સર્કલો ઉજ્જડ બન્યા:ઉદ્યોગને દતક અપાયેલા ડીવાઈડરમાં પૂર્વ ધારાસભ્યની ગ્રાંટના ટ્રી ગાર્ડ લગાવાયા

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગપતિઓ અને કોર્પો.ની કુંડળી જામતી નથી એટલે બગીચા, સર્કલો ઉજ્જડ બન્યા છે

ભાવનગર કોર્પોરેશનમાં ડિવાઇડર અને સર્કલને દત્તક આપવાનું રાજકારણ પણ અઘરું છે. શિશુવિહાર સર્કલની જાળવણી નહીં કરનાર સુમિટોમા કેમિકલ ઇન્ડિયા લિમિટેડને મહિલા કોલેજ સર્કલથી દીપક ચોક સર્કલ સુધીના ડિવાઈડરને જાળવણી માટે દત્તક આપ્યું પરંતુ તે દતક અપાયેલા ડિવાઇડરમાં પૂર્વ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 75 પિંજરા મુક્યા છે. પૂર્વ ધારાસભ્યનો કાર્યકાળ પૂર્ણ થયાના ત્રણ મહિના બાદ અગાઉ મંજૂર થયેલી તેની ગ્રાન્ટમાંથી 75 પિંજરા મુકાયા જ્યારે દત્તકની મંજૂરી ગત 24મી ફેબ્રુઆરીએ આપી છે. જેથી અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. ઉદ્યોગપતિઓ અને કોર્પો.ની કુંડળી જામતી નથી એટલે બગીચા, સર્કલો ઉજ્જડ બન્યા છે. ઉદ્યોગને દતક અપાયેલા ડીવાઈડરમાં પૂર્વ ધારાસભ્યની ગ્રાંટના ટ્રી ગાર્ડ લગાવાયા.

કોર્પોરેશન દ્વારા મોટા ઉપાડે સર્કલો અને ડિવાઇડરો જુદી જુદી સંસ્થાઓને ડેવલોપમેન્ટ માટે દત્તક આપે છે. પરંતુ શહેરમાં અનેક બાગ બગીચા અને ડિવાઇડરો દત્તક લેનાર સંસ્થા દ્વારા જાળવણી નહીં કરાતા બદ્તર હાલત થઈ છે. દતક રાખેલી સંસ્થાઓ દ્વારા બેદરકારી દાખવાતા સંસ્થા પ્રત્યે સહાનુભૂતિમાં પણ કોર્પોરેશનના શાસકો દ્વારા બેધારી નીતિ અપનાવાય છે. શિશુવિહાર સર્કલની જાળવણી નહીં કરી શકતા સુમિટોમા કેમિકલ ઇન્ડિયા લિમિટેડ પાસેથી સર્કલ પરત લઈ મહિલા કોલેજ સર્કલથી દિપક ચોક સર્કલ સુધીના ડિવાઇડરને જાળવણી માટે દત્તક આપ્યું છે. જ્યારે બીજી તરફ વર્ષોથી જાળવણીના અભાવે ખંડેર હાલતમાં બની ગયેલા મહિલા કોલેજ સર્કલને સંસ્થા પાસેથી કોર્પોરેશન પરત લઈ શકતું નથી.

કોર્પોરેશન દ્વારા તાજેતરમાં જ મહિલા કોલેજ સર્કલથી દિપક ચોક સર્કલ સુધી નવો રોડ અને ડિવાઈડર બનાવ્યું. ડિવાઈડરમાં કોર્પોરેશન દ્વારા અંદાજે બે લાખના ખર્ચે માટી કામ કર્યું અને પૂર્વ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 75 ટ્રી ગાર્ડ પણ મુકાયા છે. જેથી હવે દત્તક લેનાર સંસ્થાએ માત્ર જાળવણી જ કરવાની રહેશે. તંત્રના જણાવ્યા અનુસાર ધારાસભ્ય ગ્રાન્ટ અગાઉથી જ લોકેશન પ્રમાણે ટ્રી ગાર્ડ માટે ગ્રાન્ટની ફાળવણી કરી હોય છે. ધારાસભ્યનો કાર્યકાળ પૂર્ણ થયાને પણ ત્રણ મહિના થયા. ડિવાઇડરનું કામ પણ અગાઉ મંજૂર થયેલું હોય છે ત્યારે મહિલા કોલેજ સર્કલથી દીપક ચોક સુધી ડિવાઈડરને જાળવણી કરવા દત્તક આપવાની ગત 24મી ફેબ્રુઆરીએ સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી. તેથી આ વિવાદ વધુને વધુ વકરતો જાય છે.

ઘોઘાસર્કલ અને સરદારનગર સર્કલની પણ અવદશા
ભાવનગર મહાનગરપાલિકાના ઘણા સર્કલો દત્તક આપ્યા બાદ તેની જાળવણી નહીં કરાતા ઉજ્જડ બની ગયા છે. દત્તક લેનાર સંસ્થાઓની ગંભીર બેદરકારીને કારણે બાગ બગીચાઓની અવદશા થયા બાદ કોર્પોરેશન દ્વારા પણ તેની ગંભીરતા લેવામાં આવતી નથી. તેનુ તાદ્રશ્ય ઉદાહરણ શહેરના ઘોઘાસર્કલ અને સરદારનગર સર્કલ છે. બંને સર્કલ વર્ષોથી બિસ્માર હાલતમાં પડ્યા છે. શહેરની મધ્યમાં આવેલા ઉજ્જડ બની ગયેલા સર્કલો પ્રત્યે તંત્ર તો ઠીક પરંતુ શાસકો પણ ગંભીરતા લેતા નથી. બીજી તરફ બ્યુટીફિકેશનના નામે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી રહી છે. જે છે તેને સાચવી શકતા નથી અને અન્ય ડેવલોપ કરવા તરફ જઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...