હવામાન:ભાવનગરમાં ભાદરવાના અંતે ખરો તડકો : બપોરે તાપમાન 35.1 ડિગ્રી

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આસોની પૂર્વ સંધ્યાએ ગરમી ઘટવાને બદલે વધી

ભાવનગર શહેરમાં ભાદરવાના આરંભથી સતત વરસાદી માહોલ છવાયેલો રહેતા તડકો રંગ જમાવી શક્યો ન હતો પણ આજે ભાદરવાના આખરી દિવસે શહેરમાં મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેન્ટીગ્રેડને વટાવી જતા ભાદરવાના અંતિમ દિવસે ભાદરવાનો ખરા અકળાવનારા તાપનો અનુભવ ભાવેણાવાસીઓને થયો હતો. સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ 63 ટકા હોય બપોરે બફારો અસહ્ય થયો હતો.

ભાવનગર શહેરમાં ગઇ કાલે મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ તે આજે બપોર સૂર્યપ્રકાશ જામતા 1.9 ડિગ્રી સેન્ટીગ્રેડ વધીને 35.1 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયું છે. એટલે કે મહત્તમ તાપમાનમાં 1.9 ડિગ્રી સેન્ટીગ્રેડનો વધારો નોંધાયો હતો. જ્યારે શહેરમાં રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાનનો આંક 24 કલાક અગાઉ 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતો તે આજે વધીને 26.3 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયો છે. ખાસ તો આજે બપોરે નગરજનોએ તાપ સાથે બફારો ભળતા અસહ્ય અકળામણ અનુભવી હતી. શહેરમાં આજે હવામાં ભેજનું પ્રમાણ 63 ટકા નોંધાયું હતુ જ્યારે પવનની ઝડપ વધીને 8 કિલોમીટર નોંધાઇ હતી. આમ આવતી કાલથી આસો માસનો આરંભ થઇ રહ્યો છે ત્યારે ગરમી ઘટવાને બદલે વધી હતી.

આ વર્ષે ભાદરવા માસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ રહ્યું હતું. ગત અઠવાડીયે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન વધીને માત્ર 26.6 ડિગ્રી રહયું હતું જેથી ભાદરવાની ગરમીને બદલે બપોરે આસો માસ જેવો માહોલ અનુભવાયો હતો.

ભાવનગર શહેરમાં ભાદરવા માસના વિક્રમજનક વરસાદ વરસ્યો છે ત્યારે હવે વરસાદના વિરામથી ગરમીમાં બે દિવસથી વધારો થઈ રહ્યો છે. જેમાં આજે તાપમાન 35.1 ડિગ્રી નોંધાયું હતું.

અન્ય સમાચારો પણ છે...