ભાવનગરમાં ગુરુવારે અઢી વર્ષ બાદ સ્વાઇન ફ્લૂ નો કેસ નોંધાયો છે. આનંદનગર નાં 33 વર્ષ નાં યુવાન ને આ સંક્રમણ બાદ બજરંગદાસ બાપા આરોગ્ય ધામ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. દરદીની તબિયત સુધારતા શનિવારે બપોરે તેમને રજા આપવામાં આવી છે. ત્યારે સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ સ્વાઇન ફૂલ સૌથી પ્રચલિત વેરિયન્ટ નાં લીધે થયો નહોતો. સ્વાઇન ફ્લૂ નાં એચ 3 એન 2 વેરિયન્ટ નાં લીધે સ્વાઇન ફ્લૂ થયો હતો. ત્યારે જો વાઈરસની સાયકલ શરૂ થઈ ગઈ છે તો નજીકના ભવિષ્યમાં બીજા કેસ આવવાની શક્યતા છે.
ભાવનગર માં સ્વાઇન ફ્લૂ નો પ્રથમ કેસ 2015 માં આવ્યો હતો. ત્યાર પછીથી કુલ 350 વ્યક્તિઓ ભાવનગર માં સ્વાઇન ફ્લૂનો શિકાર બન્યા છે. હાલમાં એવી ઋતુ ચાલી રહી છે કે મોટાભાગે નાં લોકોને ગળા માં દુખાવો, શરદી, તાવ, ઠંડી લાગવી, શરીર નાં અને સાંધા માં દુખાવા નાં લક્ષણો જોવા મળી રહ્યા છે. આ તમામ વ્યક્તિઓને જો લક્ષણો 3 દિવસથી વધારે દેખાય તો ફ્લૂ માટે કે કોરોના માટે ટેસ્ટ કરાવવાની ડોકટરો દ્વારા સલાહ આપવામાં આવી છે.
સ્વાઇન ફ્લૂ ખૂબ ઘાતક સંક્રમણ નથી છતાં સાવચેતી જરૂરી છે. આમ કોરોનાનો કહેર શાંત થયો છે ત્યારે સ્વાઈન ફ્લૂનો કેસ મળી આવ્યો છે.
દર વર્ષે આ વાઇરસ પોતાનું જનીન બદલે છે
અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂનાં અંદાજે 6 થી 8 વેરિયન્ટ જોવા મળ્યા છે. જેમાંથી એચ 1 એન 1 સૌથી કોમન છે. મોટાભાગનાં લોકોને સ્વાઇન ફ્લૂનું આ પ્રકારનું સંક્રમણ જ થાય છે. તમામ વેરિયન્ટ સ્વાઇન ફ્લૂની ફેમિલીમાંથી જ આવે છે. દર વર્ષે આ ફ્લૂનો વાઇરસ પોતાનું જીન એટલેકે જનીન બદલે છે. જેથી તેને દર વખતે નવી રીતે ઓળખવો પડે છે. પરંતુ અત્યારે તેને ખૂબ ઘાતક ગણવામાં આવતો નથી. ભાવનગરમાં પણ આ સમયે સ્વાઇન ફ્લૂનાં કેસ નોંધાતા જ હોય છે. આમ આ વાઈરસ પોતાનું જનીન બદલે છે. - ડો.દર્શન શુકલા, ક્રિટીકલ કેર સ્પેશયાલિસ્ટ, બજરંગદાસ હોસ્પિટલ
એક સમયે સ્વાઇન ફ્લૂ પણ પેન્ડેમીક ગણવામાં આવતો
ભાવનગર માં અઢી વર્ષ બાદ કેસ નોંધાયો તે સાચું પરંતુ ઘણા કેસ ટેસ્ટ ન થવાના લીધે પણ બહાર આવતા નથી. આ સીઝન માં લોકોને કફ, શરદી અને ગળાના દુખાવા ની તકલીફો રહે છે પરંતુ જ્યાં સુધી ટેસ્ટ ન કરાવવવામાં આવે ત્યાં સુધી ખબર ન પડે કે ક્યો ફ્લૂ છે. એકસમયે સ્વાઇન ફ્લૂ પણ પેન્ડેમીક ગણવામાં આવતો હતો. પરંતુ હવે તે ખતરનાક નથી રહ્યો. જોકે કોઈ પણ વાઇરસ ની એક સાયકલ હોય છે માટે જો અઢી વર્ષ બાદ આ સાયકલ પણ શરૂ થઈ છે તો વધારે સ્વાઇન ફ્લૂ નાં કેસ આવવાની શક્યતાઓ નકારી શકાય નહી. - ડો.વિજય કાપડીયા, એપિડેમિક મેડિકલ ઓફિસર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.