કાર્યવાહી:ઓછી વેચાણ કિંમત દર્શાવીને કરચોરી કરતી બે પેઢીઓ ઝપટે

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરમાં ડાયરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ) અને સ્ટેટ જીએસટીના સંયુક્ત દરોડા બાદની કામગીરી આગળ ધપાવવામાં આવી છે. અને બે પેઢીઓ દ્વારા ઓછી વેચાણ કિંમત દર્શાવી અને જીએસટી સાથે ચેડા કરવામાં આવી રહ્યા હતા તેઓની પાસેથી 74 લાખની વેરા વસુલાત કરવામાં આવી છે.

તાજેતરમાં સંયુક્ત દરોડા દરમિયાન સ્ટેટ જીએસટીની ટુકડીઓ દ્વારા જે 15 પેઢીઓમાં કામગીરી કરવામાં આવી હતી તે પૈકી 10માં બોગસ બિલિંગ અને ગેરરીતિઓ મળી આવી હતી. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 16 પેઢીઓમાં તપાસ કરવામાં આવી હતી તે પૈકી 11માં ગેરરીતિઓ જણાઇ આવી હતી અને આવી પેઢીઓ બોગસ હોવાનું જણાઇ આવ્યુ હતુ.

11 પેઢીઓમાંથી 712.04 કરોડના બિલ ખોટી રીતે ઇશ્યુ કરવામાં આવ્યા હોય અને તે પૈકીની 128.16 કરોડની ખોટી વેરાશાખ મેળવવામાં આવી હોવાનુ અને અન્ય વેપારીઓને તબદીલ કરી હોવાનું ખુલ્યુ હતુ. જે પાંચ પેઢીઓ પર સ્ટેટ જીએસટીની કાર્યવાહી ચાલી રહી હતી તે પૈકી બે પેઢીઓમાં માલના વાસ્તવિક મુલ્યથી ઓછી વેચાણ કિંમતના બિલો બનાવી જીએસટી ઓછો ભરવામાં આવી રહ્યો હોવાનું સપાટી પર આવ્યુ હતુ. જો કે આ બંને પેઢીઓ દ્વારા 74 લાખ રૂપિયા વેરા વસુલાત પેટે ભરી દીધા હતા. જ્યારે વધુ 3 પેઢીઓમાં કામગીરી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...