રમતા-રમતા શિક્ષણ:મહુવાની કુંભણ કેન્દ્રવતી શાળાના શિક્ષક દંપતીની અનોખી પહેલ, 2 હજાર શૈક્ષણિક રમકડાંઓ બનાવી ઘરે-ઘરે શિક્ષણ આપ્યું

ભાવનગર22 દિવસ પહેલા
  • નકામી વસ્તુમાંથી 200 જેટલી શબ્દો ડાયરી બનાવી 2000 શબ્દોનો ભંડાર તૈયાર કર્યો
  • શૈક્ષણિક રમકડાં સાથે લઈ સરવાળા, બાદબાકી, અંક વાચન, શબ્દ વાંચન જેવા પાયાનું શિક્ષણ બાળકોને આપ્યું

મહુવાની કુંભણ કેન્દ્રવતી શાળાના શિક્ષક દંપતીએ બાળમાનસ પર આધારિત 2 હજાર જેટલા શૈક્ષણિક રમકડાંઓ જાતે બનાવી ઘરે-ઘરે જઈ બાળકોને શિક્ષણ આપી એક ઉમદા કામ કરી રહ્યા છે. બાળકોના ચહેરા ઉપર હાસ્યનો ક્યુ આર કોડ જનરેટ કરવો છે, તેવા જીવનમંત્ર સાથે કામ કરતા મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવતી સરકારી શાળાના ઈનોવેટીવ શિક્ષક દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડે શિક્ષણ પદ્ધતિમાં નવી પહેલ કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બાળમાનસ આધારિત શિક્ષણ પદ્ધતિ અપનાવી
મહુવા તાલુકાના તરેડ ક્લસ્ટરની કુંભણ કેન્દ્રવર્તી સરકારી શાળામાં છેલ્લા 12 વર્ષથી ઈનોવેટીવ શિક્ષક દંપતી તરીકે ફરજ બજાવી રહ્યા છે. બાળમાનસ આધારિત શિક્ષણ પદ્ધતિ અપનાવી રમતા-રમતા શિક્ષણ આપવામાં આવે તો સરળ અને સહજ રીતે બાળકોને યાદ રહી જાય છે.

2 હજાર શૈક્ષણિક રમકડાં જાતે બનાવ્યાં
કોરોના મહામારીના સમયગાળામાં આફતને અવસરમાં ફેરવી વર્ક ફ્રોમ હોમના સમયે 2 હજાર જેટલા શૈક્ષણિક રમકડાં બનાવ્યાં હતા, હાલ ધોરણ-1 થી 5 સુધીના નાના બાળકો શાળાએ જઈ શકતા નથી, તેથી સરકાર દ્વારા શેરી શિક્ષણ અંતર્ગત નાના બાળકોને દરરોજ નવા-નવા શૈક્ષણિક રમકડાં સાથે લઈ જઈ સરવાળા, બાદબાકી, અંક વાચન, શબ્દ વાંચન જેવા પાયાનું શિક્ષણ બાળકોને આ દંપતી આપી રહ્યા છે.

વેસ્ટમાંથી બેસ્ટ રમકડાં બનાવ્યાં
શૈક્ષણિક રમકડાંથી બાળમાનસ આધારિત શિક્ષણ પદ્ધતિ અપનાવી રમતા રમતા શિક્ષણ આપી રહ્યા છે, વાર્તા અને જોડકણા સંભળાવી કોરોના તણાવ દૂર કર્યો, નાના બાળકોની બુદ્ધિ ક્ષમતા આધારિત વેસ્ટમાંથી બેસ્ટ રમકડા બનાવ્યાં, નકામી સીડી, પાણીની બોટલ ,પથ્થર, રંગીન કાગળ, સિંગના ફોફા, નકામા ઢાંકણા, લાકડાના પાસા, સોડા બોટલના બીલા જેવી નકામી વસ્તુમાંથી 200 જેટલી શબ્દો ડાયરી બનાવી 2000 શબ્દોનો ભંડાર તૈયાર કર્યો જેનાથી બાળમાનસ આધારિત રમકડાઓ બનાવ્યાં હતા.

ઓનલાઈન શિક્ષણમાં રમકડા સાથે રાખીને સહજ શિક્ષણ આપ્યું
​​​​​​​બાળમાનસ આધારિત રમકડા બનાવી રમકડા મેળામાં રાજ્યકક્ષા અને નેશનલ કક્ષા સુધી સફર કરી હતી. નવી નવી શિક્ષણ સામગ્રીનું નિર્માણ કરી ઇનોવેશન ફેસ્ટિવલમાં તાલુકા અને જિલ્લા કક્ષા સુધીની સફર કરી, ઓનલાઈન શિક્ષણમાં રમકડા સાથે રાખીને સહજ શિક્ષણ આપ્યું હતું. ઓનલાઇન શિક્ષણમાં પ્રજ્ઞા બિગ બુક ઉપયોગ કરી વાર્તા સંભળાવી, વર્ગખંડમાં અનેક રંગીન ભીંત ચિત્રો બનાવી બોલતી દિવાલ પ્રોજેક્ટ નવતર પ્રયોગ રજૂ કર્યો હતો. દેશી રમતોને શિક્ષણમાં સ્થાન આપ્યું, નકામા ઢાંકણા ઉપર ઓઈલ કલર કરી પેટર્ન બનાવી, મુક્ત વાતાવરણ નિર્માણ કરી નાના બાળકોને ભય મુક્ત વાતાવરણ પૂરું પાડ્યું હતું.

દંપતીને અનેક એવોર્ડની સન્માનિત કરાયા​​​​​​​
2015 માં જિલ્લા શિક્ષણ સમિતી ભાવનગર તરફથી “શ્રેષ્ઠ શિક્ષક સન્માન” શીતલબેન ભટ્ટીને મળ્યો હતો. વર્ષ 2020 માં શિક્ષણ વિભાગ ,ગુજરાત રાજ્ય તરફથી “પ્રતિભાશાળી શિક્ષક સન્માન” રમેશભાઈ બારડને મળ્યો હતો. વર્ષ 2021 માં શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય તરફથી “પ્રતિભાશાળી શિક્ષક સન્માન” શીતલબેન ભટ્ટીને મળ્યો છે. રમેશભાઈ બારડની ‘મલ્ટી પર્પજ એજયુકેશનલ કાર્ટ’ રમકડાની કૃતિ રાજ્યકક્ષાએ પસંદગી પામીને નેશનલ કક્ષાના ટોય ફેર 2021માં ગુજરાત રાજયનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

જિલ્લાનું ગૌરવ વધાર્યું
​​​​​​​રમેશભાઈ ડી બારડની આ સિદ્ધિએ શિક્ષણક્ષેત્રે મહુવા તાલુકા અને ભાવનગર જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. આવી અનોખી પહેલ માટે ભાવનગર જિલ્લાના શિક્ષણવિદ તખુભાઈ સાંડસુરના 61માં જન્મ દિવસે યોજાયેલા "શિક્ષક ભાવ વંદના" કાર્યક્રમમાં તખુભાઈ સાંડસુર, ગિજુભાઈ ભરાડ તેમજ રામેશ્વર બાપુના હસ્તે કુંભણ કેન્દ્રવર્તી સરકારી શાળાના ઈનોવેટીવ શિક્ષક દંપતી શીતલ બેન ભટ્ટી અને રમેશભાઈ બારડને સન્માનપત્ર મોમેન્ટો આપી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. શૈક્ષણિક રમકડાં બનાવી નાના બાળકોની અભ્યાસ સામગ્રીને સરળ અને સહજ બનાવી છે. તેમના આ ઇનોવેશન કાર્યની નોંધ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ લેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...