ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પાલડી ગામમાં તળાવમાં ન્હાવા પડેલા 2 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. જેથી ગામમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને બાળકોના મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડવામાં આવ્યાં છે.
ઘટનાની જાણ થતાં લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં
ગારિયાધાર તાલુકાના પાલડી ગામમાં રહેતાં યુગ રાજુભાઈ બારડ (ઉં.વ.14) અને નયન મુકેશભાઈ હરિયાણી (ઉં.વ.12) નામના બે બાળકો ન્હાવા માટે તળાવમાં પડ્યા હતા. ત્યારે બંને બાળકો ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થળ પર દોડી આવ્યાં હતા અને તરવૈયાઓની મદદથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે બંને મૃતદેહને પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરી
ઘટનાની જાણ થતાં પોલીસ અને 108 સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સ્થાનિક તરવૈયાઓની શોધખોળ બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતાં. નાના એવાં પાલડી ગામમાં બે બાળકોના ડૂબી જવાથી મોત થતાં ગમગીની પ્રસરી ગઈ છે. હાલ તો પોલીસે બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
(ભરત વ્યાસ-ભાવનગર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.