ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:બિહામણું બાળ સ્મશાન : વિચલિત કરી દેતી વેરાન જગ્યા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંતિમ સંસ્કાર બાદ થતી અવદશા: કુતરાઓ ખાડા ખોદી સ્મશાનમાં દફનાવેલા બાળકોના શરીરને બહાર કાઢી ચુંથી નાખે છે
  • બાળ સ્મશાનમાં કોઈ સુવિધા જ નથી, સાધનો પણ કુંભારવાડા લેવા જવું પડે છે, ગંદકી, દારૂની બોટલો અને મરેલા ઢોરની દુર્ગંધને લીધે ઉભા રહેવું પણ મુશ્કેલ છે

બાળકોને કોરોનાની ત્રીજી લહેરમાં બચાવી લેવાય તે માટે સરકાર સજ્જ બની છે ભાવનગરની બાળ સ્મશાનની એક શરમજનક ઘટના બહાર આવી છે. જેમાં દિવાલો વગરના ઉઘાડા પડ જેવા બાળ સ્મશાનમાં કુતરા-બિલાડા બાળકોના મૃતદેહો ખોદી, બહાર કાઢી ઢસડી રહ્યાં હોવાની વિગતો પણ સામે આવી છે. બાળકોની અંતિમવીધિ માટે પણ સ્મશાન પાસે પુરતી સુવિધાનો અભાવ છે. આ ઘટનાનું કાગળ પર નિરૂપણ કરતા સમયે પણ માથુ ઝુકી જાય છે. કારણ કે આ ભાવનગરની શરમ છે.

50 વીઘા જેટલી જમીનમાં કુંભારવાડા પાસે આવેલ બાળ સ્મશાનમાં લોકો પોતાના હૈયાના હાર જેવા માસુમ ભુલકાની અંતિમવીધિ કરી દફનાવે છે પણ આ સ્થળે કુતરાઓ ખાડા ખોદી દફનાવેલા શરીરને બહાર કાઢી ચુંથી નાખ્યાની વિગતો સામે આવી છે. સ્મશાનમાં કોઈ સુવિધા જ નથી અને ચારેય બાજુ એટલાં પાણી ભરાયેલા છે કે ત્યાં જવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે કોરોનાની ત્રીજી વેવ દસ્તક દઈ રહી છે ત્યારે આ પ્રશ્ને તંત્ર જાગૃત બને તે જરૂરી છે.

ભાવનગરના મહારાજાએ રજવાડાના સમયથી બાળકોની અંતિમવિધિ માટે હિંદુ બાળ સ્મશાનની વિશાળ‌ જમીન ફાળવી છે. હિંદુ ધર્મમાં મૃત્યુ પામતા બાળકોનો અગ્નિ સંસ્કાર કરવામાં નથી આવતો પણ તેને ખાડો ખોદી દફનાવવામાં આવે છે. ખારા પટ વિસ્તારમાં આવેલા આ સ્મશાન ગૃહની દુર્દશા જોઈ ભલભલાનું હૈયું દ્રવી ઉઠે તેવા છે. ચારેય તરફ પ્લાસ્ટીકનો કચરો મરેલા પ્રાણીઓના મૃતદેહ અને ગટરના ગંધાતા પાણી વચ્ચે માસુમ ભુલકાની અંતિમવિધિ કરવામાં આવે છે.

ન કરે નારાયણ અને કોરોનાની ત્રીજી લહેર શરૂ થાય તો સૌથી વધુ જોખમ બાળકો પર છે પણ બાળ સ્મશાનમાં કોઈ સુવિધા જ નથી. કુંભારવાડા મુખ્ય સ્મશાનથી 1 કિમી દુર આવેલા ખારા પટ વિસ્તારમાં ફેલાયેલા આ સ્મશાનમાંજે બાળકોને દફનાવી તેમની અંતિમવિધિ કરવામાં આવી છે ત્યાં પણ જાનવરો અને કુતરાઓથી સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી છે.

આ સ્થળે રહેલા કાર્યકરોને પુછતા જણાવ્યું હતું કે, કુંભારવાડા મોટું સ્મશાન હોવાથી અહીં બાળકોને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે. અમે અંતિમ સંસ્કાર કરવા આવેલા લોકો પાસે પુરતી વસ્તુ હોતી નથી અને જગ્યા પણ વેરાન છે તેથી અમે કુંભારવાડા મોક્ષ મંદિરેથી વસ્તુઓ લાવી તેમની મદદ કરીએ છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અહીં કોઈ આવવા પણ તૈયાર નથી આ કામ કોઈ કરતું નથી, સેવા ભાવે અમે આ કામ કરીએ છીએ.

તંત્ર કહે છે : વાર્ષિક ગ્રાન્ટ આપીએ છીએ
ભાવનગર શહેરમાં આ ટ્રસ્ટ સંચાલિત સ્મશાનની પ્રથા વર્ષોથી છે અને અમે જે-તે સ્મશાન તથા કબ્રસ્તાન અંગે જરૂરી પુરતા દસ્તાવેજો રજુ કરનારા ટ્રસ્ટને વાર્ષિક 75 હજારની ગ્રાંટ ફાળવીએ છીએ હાલ અમે 12 જેટલા સ્મશાનો અને કબ્રસ્તાનોને આ પ્રકારની ગ્રાન્ટ આપીએ છીએ. જેનો જનરલ બોર્ડમાં ઠરાવ કરેલો છે. > એમ.એ.ગાંધી, મ્યુ. કમિશ્નર-ભાવનગર

ટ્રસ્ટી કહે છે : કોર્પો. ધ્યાન નથી આપતું
ભાવનગરનું હિંદુ બાળસ્મશાન કોર્પોરેશનના ચોપડે નોંધાયેલું છે, આ સ્માશાનની જવાબદારી કોર્પોરેશને કોઈને સોંપી નથી. અન્ય મહાનગરોમાં માનવ અંતિમ સંસ્કારની જવાબદારી કોર્પોરેશનની હોય છે અને ત્યાં કોર્પોરેશન સંચાલિત સ્મશાનો હોય છે. ભાવનગર એકમાત્ર શહેર એવું છે જ્યાં ટ્રસ્ટ દ્વારા સ્મશાનોનું સંચાલન કરવામાં આવે છે. કોર્પોરેશન ધ્યાન આપતું નથી. અહીં બાળકોના અંતિમ સંસ્કાર માટે જે લોકો આવે છે તેમને અમે પુરતી મદદ કરીએ છીએ. > અરવિંદભાઈ પરમાર, ટ્રસ્ટી- કુંભારવાડા સ્મશાન

બાળ લાશને કુતરા ખોદીને બહાર કાઢી ચુંથે છે
આ વિસ્તારના એક સ્થાનિકે જણાવ્યું કે, હા, અહીં બાળકોની અંતિમવિધિ થાય છે. વાસ આવવાના લીધે અહીં કુતરાઓ રખડતા હોય છે. દફનાવતી વખતે ઊંડો ખાડો ના કર્યો હોય તો કુતરાઓ ખોદી મૃતદેહ બહાર કાઢી ચુંથી નાખે છે. અહીં પાણી ભરાયેલા હોવાથી જમીન પણ પોચી થઈ જાય છે અને પાણી ભરાયેલું રહેવાથી નજીકમાં જ દફનવિધિ કરી લોકો ચાલ્યા જાય છે અને દુર્ગંધના આકર્ષણથી કુતરાઓ અહીં રખડતા જ હોય છે.

સરેરાશ દર વર્ષે 400 મૃતદેહો આવે છે
કુંભારવાડ ા બાળ હિંદુ સ્મશાનમાં દર વર્ષે સરેરાશ 400 મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવે છે. જ્યારે કુતરાઓ બાળ મૃતદેહ બહાર કાઢી ચુંથતા હોવાની ફરિયાદ અંગે ટ્રસ્ટીઓએ પણ હામી ભરી હતી.

શહેરમાં માત્ર બે જ બાળ સ્મશાન
કુંભારવાડા સિવાય શહેરના સિંધુનગરમાં એક બાળ સ્મશાન આવેલું છે. આ સ્મશાન પ્રમાણમાં નાનુ છે. તેના િવશે લોકોને જાણ નહીં હોવાથી કુંભારવાડા સ્મશાનને અંતિમ સંસ્કાર માટે પ્રાથમિકતા અપાય છે.

ચોકીદાર નહી હોવાથી દારૂની બોટલો ઠેર-ઠેર
50 વિઘા જેટલી જમીનમાં કોઈ દિવલ કે ફેન્સિંગ નથી કે કોઈ ચોકીદારની પણ વ્યવસ્થા નથી પરિણામે બાળ સ્મશાનએ અસામાજીક તત્વોનો અડ્ડો હોય તેમ અહીં ઠેર-ઠેર દારૂની બોટલો પણ વિખેરાયેલી જોવા મળે છે. જ્યારે સ્મશાનની જમીનમાં દબાણો પણ થઈ રહ્યાં છે અને ગટરના પાણીઓનો પણ આ જગ્યામાં નિકાલ થાય છે.

અન્ય સમાચારો પણ છે...