વિશેષ:સરકારી મદદ વિના અલંગમાં પ્લોટ અપગ્રેડેશન

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અલંગ શિપબ્રેકીંગ યાર્ડ ખાતે 94 પ્લોટ હોંગકોંગ કન્વેન્શન મુજબના, 113 પ્લોટ ક્લાસિફાઇડ
  • ​​​​​​જાપાનની ગ્રાન્ટથી અપગ્રેડેશનની GMBની ઘોષણાઓ પોકળ

વર્ષ 2022 સુધીમાં અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડના પ્લોટ ધારકોએ કરોડો રૂપિયા ખર્ચ કરી અને શિપબ્રેકિંગ પ્લોટમાં આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની તમામ સવલતો ઉપલબ્ધ બનાવી છે. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન નાટકિય રીતે સવલતોમાં સુધારો થયો છે.

એક સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે વગોવાઇ ચૂકેલા અલંગની નોંધ હવે જડપી સુધારા અપનાવનાર યાર્ડ તરીકે થવા લાગી છે. વર્ષ 2022 સુધીમાં અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં કુલ 94 પ્લોટ ધારકોએ હોંગકોંગ સર્ટિફાઇડ મુજબની તમામ સવલતો ધારણ કરી લીધી છે, અને કુલ 113 પ્લોટ ધારકોએ ઇન્ટરનેશનલ એન.કે., રીના, આઇ.આર.એસ. ક્લાસિફિકેશન સર્ટિફિકેટ મેળવી લીધા છે.

શિપ રીસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (ઇન્ડીયા)ના ઉપપ્રમુખ રમેશભાઇ મેંદપરાના જણાવ્યા પ્રમાણે, હાલ અલંગમાં ઇન્ટરનેશલ સ્ટાન્ડર્ડની તમામ સવલતો મોજુદ છે. હોંગકોંગ કન્વેન્શનમાં સામેલ કરવામાં આવેલી તમામ આવશ્યક્તાઓ મુજબનું કામ અલંગમાં કરવામાં આવી રહ્યું છે.

દરેક પ્લોટ ધારકોએ આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબના પ્લોટ અપગ્રેડેશન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. સમગ્ર વિશ્વમાં નમૂનારૂપ શિપ રીસાયકલિંગ પ્રક્રિયાઓ અલંગમાં અપનાવવામાં આવેલી છે. અલંગના શિપ રીસાયકલર્સ સતત સુધારાઓ અપનાવવા માટે તત્પર રહે છે. સરકારી પરિપત્રો અગાઉ અલંગના પ્લોટ ધારકો પોતાને ત્યાં સગવડતાઓ ઉપલબ્ધ બનાવી નાંખે છે.

છેલ્લા 5 વર્ષ દરમિયાન અલંગમાં હોંગકોંગ કન્વેન્શન સર્ટિફિકેટ 94 પ્લોટ ધારકોએ મેળવી લીધું છે. ઉપરાંત ક્લાસ એન.કે. મુજબના 50, રિના ક્લાસ મુજબના 50, આઇ.આર.એસ. ક્લાસ મુજબના 13 પ્લોટ ધારકોએ સગડતાઓ ઉપલબ્ધ કરાવી લીધી છે. 100 પ્લોટ ધારકો પાસે એન.કે. અને રિના એમ બંનેના ક્લાસિફિકેશન સર્ટિફિકેટ છે.

વ્યવસાયમાં અલંગના કટ્ટર હરિફ ગણાતા પાકિસ્તાનમાં એકપણ પ્લોટ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબનો નથી, છતા ત્યાં શિપબ્રેકિંગ વ્યવસાય ધમધોકાર ચાલે છે. જ્યારે બાંગ્લાદેશમાં માત્ર 1 પ્લોટ દ્વારા હોંગકોંગ કન્વેન્શન મુજબની સગવડતાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે, આંગળીના વેઢે ગણી શકાત તેટલા અન્ય પ્લોટમાં અપગ્રેડેશનનું કામ ચાલુ છે. આ દક્ષિણ એશિયામાં હોંગકોંગ કન્વેન્શનનો સૌથી વધુ અમલ અલંગ ખાતે કરાય છે.

પરપ્રાંતિય મજદૂરો તાલીમબદ્ધ થતા સલામત બન્યા
વર્ષ 2003માં ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) દ્વારા કામદાર તાલીમ સંકુલ બનાવવામાં આવ્યુ હતુ. અને ક્રમશ: અલંગમાં કામ કરવા માટે આવતા કામદારોને શિપ કટિંગ અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. લાંબા અંતર બાદ હવે અલંગમાં કામ કરી રહેલા પરપ્રાંતિય મજૂરો સલામત રીતે શિપ કટિંગ અંગે મોટાભાગે તાલિમબધ્ધ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...