ચકાસણી:શ્રોફ, આંગડીયા, બેંકમાં થતા વ્યવહારોની ચકાસણી કરાશે

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાંથી મોટી રકમના રોકડ વ્યવહારોની શંકા
  • તંત્ર દ્વારા પકડાયેલા 6 લેપટોપની અંદર રહેલી માહિતીને કારણે અનેક ભેજાબાજો ઝડપાશે

ભાવનગરમાંથી આર્થિક ગુન્હા નિવારણ શાખા, ક્રાઇમ બ્રાંચ સુરત દ્વારા જીએસટી કરચોરી, ગેરરીતિ સંબંધિત પાડવામાં આવેલા દરોડામાં પકડાયેલા 6 લેપટોપમાંથી મોટા પ્રમાણમાં શ્રોફ, અાંગડીયા, બેંકના વ્યવહારોની ડીટેલ્સ મળી આવી છે. અને તેના આધારે હવે તપાસ શરૂ કરવામાં આવી છે.

ભાવનગરમાં દરોડા દરમિયાન બાંગ્લા ગ્રુપના એકાઉન્ટ સંબંધિત વ્યવહારો સંભાળનારા ફૈસલ ખોલીયા પાસેથી મળી આવેલા 6 લેપટોપમાં રોકડના આર્થિક વ્યવહારોની જે માહિતી મળી આવી આવી છે તેના આધારે વધુ તપાસ ચાલી રહી છે. ભાવનગરમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા શ્રોફ નિકુંજની પુછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અન્ય 3 શ્રોફની પણ ભાળ મેળવવા માટે તંત્ર આકાશ પાતાળ એક કરી રહ્યું છે. ઉપરાંત બોગસ પેઢીઓમાંથી આંગડીયામાં થઇ રહેલા રોકડ વ્યવહારો, બેંકમાંથી થતા આર્થિક વ્યવહારોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

ક્રાઇમ બ્રાંચના અધિકારીઓ ઉસ્માન ફતાણી બાંગ્લાને પકડવા માટે વીઆઇપી, વડવા નેરા સહિતના સ્થળોએ સતત આંટા-ફેરા કરી રહી છે. તેઓના મતે આ કૌભાંડમાં ઉસ્માન ફતાણી મહત્વનું પાત્ર છે, અને તે મળી આવ્યા બાદ અનેક ભેદ પરથી પડદા ઉંચકાશે. દરમિયાન ફૈસલ ખોલીયાના પકડાયેલા લેપટોપને કારણે ભાવનગરમાં જીએસટી ગેરરીતિ સાથે સંકળાયેલા લોકોમાં સન્નાટો છવાઇ ગયો છે. ભાવનગર જીએસટીના બોગસ બિલિંગનું પિયર બની ગયું હોય તેમ એક પછી એક કૌભાંડો બહાર આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...