણ જરૂરી બન્યું છે. ભાવનગરમાં આરોગ્યતંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈને આ રસીકરણના કામમાં જોડાયું છે. ભાવનગર શહેરની વાત કરીએ તો કુલ 157 શાળા અને કોલેજોમાં 9 જાન્યુઆરી સુધીમાં 1 લાખથી વધુ લોકોના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વેક્સિનેશનના પ્રથમ દિવસે વાલીઓ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકો અને શાળા સંચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે વેક્સિનેશનના પ્રારંભે શહેરના પ્રથમ નાગરિક એવાં કિર્તિબેન દાણીધારીયા, આરોગ્ય ચેરમેન, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા સંસ્થાના આચાર્ય, શિક્ષકગણ સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

અંગે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે 15થી 18 વર્ષના બાળકો માટે રસીકરણ ચાલુ કરવામાં આવ્યું છે. ભાવનગરમાં 100થી વધુ સ્કૂલ આવેલી છે, બીજી શાળાઓ, આઈટીઆઈ, પોલિટેક્નિકલ અને ફર્સ્ટ યરના કોલેજના વિદ્યાર્થીઓ મળી કુલ 39 હજાર જેવા બાળકો થાય છે, જેમાં આગામી 9 જાન્યુઆરી સુધીમાં 90 ટકા કરતા વધારે રસીકરણ પૂરું કરવાનો તેમનો લક્ષ્યાંક છે.

વલભીપુરમાં રજી.માં દર્શાવેલ શાળામાં ખંભાતી તાળા હતા
વલભીપુર શહેર અને તાલુકાના 15 થી 18ની વય ધરાવતા કિશોર અને કિશોરીઓને આજથી કોવીડ-19 વાઈરસ પ્રતિરોધ માટે રસીકરણની ઝુંબેશના પ્રારંભીક તબક્કામાં જ વાલીઓને દોડધામ થઇ હતી. રજીસ્ટ્રેશન સમયે સ્થળનો સ્લોટ અને સમય દર્શાવેલ તે સમયે વાલીઓ પોતાના બાળકોને લઇ પહોંચી ગયા હતાં તેમ છતાં સાંજ સુધી નિર્ધારીત સ્થળે એક પણ ફીમેલ હેલ્થ વર્કર કે આશા વર્કરોના હાજર ન હતા

આ અંગે બાળકના વાલી ભાવેશભાઇ વ્યાસે જણાવ્યું હતું કે મેં મારા બાળકોનું ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવેલ જેમાં મને હરીઓમ શાળાનું સ્થળ બતાવેલ જે સ્થળે અને સમયે હું બાળકોને લઇને પહોંચી ગયેલ ત્યારે સ્થળ ઉપર તાળા હતાં ઘણો સમય રાહ જોઇ કોઇ આવ્યું નહીં જેથી મેં અન્ય સ્થળો એ તપાસ કરી તો ત્યાં પણ કોઇ હાજર હતું નહીં. જયારે વલભીપુરના સીડીએચઓ મનસ્વીબેન માલવીયાએ જણાવ્યુ હતુ કે રસીકરણની કામગીરી શરૂ થઇ ગઇ છે

અને પાટણા,કાળાતળાવ અને રતનપુર(ગા) ત્રણેય હેલ્થ વિભાગ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પચાસ ટકા રસી મુકવાની કામગીરી કરવામાં આવી છે અને બે ત્રણ દિવસમાં મોટાભાગની રસી અંગેની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.જયારે વલભીપુરની મો.રો.દવે ગર્લ્સ સ્કુલના આચાર્ય જીતેન્દ્રભાઇ ગાબાણીએ જણાવ્યું હતું કે શાળાની કુલ-270 વિદ્યાર્થીઓનીમાંથી આજે 126 વિદ્યાર્થીનીઓએ કોરોનાની રસી મુકાવેલ છે.

પાલિતાણાના વિદ્યાર્થીઓને મોદીએ પ્રોત્સાહિત કર્યા
દેશભરમાં 15 થી 18 વર્ષના 7.40 કરોડ કિશોર કિશોરીઓ માટે આજે તા. 3જી જાન્યુઆરીથી કોરોના વિરોધી રસીકરણ અભિયાન શરૂ કરાયું છે. દરમિયાન આજે ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે અંકુર વિધાલયમાં વિદ્યાર્થીઓએ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા અપાતી વેકસીન ઉત્સાહભેર લીધી હતી.

તે અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઈ માંડવિયાએ ટ્વીટર પર ફોટાઓ સાથે વિગતો ટાંકી વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા. ભારત સરકારના આરોગ્ય મંત્રી માંડવિયાના આ ટ્વિટર સંદેશની ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નોંધ લીધી હતી. અને આરોગ્ય મંત્રીના આ સંદેશને રી-ટ્વીટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...