મેઘકહેર / વીજળી પડતા બોટાદમાં 5 વર્ષની બાળકી સહિત ત્રણ અને જામનગરમાં માતા-પુત્ર મળીને 6ના મોત, જેસરમાં 1.5, ભાવનગરમાં 1 ઇંચ

5 વર્ષની બાળકી ખેતરમાં હતી અને વીજળી પડતા મોત
X

  • જસદણના ડોડીયાળા ગામે વીજળી પડતા એક વ્યક્તિને ઇજા પહોંચી
  • જેસરમાં દોઢ ઇંચ, ભાવનગરમાં એક ઇંચ વરસાદથી નદીમાં પૂર આવ્યા

દિવ્ય ભાસ્કર

Jun 30, 2020, 07:00 PM IST

બોટાદ. સૌરાષ્ટ્રમાં આજે મંગળવારે સવારથી જ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. સવારથી જ મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘમહેર વચ્ચે વીજળીએ પણ કહેર વરસાવ્યો હતો. વીજળી પડવાથી બોટાદ જિલ્લામાં એક 5 વર્ષની બાળકી અને 60 વર્ષના વૃદ્ધનું મોત નીપજ્યું છે. જ્યારે જસદણના ડોડિયાળા ગામમાં વીજળી પડતા એક વ્યક્તિને ઇજા પહોંચતા સારવાર માટે ગોંડલ હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે બોટાદના સરવઇ ગામે વાડીમા કામ કરતી મહિલા પર વીજળી પડતા તેનું મોત નીપજ્યું છે. જેસરમાં દોઢ ઇંચ, ભાવનગરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે.જામનગર જિલ્લામાં વીજળી પડતા માતા-પુત્રના મોત જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રક્કા ખટીયા ગામે વીજળી પડતા માતા-પુત્રના મોત નીપજ્યા છે. વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકતા નીતાબેન જયેશભાઇ સીતાપરા (ઉં.વ. 35) અને તેના પુત્ર વિશાલ જયેશભાઇ સીતાપરા (ઉ.વ.12)નું મોત નીપજ્યું હતું. તેમજ દ્વારકાના વિરમદળ ગામે વીજળી પડતા 21 વર્ષની યુવતીનું મોત નીપજ્યું હતું. 

વીજળી પડતા 60 વર્ષના વૃદ્ધનું મોત

વૃદ્ધ અને બાળકી ખેતરમાં હતા ત્યારે વીજળી પડી
બોટાદમાં રહેતા ઘનશ્યામભાઈ નાનજીભાઈ ચૌહાણ (ઉં.વ.60) અને જાનવી વિજયભાઈ ચૌહાણ  (ઉં.વ.5) બન્ને ભાવનગર રોડ ઉપર આવેલી વાડીએ ખેતરમાં હતા ત્યારે વીજળી પડતા બંનેના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. બંને મૃતકોને પી.એમ.માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બોટાદ પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદથી રસ્તાઓ પરણ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

બોટાદના સરવઇ ગામે વીજળી પડતા મહિલાનું મોત


સરવઇ ગામે વીજળી પડતા મહિલાનું મોત
બોટાદના સરવઇ ગામે રહેતા અને વાડીમાં કામ કરતા ગુજીબેન જીવરાજભાઇ ભાટવાસીયા પર અચાનક વીજળી પડી હતી. વીજળી પડતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગુડીબેનનો એક હાથ દાઝી ગયો હતો. તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 

વીજળી પડતા બળદનું મોત

જસદણના રાણપરડા ગામે વીજળી પડતા બળદનું મોત
જસદણના રાણપરડા ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગામના સુરેશભાઈ ગોરધનભાઈ ભોજાણીની વાડીએ વસાદ સાથે વીજળી પડતા બળદનું મોત થયું હતું. જ્યારે પતિ-પત્નીનો બચાવ થયો હતો. અઢી ઇંચ જેટલો વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. વીજળી પડતાં આજુબાજુના 20 ઘરમાં વીજળીના ઉપકરણ બળી ગયાં હતાં. ફ્રિજ, ટીવી 20 ઘરમાં ઈલેક્ટ્રીક ઉપકરણ બળી ગયા હતા 

મંદિરના શિખર પર વીજળી પડતા શિખરમાં નુકસાન

ભાવનગરના વાળુકડ ગામે મંદિરના શિખર પર વીજળી પડી
ભાવનગરના વાળુકડ ગામે વીજળી પડતાં મંદિરના શિખરને નુકસાન પહોંચ્યું છે. વાળુકડ ગામે આજે કડાકા ભડાકા સાથે રામદેવપીરના મંદિરના શિખર ઉપર વીજળી પડી હતી. વીજળી પડતાં મંદિરનું શિખર તૂટ્યું હતું જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

રાણપુરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા


રાણપુરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં
બોટાદ જિલ્લાના રાણપુરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગાજવીજ અને પવન સાથે મૂશળધાર વરસાદ વરસતા બજારોમાં  વરસાદી પાણી ભરાયા હતા.રાણપુર, નાગનેશ, અણિયાળી, ધારપીપલા, કેરિયા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભાવનગર શહેરમાં ગત રાત્રિથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ અને કડાકા સાથેનું વાતાવરણ સર્જાયું હતું અને વહેલી સવારથી ઝરમર વરસાદનો પ્રારંભ થયો હતો. જ્યારે થોડીવાર માટે ધોધમાર વરસાદ પણ વરસી જતાં માર્ગો પર પાણી ભરાયા હતા. જ્યારે તાલુકા મથકો પર મહુવા, તળાજા, ઘોઘા, જેસર, પાલીતાણા પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં મહુવાની બગડ નદીમાં પૂર આવ્યું હતું. જ્યારે જેસરના તાતણીયાની નદીમાં પણ પૂર આવ્યું હતું. આજે ઘોઘા, જેસરમાં દોઢ ઇંચ, ભાવનગરમાં એક ઇંચ, મહુવા તળાજા અને ગારીયાધારમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો.

બરવાળાની ઉતાવળી નદીમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો
ભાવનગરના બરવાળાની ઉતાવળી નદીમાંથી કોહવાય ગયેલી હાલતમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળ પર દોડી  ગયો હતો. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી ઓળખ મેળવવા સહિતની તપાસ હાથ ધરી છે 
(ભરત વ્યાસ, ભાવનગર)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી