ખાડે ગયેલો વહીવટ:6 માસથી કમિશનરની, 1 માસથી સિટી એન્જિ.ની જગ્યા ખાલી

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના ભાવનગરના આગેવાનોનું પણ સરકારમાં કંઈ ઉપજતું ના હોય તેનુ ઉદાહરણ
  • કોર્પોરેશનમાં ચાર્જથી ચાચુડી ઘડાવે છે, કિ પોસ્ટ ખાલી ડેપ્યુટી કમિશનર પાસે ત્રણ-ત્રણ જવાબદારીનો ભાર

ભાવનગર મહાનગર વિકાસમાં સતત પાછળ ધકેલાવા પાછળ કોર્પોરેશનમાં કિ પોસ્ટ લાંબા સમયથી ખાલી રહેવા સાથે મોટાભાગના અધિકારીઓને ડબલ જવાબદારી સંભાળવાનું પણ કારણ જવાબદાર છે. કોર્પોરેશનના મુખ્ય અધિકારી એવા કમિશનરની જગ્યા જ છેલ્લા છ મહિનાથી ખાલી હોવા છતાં પ્રદેશમાં ઉચ્ચ હોદ્દા પર જવાબદારી નિભાવતા ભાવનગરના પ્રજાના પ્રતિનિધિઓને પણ કોઈ પરવા નથી અથવા તો તેઓનું કંઈ ઉપજતું નહીં હોવાનુ સાબિત થાય છે.

ભાવનગર મહાનગરપાલિકા કાબેલ અધિકારી કર્મચારીઓ વગર ધીરે ધીરે પાલિકા તરફ આગળ વધી રહ્યું છે. કોઇ કોર્પોરેશન એવું નહીં હોય કે જ્યાં લાંબા સમય સુધી કમિશનરની જગ્યા ખાલી હોય પરંતુ ભાવનગરમાં તો 6ઠ્ઠી ફેબ્રુઆરી થી એટલે કે, છ મહિનાથી કમિશનરની જગ્યા ભરાતી નથી. કલેક્ટરને ચાર્જ સોંપાયો છે અને બન્ને જવાબદારી નિભાવે પણ છે પરંતુ ચુંટણી નજીક છે જેથી સરકારમાંથી પણ રોજ નિત નવા ફતવા આવતા રહે છે તેમાં આટલી કામગીરીના બોજા નીચે સારા સારા અધિકારી પણ થાકી જાય.

6 મહિનાથી કમિશનર જેવી અતિ મહત્વની જગ્યા તો ખાલી છે પરંતુ સાથો સાથ શહેરના વિકાસમાં મહત્વની ભૂમિકા એવી સીટી એન્જિનિયરની જગ્યા પણ 1લી જુલાઈથી ભરાતી નથી. જોકે, એક મહિના પહેલા પણ ઇન્ચાર્જ થી જ રોડવવામાં આવતું હતું પરંતુ એક મહિનાથી તો વિવાદોને કારણે સીટી એન્જિનિયરનો ચાર્જ પણ કોઈ અધિકારીને સોંપાતો નથી.

તેવી જ રીતે ડેપ્યુટી કમિશનર જનરલ, ચિફ ફાયર ઓફિસર, EDP મેનેજર, રોશની, એસ્ટેટ, અર્બન મેલેરિયા, ટ્રાન્સપોર્ટ, ટાઉન ડેવલપમેન્ટ, ટાઉન પ્લાનિંગ, લીગલ અને યુ.સી.ડી. જેવી મહત્વની જગ્યાઓ પણ ચાર્જથી ચલાવાય છે. ડેપ્યુટી કમિશનર એડમિનને તો વળી ત્રણ ત્રણ જવાબદારી સોંપવામાં આવી છે. આમ કોર્પોરેશનનું તંત્ર એકદમ કથળી ગયું છે. જને સુધારવાની કોઈ પ્રજાના પ્રતિનિધિને પણ પડી નથી. કોર્પોરેશનમાં હાથમાં તેના મોમાં ની જેમ વહીવટ ચાલી રહ્યો છે જેથી પ્રજાને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે.

એક અધિકારી અનેક કામગીરી
કોર્પોરેશનમાં અનેક ડિપાર્ટમેન્ટ કે જગ્યા એવી છે કે જે વર્ષોથી ખાલી છે અને અન્ય અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેથી એક અધિકારીને અનેક જુદી જુદી કામગીરી કરવાને કારણે તેની કામ પર પણ વિપરીત અસર પડે છે. ડેપ્યુટી કમિશનર એડમિનને જનરલની અને હવે સીટી એન્જિનિયરની ફાઇલોમાં સહી પણ કરી જવાબદારીમાં ફિક્સ થઈ રહ્યા છે. તેમજ વેટરનરી ઓફિસરને ચિફ ફાયર ઓફિસર અને યુઆઈડી તેમજ વસતી ગણતરીની પણ કામગીરી સોંપવામાં આવી છે. સોલિડ વેસ્ટના લિયન ધરાવતા અધિકારીને આસિસ્ટન્ટ કમિશનરનો ચાર્જ ઓછો લાગતો હતો ત્યાં એસ્ટેટ ઓફિસરનો પણ ચાર્જ સોંપાયો, વહિવટી અધિકારીને પોતાના કામનો ઓછો વહીવટી લાગતો હોય તેમ યુસીડીનો પણ વહીવટ સોંપ્યો છે.

રાજકીય આગેવાનો પણ નિરસ
આગામી વિધાનસભાની ચુંટણી આડે ગણતરીના જ મહિના બાકી છે. અને પ્રજા સમક્ષ કોર્પોરેશન હસ્તક જ વિકાસ કામોની બડાશ હાકી શકાશે. કોર્પોરેશનની સબળ કામગીરી દ્વારા જ વિકાસની પ્રસિદ્ધ મેળવી શકાશે. અને મતદારોને રિઝવી શકાશે. તેમ છતાં પ્રજા માટે તો ઠીક પોતાના ફાયદા માટે પણ ભાજપ દ્વારા કોર્પોરેશનની ખાલી કિ પોસ્ટ ભરવાની ગંભીરતા સમજતા નથી.અથવા તો સ્થાનિક રાજકીય આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અથવા તો પ્રદેશ અને રાજ્ય સરકારમાં હોદ્દો મેળવેલા આગેવાનોને પ્રદેશમાં ગણકારતા નહી હોય તેમ સાબિત થાય છે.

ના.કમિ. એડમિનને જનરલનો ચાર્જ અને તેણે સિટી એન્જી.માં સહી કરવાની !
કોર્પોરેશનના તમામ ટેક્નિકલ ડિપાર્ટમેન્ટના વડા તરીકે સીટી એન્જિનિયર હોય છે. કે જે તમામ ટેક્નિકલ બાબતોના નિષ્ણાંત હોય જેથી વિકાસ કામો પૂર્ણ પણે ગુણવત્તાયુક્ત અને નિયમાનુસાર થઇ શકે. પરંતુ છેલ્લા એક મહિનાથી તો કોર્પોરેશનમાં સીટી એન્જિનિયરની ખુરશી જ ખાલી છે અને ગત 28મી જુલાઈના રોજ સીટી એન્જિનિયરે કરવાની થતી સહીઓની ફાઇલોમાં ડેપ્યુટી કમિશનર જનરલે સહી કરવાનો હુકમ કર્યો. નાયબ કમિશનર જનરલ વહીવટી અધિકારી તો કહેવાય પરંતુ નાયબ કમિશનર જનરલ પણ ચાર્જમાં છે. નાયબ કમિશનર એડમિનને જનરલનો ચાર્જ સોંપ્યો છે અને તેને જનરલ તરીકે સીટી એન્જિનિયરની સહિ કરવાની રહેશે. આ છે કોર્પોરેશનનો વહીવટ.

અન્ય સમાચારો પણ છે...