ડૂબી જતા મોત:ભાવનગરના થોરાળીના તળાવમાં નાવ પલટી જતા બે વનકર્મીઓ ડૂબ્યા, એકની લાશ મળી, એક લાપત્તા

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વ્યકિતઓને તરતા આવડતું હોય સલામત રીતે કાંઠા પર પહોંચ્યા
  • ફાયરબ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના થોરાળી ગામે તળાવમાં નાની હોડી પલટી જતા એક વનકર્મીનું મોત નિપજ્યું છે તો એક વનકર્મી લાપત્તા બનતા તેની શોધખોળ હાથ ધરવામા આવી છે. અકસ્માતમાં બે વ્યકિતને તરતા આવડતું હોય તેઓ સલામત રીતે તરીને કિનારા પર પહોંચી જતા બચાવ થયો હતો.

સમગ્ર ઘટના અંગે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા મગન જગા મકવાણા તથા મેરામ દાસુભાઈ વાઘોશી તથા હરેશ ભાણા નાગસ અને હોડી માલિક તથા થોરાળી ના પૂર્વ સરપંચ શ્યામજી ભાણા ડાભી ગઈ કાલે બપોરે ગામનાં તળાવમાં હોડી લઈને ઉતર્યા હતાં. જેમાં તળાવ મધ્યે પહોંચતા હોડી અચાનક પલ્ટી જતાં ચારેય વ્યક્તિ પાણી માં ડૂબવા લાગ્યાં હતાં. પરંતુ હરેશ તથા શ્યામજી ને તરતા આવડતું હોય આ બંને શખ્સો તરીને કાઠે પહોંચી ગયા હતા. પરંતુ મગન તથા મેરામણ ઊંડા પાણી માં ગરકાવ થઈ જતાં સિહોર પાલિતાણા તથા તળાજા ફાયરબ્રિગેડનો સ્ટાફ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી પરંતુ અંધારું થઈ જતાં કામગીરી અટકાવાઈ હતી.

આજે વહેલી સવારે ફરી બંને હતભાગીઓની તપાસ શરૂ કરી હતી પરંતુ સફળતા ન મળતાં ભાવનગર ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘોઘાના કુશળ તરવૈયાઓ સાથે પહોંચી ગયા હતા અને સઘન શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડી સાંજે મગન જગા મકવાણાની લાશ મળી આવતાં પોલીસે લાશનો કબ્જો લઈ પીએમ માટે હોસ્પિટલમાં મોકલી હતી. જ્યારે મેરાન દાસુભાઈ વાઘોશીનો હજી સુધી કોઈ પત્તો ના લાગતા શોધખોળ યથાવત રાખવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...