તંત્ર દ્વારા કાર્યવાહી:ભાવનગરના 4000 GST નંબર સ્કેનર તળે : બંધ કરવા કાર્યવાહી

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ખોટા દસ્તાવેજો થકી પેઢીઓના રજીસ્ટ્રેશન થયેલા
  • તંત્ર દ્વારા GSTના રજીસ્ટ્રેશનમાં ભાડાની મિલકતો અંગે નિયમ વધુ કડક બનાવવામાં આવશે

ભાવનગર જિલ્લામાં થોકબંધ ખોટા દસ્તાવેજો થકી બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન મેળવાયા બાદ કરોડો રૂપિયાના બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ લેવાના કાૈભાંડો ચાલી રહ્યા છે. આ પ્રવૃત્તિ પર બ્રેક મારવા તંત્ર દ્વારા કોમ્પ્યુટરની મદદથી 4000 નંબરોના રજીસ્ટ્રેશનની ચકાસણી કરવામાં આવી રહી છે.

53 મહિનાથી હજુ પણ સરકાર જીએસટી કાયદા સઘન બનાવવા માટે મચી રહી છે, છીંડાઓનો લાભ ભેજાબાજો કઇ રીતે ઉપાડી રહ્યા હતા અને આવી ગેરરીતિઓ બંધ કરાવવા માટે જીએસટી સંબંધિત તમામ એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની તાજેતરમાં મીટિંગ મળી હતી અને બોગસ રજીસ્ટ્રેશન, શંકાસ્પદ રજીસ્ટ્રેશન શોધી કાઢી અને તેને નાબૂદ કરવાની બાબત પર જોર મુકવામાં આવ્યુ હતુ. કોમ્પ્યુટરના ડેટા ખંગોળવામાં આવી રહ્યા છે, પૃથ્થકરણ કરાઇ રહ્યા છે.

ભાવનગર જિલ્લાના 4000થી વધુ નંબરો શંકાના વમળમાં આવ્યા છે, અને આવા રજીસ્ટ્રેશન થકી કરવામાં આવતા ખરીદ-વેચાણ, લેવામાં આવતી વેરાશાખ, તેઓના દ્વારા જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં આવેલા છે કે કેમ, તે સહિતની બાબતોની ચકાસણી થઇ રહી છે. અને શંકાસ્પદ નંબરોની સ્થળ ચકાસણી બાદ ખોટુ જણાશે તે તમામ પેઢીઓના રજીસ્ટ્રેશન નંબર રદ્દ કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે.

બીજી તરફ બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશનમાં ગરીબ, મજૂર, અભણ, ઓછું ભણેલા લોકોના દસ્તાવેજોના આધારે રજીસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યા હોવાનું ખુલ્યુ છે, તદ્દઉપરાંત 72 ટકા રજીસ્ટ્રેશન જે શંકાના વમળમાં છે તેમાં દર્શાવવામાં આવેલા વ્યવસાયના સ્થળ ભાડાની મિલકતોના જ હોય છે.

તેથી તંત્ર દ્વારા ભાડાની મિલકતો પર લેવામાં આવતા રજીસ્ટ્રેશન નંબરોની બાબતમાં પણ કડક નિયમો લાવી રહ્યું છે, અને ભાડાની મિલકતોના માલીકોને પણ ભાડુઆતની તમામ વિગતો અંગે બાંહેધરી આપવી, ભાડાની મિલકતના સરનામે પેઢી રજીસ્ટ્રેશન માટેનું ના-વાંધા પ્રમાણપત્ર આપવું સહિતની બાબતો ઉમેરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...