અષાઢી ધારાએ અનરાધાર:શ્રાવણમાં સાર્વત્રિક : 5 દિવસમાં સિઝનનો 11 ટકા વરસાદ

ભાવનગરએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉમરાળામાં અનરાધાર 3 ઇંચ, જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 344 મી.મી.
  • ગારિયાધારમાં બે ઈંચ, સિહોરમાં એક ઇંચ : ગોહિલવાડમાં 5 દિવસમાં સરેરાશ 61 મી.મી. વરસાદ વરસી ગયો

ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે ઉમરાળામાં અનરાધાર ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે ગારિયાધારમાં પણ બે ઇંચ વરસાદ વરસી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી વળી હતી. આ ઉપરાંત સિહોરમાં આજે સતત ત્રીજા દિવસે એક ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે વલ્લભીપુરમાં અડધો ઇંચ, ભાવનગર શહેર, તળાજા, ઘોઘા અને જેસરમાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસી ગયા હતા.

ભાવનગર જિલ્લામાં આ ચોમાસામાં સિઝનનો કુલ વરસાદ 344 મી.મી. વરસાદ વરસી ગયો હતો. ભાવનગર જિલ્લામાં ચોમાસાનો કુલ વરસાદ 617 મી.મી. છે અને આજે સાંજ સુધીમાં 344 મી.મી. એટલે કે 56.09 ટકા વરસાદ વરસી ગયો છે. શ્રાવણમાં છૂટાછવાયા સરવડા વરસતા હોય છે પરંતુ આ વર્ષે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હોય પાંચ દિવસમાં સિઝનનો 11 ટકા વરસાદ વરસી ગયો છે. ભાવનગર જિલ્લામાં આજે ઉમરાળામાં મેઘો મહેરબાન થઇને વરસ્યો હતો.

આજે ગારિયાધારમાં પણ 41 મી.મી. વરસાદ વરસી ગયો હતો. આજુબાજુના ગામડાઓમાં પણ આજે બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. ઉમરાળામાં 3 ઇંચ ધોધમાર વરસાદ વરસતા ઉમરાળાના ચેકડેમો ભરાઇ ગયા હતા અને નદીમાં નવા નીર વહેતા થયા હતા. આજે ધોળા તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આ મૌસમનો સારામાં સારો કહી શકાય તેવો વરસાદ વરસ્યો. સતત દોઢ કલાક સાડા પાંચ વાગ્યા સુધી વરસીને દોઢથી બે ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો.

આજે બગદાણામાં બપોરના 3.30 કલાક આસપાસ મેઘસવારી આવી પહોંચી હતી અને જોતજોતામાં અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેથી બગડ નદીમાં પૂર આવ્યું હતુ. મોણપર, ટીટોડીયા, કરમદીયા, નવાગામ, રાળગોન, દુદાણા સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. ભંડારિયામાં બપોરના સમયે 2 ઇંચ વરસાદ વરસી ગયો હતો.

શેત્રુંજી ડેમની સપાટી 27.8 ફૂટે આંબી
શેત્રુંજી ડેમની સપાટી વધીને 27.8 ફૂટ થઇ ગઇ છે. આ ડેમમાં ગઇ કાલથી સતત આવક 2030 ક્યૂસેક થઇ રહી છે. આ ઉપરાંત જે ડેમમાં પાણીની આવક શરૂ હતી તેમાં માલણ ડેમમાં 283 ક્યૂસેક, રંઘોળામાં 1069 ક્યૂસેક, હમીરપરા ડેમમાં 150 ક્યૂસેક, પીંગળી ડેમમાં 56 ક્યૂસેક, બગડ ડેમમાં 1094 ક્યૂસેક પાણીની આવક અને જાવક શરૂ હતી. રોજકીમાં 46 ક્યૂસેક પાણીની આવક શરૂ હતી.

સમઢીયાળામાં ટ્રાન્સફોર્મર પર વીજળી ત્રાટકતા અંધારપટ્ટ
તળાજાના સમઢીયાળામાં સાંજના સમયે વીજળી ત્રાટકતા ગામને વિજળી પુરી પાડનાર ટ્રાન્સફોર્મર બળી ગયુ હતુ જેથી ગામમાં અંધારપટ્ટ છવાઇ ગયો છે.મોડીરાત સુધી ટીસી બદલવાની કામગીરી થઇ નથી જેથી ગામલોકોએ હેરાનગતિ ભોગવવી પડી હતી.

ભાવનગરમાં સોમવારે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં સોમવાર અને મંગળવાર, બન્ને દિવસ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર ખાતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...