ઝાપટા:મહુવામાં બે, તળાજામાં એક ઇંચ અષાઢી મેઘ મહેર

ભાવનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનરાધાર વરસાદની હજી ભાવનગર જિલ્લાને રાહ : તાલુકામાં હળવા ઝાપટા

અષાઢ માસના બીજા પખવાડિયાનો આજથી આરંભ થયો છે ત્યારે સમગ્ર ગોહિલવાડ પંથકમાં આજે પણ હળવા ભારે વરસાદી ઝાપટાથી લઇને બે ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. જોકે સમગ્ર પંથકમાં હજી અષાઢી અનરાધાર મેઘમહેરની રાહ જોવાઇ રહી છે. આજે મહુવા પંથકમાં બે ઇંચ અને તળાજામાં એક ઇંચ વરસાદ વહેલી સવારે વરસી ગયો હતો. ગારિયાધારમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. આજે મહુવા શહેરમાં આજે સાંજ સુધીમાં 45 મીમી(2 ઇંચ) વરસાદ પડેલ છે. અગાઉનો 218 મીમી મળી મૌસમનો કુલ વરસાદ 263 (10.5 ઇંચ) મીમી વરસાદ થવા જાય છે. આમ 24 કલાકમાં મહુવામાં 3.5 ઇંચ વરસાદ પડેલ છે.  

તળાજામાં આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી મેઘરાજાએ મન મૂકીને ધોધમાર વરસીને એકાદ કલાકમાં અંદાજિત એક ઇંચ જેટલુ  પાણી પડતા વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઇ હતી. તેમજ દિવસ દરમિયાન છાયા વાતાવરણ વચ્ચે વારંવાર ઝરમર વર્ષા થઈ હતી.  તળાજા ઉપરાંત  આજુબાજુના  ગામડાઓમાં પણ આ જ પ્રમાણે અનરાધાર વરસાદ થતાં ખાસ કરીને તમામ પ્રકારના ખેતીપાકોને માટે સમયસર અને અમૃત સમાન વર્ષા થઇ છે. ભાવનગર જિલ્લામાં આજે સાંજ સુધીમાં ઉમરાળામાં 4 મી.મી., ગારિયાધારમાં 11 મી.મી., ઘોઘામાં 4 મી.મી., જેસરમાં 8 મી.મી., પાલિતાણામાં 2 મી.મી., ભાવનગર શહેરમાં 2 મી.મી., વલ્લભીપુરમાં 4 મી.મી. અને સિહોરમાં 3 મી.મી. વરસાદ વરસી ગયો છે. ઉનામાં ચાર ઈચ વરસાદ : ઉના શહેર તથા ગ્રામ્ય પંથકમાં 24 કલાકમાં ચાર ઈંચ વરસાદ વરસી ગયો છે જ્યારે ગીરગઢડામાં બે તથા ગ્રામ્ય જંગલ વિસ્તારમાં ૨૪ કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસી જતા નદી અને નાળા છલકાયા છે.

રાજુલામાં ધોધમાર વરસાદ: રાજુલામાં બે દિવસ પહેલા 214 મી. મી અને છેલ્લા બે દિવસ માં 40 મી. મી. નોંધાતા એટલે કે કુલ 10 ઇંચ ઉપર વરસાદ પડી ગયો છે દર વર્ષે સરેરાશ 25 ઇંચ વરસાદ પડતો હોય છે. રાજુલા ના ધાતરવડી ડેમ નઁ 1અને ધાતરવડી ડેમ નં. 2 છલો છલ ભરાઈ ગયા છે જેથી રાજુલા અને જાફરાબાદ ને પીવાનું પાણી ની ચિંતા રહેશે નહીં તેમજ ખેડૂતો ને ડેમ 1 માંથી સિંચાઈ માટે પણ પુરું પાણી મળી રહેશે .

વેજોદરીમાં ગોઠણડૂબ પાણી ભરાયા
તળાજા તાલુકાના વેજોદરી ગામને વરસાદે પાણી પાણી કરી નાખ્યું છે. આખા ગામમાં ગટર વ્યવસ્થા ન હોવાથી ગામના મુખ્ય રસ્તાઓ અને ગામ પંચાયતની શેરીઓમાં ગોઠણ સુધી પાણી જોવા મળી રહ્યું છે. થોડો પણ વરસાદ આવે છે. ત્યારે આવી દર વખતે મુશ્કેલીઓ ગામ લોકોને પડતી હોય છે. પણ આનુ કોઈ જાતનું નિરાકરણ કરવામાં આવતું નથી. તેનાથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધારે થતો હોય છે. પણ ગ્રામ પંચાયત દ્વારા આંખ આડા કાન કરી દેવામાં આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...