વિશેષ:વિશ્વમાં જેના 48 કેસ નોંધાયા છે તેવી બે આંતરડાની સર્જરી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9 વર્ષના બાળકને જન્મથી થયેલ આંતરડામાં ગાંઠની તકલીફનું નિરાકરણ, 6×7 સેમીની ગાંઠ નીકળી

ભાવનગર ની સર.ટી. હોસ્પિટલ ખાતે વિશ્વમાં ફક્ત 48 જેટલા કિસ્સા નોંધાયેલા છે તેવી એક અલગ પ્રકારની સર્જરી સફળતા પૂર્વક પાર પાડવામાં આવી છે. સર.ટી. ખાતે 9 વર્ષનો એક દર્દી પેટમાં દુખાવા અને ઉલટીની ફરિયાદ સાથે દાખલ થયો હતો. ડોકટરોની ટીમ દ્વારા તપાસ અને નિદાન કરતા માલુમ પડ્યું કે તેને સીકલ ડુપ્લિકેશન સિસ્ટ નામની તકલીફ છે. સાદી ભાષા માં કહીએ તો આંતરડાનો ભાગ જનમથી બેવડો હોવો. દર્દીનું ઓપરેશન કરીને વધારાનો ભાગ કાઢવામાં આવ્યો હતો.

આ પ્રકારની તકલીફ એ ગર્ભમાં આંતરડાના વિકાસમાં ખામી નાં કારણે પેદા થાય છે. સામાન્યતઃ શરૂના વર્ષોમા કંઈકને કઈક તકલીફ ઊભી થાય છે જેના કારણે તે ધ્યાનમાં આવે છે. જ્યારે ઘણા બાળકોમાં ઘણા વર્ષો સુધી તકલીફ થતી નથી. આંતરડાનો બેવડાયેલો ભાગ ગાંઠ સ્વરૂપે આંતરડા સાથે ચોટેલો રહે છે. આ બાળકના કિસ્સામાં પણ સર્જરી વિભાગ દ્વારા શસ્ત્ર ક્રિયા કરવાની જરૂરત જણાઈ હતી. આ ઓપરેશનમાં એક જવલ્લે જોવા મળતી તકલીફ દેખાઈ આવી જેમાં મોટાં આંતરડાનો શરૂનો ભાગ કે જેને સીકમ કહેવાય છે એમાં 6×7 સે.મી.ની ગાંઠ નીકળી જે જન્મથી એક આંતરડામાં રહેલી બીજા આંતરડાની જ ગાંઠ હતી.

ત્રણ કલાક ચાલેલા આ ઓપરેશનમાં આ ગાંઠ સહિતનો આજુબાજુનો આંતરડાનો ભાગ કાપી નાના આંતરડા અને મોટાં આંતરડા સાથે જોડવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સર ટી હોસ્પિટલમા સર્જરી વિભાગના હેડ ડૉ. સમીર શાહના માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા વર્ષોથી સર્જરી ડીપાર્ટમેન્ટમા આવા ઘણા અઘરા અને જવલ્લે જોવા મળતા ઓપરેશન થઈ રહ્યા છે.

ડૉ. સમીર શાહ નાં માર્ગદર્શન હેઠળ ડૉ. સ્મિત મહેતા અને ડૉ. ફિરદૌસ દેખૈયાની ટીમ દ્વારા આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ પ્રકારની તકલીફ નાં કિસ્સાઓ માં મોટાભાગે જન્મ નાં પહેલાં વર્ષ માં જ બાળકની તકલીફ વિશે ખબર પડી જતી હોય છે. આ તકલીફ વિશે જેટલું મોડું ખબર પડે તેટલી જીવવાની શક્યતાઓ ઘટી જતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...