અષાઢી મહેર:મહુવામાં બે અને ગારિયાધારમાં એક ઇંચ વરસાદ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શેત્રુંજય ડેમની સપાટી વધીને 24.6 ફૂટ થઈ

ભાવનગર જિલ્લામાં આજે મહુવામાં બે ઇંચ અને ગારિયાધારમાં એક ઇંચ વરસાદ વરસી ગયો હતો જ્યારે પાલિતાણા, ભાવનગર અને સિહોરમાં હળવા ભારે ઝાપટાં વર્ષા હતા. અમરેલીનો ખોડીયાર ડેમ 70 ટકા ભરાઈ જતાં પાલિતાણા અને ગારિયાધાર તાલુકાના ગામોને સતર્ક રહેવા સૂચના અપાઈ છે.

ભાવનગર જિલ્લામાં આ ચોમાસામાં આજે સાંજ સુધીમાં કુલ વરસાદ 220 મીલીમીટર થઈ ગયો છે. જે સિઝનના કુલ વરસાદ 617 મિલી મીટરના 35.90 ટકા થાય છે. શેત્રુંજી ડેમની સપાટી આજે પાંચ ઇંચ વધીને 24.6 ફુટ થઈ છે. આજે જિલ્લાના અન્ય જળાશયોમાં પણ પાણીની આવક થઈ હતી. હવે તારીખ 14 અને 15 જુલાઈ, ગુરૂવાર અને શુક્રવાર, બે દિવસ વરસાદ માટે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયો હોય ભારે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર દ્વારા સતર્કતાના પગલાં લેવાયા છે.

આજે મહુવામાં આજે 54 મી.મી.(2ઇંચ) વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ 432 મી.મી. (17.5 ઇંચ) થવા જાય છે. જે મહુવાના સીઝનના કુલ વરસાદના 66.62 ટકા થઈ ગયો છે. હાલ ડેમ/બંધારાની સપાટીમાં સારો એવો વધારો જોવા મળી રહ્યોં છે. માલણ ડેમ 25 ફુટ(34 ફુટ), રોજકી ડેમ 23 ફુટ (32.5 ફુટ), બગડ ડેમ 16.16 ફુટ(2 સે.મી.ઓવરફ્લો), નિકોલ બંધારો 9.84 ફુટ(16.56 ફુટ), માલણ બંધારો 9.84 ફુટ (13.94 ફુટ)એ પહોચેલ છે.(કૌંસમાં દર્શાવેલ આંકડા છલક સપાટીના છે.). આજે ગારિયાધાર પંથકમાં એક ઇંચ વરસાદ, પાલિતાણામાં 10 મીમી, ભાવનગરમાં 6 મીલીમીટર અને સિહોરમાં 5 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

ખોડિયાર ડેમ 70% ભરાઈ ગયો, ગારિયાધાર અને પાલીતાણા તાલુકાના ગામોને સતર્ક રહેવા તાકીદ
અમરેલી જિલ્લાના ધારી ગામ પાસે શેત્રુંજી નદી ઉપર આવેલા અને પાલિતાણાના શેત્રુંજી ડેમની ઉપર વાસના ખોડિયાર ડેમમાં પાણીની સતત આવકથી આ ડેમ 70% થી વધુ ભરાઈ ગયો છે. આથી આ ડેમ હેઠળના વિસ્તારોમાં પાણી છોડવામાં આવે ત્યારે અમરેલી, ધારી, લીલીયા, સાવરકુંડલા, ગારિયાધાર અને પાલિતાણા તાલુકાના ગામોને અસર થવાની શક્યતા છે.

આથી જ્યારે ખોડીયાર ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં કે કાંઠાના વિસ્તારમાં કોઈએ અવરજવર કરવી નહીં તેમ તાકીદ કરવામાં આવી છે. ખોડિયાર ડેમ પૂર્ણ સપાટીએ ભરાય અને તેમાંથી પાણી છોડવામાં આવે ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સરંભડા, ગુજરડા, જૂના, મનાજી, રાણી ગામ, સતાપરા અને ઠાસા તેમજ પાલિતાણા તાલુકાના ચોક, ડુંગરપુર, હાથસણી, જાળીયા મનાજી, જીવાપુર, રાણપરડા અને રોહીશાળા ગામના લોકોને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.

જિલ્લાના જળાશયોમાં આવક
આજે હણોલ જળાશયમાં 106 ક્યુસેક પાણીની આવક શરૂ હતી જ્યારે છલકાયેલા બગડ ડેમમાં 53 ક્યુસેક પાણીની આવક સામે 53 ક્યુસેક પાણીની જાવક શરૂ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...