સુવિધા:બે વિશાળ પીએસએ ઓક્સિજન પ્લાન્ટ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે સ્થપાશે

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કરોડોના ખર્ચે દીનદયાલ પોર્ટ દ્વારા ઓક્સિજન પ્લાન્ટ જુલાઈ સુધીમાં કાર્યરત થશે

કોરોના મહામારીના સેકન્ડ વેવમાં ઓક્સિજનની ઉભી થયેલી જરૂરિયાત અને ત્રીજી લહેરની નિષ્ણાતો દ્વારા વ્યક્ત થયેલી શક્યતાઓની પૂર્વ તૈયારીના ભાગરૂપે અને ભાવનગરના મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રકચરને મજબૂત કરવાં માટે, કેન્દ્રીય પોર્ટસ, શિપિંગ અને વોટરવેઝ (સ્વ.હ.), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી મનસુખ માંડવિયાએ બે વિશાળ કદના પીએસએ ટેક્નોલોજી આધારિત ઓક્સિજન પ્લાન્ટ બનાવા માટેની જાહેરાત કરી હતી. આ જાહેરાત સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા યોજાયેલા વેબિનારમાં કરવામાં આવી હતી.

1000 લિટર પ્રતિ મિનિટની ક્ષમતાવાળા બે ઓક્સિજન પ્લાન્ટ હશે

વિશાળ કદના બે ઓક્સિજન પ્લાન્ટ ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે સ્થપાશે. આ બંને પ્લાન્ટ દીનદયાલ પોર્ટ(કંડલાપોર્ટ) દ્વારા રૂ. 2.5 - 3 કરોડના ખર્ચે સ્થપાશે. અને જુલાઈ સુધીમાં કાર્યરત થશે. 1000 લિટર પ્રતિ મિનિટની ક્ષમતાવાળા બે ઓક્સિજન પ્લાન્ટ હોવાથી કુલ 2000 LPMની ક્ષમતા સર ટી. હોસ્પિટલ ખાતે કાર્યરત થશે. સર ટી. હોસ્પિટલમાં ઉભી કરાયેલી આ સુવિધાનો લાભ ભાવનગર ઉપરાંત બોટાદ, અમરેલી વગેરે જિલ્લાઓને પણ મળશે.

જળ પરિવહનની યોજનાના શુભારંભ અંગે સંકેતો આપ્યા

ભાવનગરના વિકાસના કાર્યોને લઇને આગળ ચર્ચા કરતા મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, “હવે ભાવનગરના ઘોઘાથી સુરતના હઝીરા સુધી ઝડપથી પહોંચવા માટે સ્પીડવાળું રોપેક્સ (રોલઓન-રોલઑફ) વેસલ શરૂ કરાશે,” આ ઉપરાંત ભાવનગરના ઘોઘાથી મુંબઈ જવા માટે જળ પરિવહનની યોજનાના શુભારંભ અંગે પણ સંકેતો આપ્યા હતા.

વિકાસના કાર્યો અંગે વિસ્તૃત ચર્ચા થઇ

આ યોજનાની શરૂઆતથી ધંધા-રોજગારના ઘણા વિકલ્પો અને તકો ઉભી થશે. ભાવનગરને કન્ટેનર મેનુફેક્ચરિંગનું હબ બનાવા માટે કાર્યોની ચર્ચાની સાથે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ પણ બને એ માટેના પ્રયત્નોની ચર્ચા થઇ હતી. કોરોના મહામારીમાં સરકાર અને સમાજની ભૂમિકા અંગે ચર્ચા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કૉમર્સ દ્વારા યોજાયેલા આ વેબિનારમાં થઇ હતી. અને સાથે-સાથે ભાવનગરના વિકાસના કાર્યો અંગે પણ વિસ્તૃત ચર્ચા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...