પરંપરા:આજે વિક્રમ સંવત 2078નો પ્રથમ ગુરૂ પુષ્યામૃત યોગ

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોતરફ લગ્ન સિઝન જામેલી હોય સોના-ચાંદી અને અન્ય વસ્તુઓની બજારોમાં ખરીદીની ધૂમ

દિવાળી પછી શરૂ થયેલા વિક્રમ સંવત 2078ના વર્ષનો પ્રથમ અને ઇ.સ.2021ના અંતિમ ગુરૂપુષ્યામૃત યોગ આવતી કાલ તા.25 નવેમ્બરને ગુરૂવારે આવતો હોય વિવિધ ખરીદી માટે આ દિવસે અમૃતસિદ્ધિ અને સર્વાર્થસિદ્ધિ યોગ રહેશે. આ શુભ યોગમાં કરવામાં આવતું રોકાણ ફાયદો આપે છે, સાથે જ આ દરમિયાન કરવામાં આવતી ખરીદી સ્થાયી અને શુભફળ આપનારી હોય છે. આ દિવસ રિયલ એસ્ટેટમાં રોકાણ, નવા કામની શરૂઆત, વાહન, ઘરેણાં, કપડાં અને અન્ય વસ્તુની ખરીદી માટે શુભ રહેશે. હાલ ચોતરફ લગ્ન સિઝન જામેલી હોય સોન-ચાંદી અને ગુહઉપયોગી ચીજ અને કપડા વિગેરેની ખરીદીમાં ભાવનગરની બજારમાં ધૂમ રહેશે. ભાવનગરમાં આ યોગ સવારે 10.49થી સાંજના 6.55 સુધી રહે છે.

તા.25 નવેમ્બરે ગુરૂ પુષ્યામૃત યોગ છે ત્યારે દીક્ષા અને વિવાહ સિવાય દરેક કાર્ય માટે આ નક્ષત્ર અત્યંત સિદ્ધિદાયક ગણાય છે તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોષીએ જણાવ્યું છે. શાસ્ત્રમાં પુષ્ય નક્ષત્ર વિવાહ માટેનું નક્ષત્ર ગણાતું નથી. આથી લગ્ન કરવા વર્જ્ય ગણાય છે. તિથી, તારા, ચંદ્રનુ઼ બળ ન મળતું હોય તો પણ પુષ્ય નક્ષત્ર એ સર્વ દોષોને હણી શુભ ફળ અને કાર્યસિદ્ધિ પ્રદાન કરે છે. આ યોગમાં ખરીદેલું સોનું અક્ષત રહે છે. આ યોગમાં લગ્ન માટે સોનું અને ઘરેણાં ખરીદવાથી સમૃદ્ધિ બની રહે છે. વિદ્વાનો પ્રમાણે ગુરુ પુષ્ય યોગમાં વર-કન્યા માટે ઘરેણાં ખરીદવાથી ગુરુ ગ્રહનો શુભ પ્રભાવ રહે છે.પુષ્ય નક્ષત્રમાં રિયલ અસ્ટેટ સાથે જ વાહન, મશીન અને અન્ય સ્થાયી સંપત્તિમાં કરવામાં આવતું રોકાણ લાંબા સમય સુધી ફાયદો આપે છે. આ દિવસે ચાંદી, કપડાં, વાસણ, ઇલેક્ટ્રોનિક્સ ​વસ્તુની ખરીદી પણ શુભ રહે છે.

આજની શુભ ફળદાયી પૂજા વિધિ
પુષ્ય નક્ષત્ર દરમિયાન ઓમ મહાદેવિયૈ ચ વિદ્મહે, વિષ્ણુ પત્ની ચ ધિમહી, તન્નો લક્ષ્મી પ્રચોદયાત. આ મંત્રનો 108 વખત જાપ કરવાથી સારૂ ફળ મળે છે. પ્રત્યેક મંત્ર પૂર્ણ થયા બાદ ચણાની દાળનો એક દાણો વિષ્ણુ ભગવાનની મૂર્તિ પર ચડાવવો. માળા પૂર્ણ થયા બાદ 108 દાણા ચણાની દાળ રસોડાના પ્રવેશ દ્વારે પીળા રેશમી કપડામાં બાંધી ટંગાડવાથી ઘરમાં કદાપિ અનાજની અછત રહેતી નથી.

આજે ખરીદી માટેનો સારો સમય
તા.25 નવેમ્બરને ગુરૂવારે ભાવનગરના સ્ટાન્ડર્ડ સમય મુજબ સવારે 10.49થી સાંજના 6.55 સુધી આ યોગ છે. જેમાં સવારે 6.30થી 8 વાગ્યા સુધી શુભ, સવારે 11થી બપોરે 3.30 દરમિયાન ચલ, લાભ અને અમૃત તથા સાંજે 5થી 6.30 કલાક દરમિયાન શુભ ચોઘડિયું હોય આ સમયગાળો ખરીદી માટે શ્રેષ્ઠ છે.

અન્ય સમાચારો પણ છે...